મૉંગોલિયા (Mon-go-li-a) : મધ્ય એશિયામાં આવેલો પ્રજાસત્તાક દેશ. તે 42°થી 53° ઉ. અ. અને 87° થી 120° પૂ. રે. વચ્ચેનો આશરે 15,65,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 2,392 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ પહોળાઈ 1,255 કિમી. છે. તેની ઉત્તરે રશિયાઈ સીમા તથા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફ ચીનની સીમા આવેલી છે. મૉંગોલિયાની સીમાની કુલ લંબાઈના 39 % જેટલી લંબાઈ રશિયા સાથે અને 61 % ચીન સાથે સંકળાયેલી છે.

ભૂપૃષ્ઠ : પ્રાકૃતિક ર્દષ્ટિએ આ દેશને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચેલો છે : (1) ઉત્તર અને પશ્ચિમે આવેલી પર્વતીય હારમાળાઓ, (2) પર્વતીય હારમાળાઓની વચ્ચે તેમજ આસપાસ આવેલાં મેદાનો, (3) દક્ષિણ અને પશ્ચિમે આવેલા ઉચ્ચપ્રદેશો અને રણવિસ્તાર. આ ઉપરાંત મૉંગોલિયાનો સમગ્ર વિસ્તાર ભૂકંપને પાત્ર ગણાય છે.

(1) હારમાળાઓ : મૉંગોલિયા પહાડી પ્રદેશ છે. અહીંની હારમાળાઓ તૃતીય જીવયુગ દરમિયાન અસ્તિત્વમાં આવેલી છે. આ હારમાળાઓ ત્રણ વિભાગોમાં વહેંચાયેલી છે. તેમની સરેરાશ ઊંચાઈ આશરે 3,000 મીટરની છે. અલ્તાઈ હારમાળા અહીંની ઊંચામાં ઊંચી અને લાંબામાં લાંબી હારમાળા છે; તે મૉંગોલિયાના પશ્ચિમ ભાગમાં આવેલી છે; વાયવ્યથી અગ્નિ તરફ વિસ્તરેલી છે અને 1,600 કિમી. લંબાઈવાળી છે. તેમાંથી ઘણી હિમનદીઓ નીકળે છે. આ હારમાળાની ઉત્તરે મૉંગોલિયન અલ્તાઈ તથા અગ્નિ તરફ ગોબી અલ્તાઈ હારમાળાઓ આવેલી છે. અલ્તાઈ નાયરામડાલ (Nayramdal) હારમાળામાં આવેલું તાવાન-બોગદો-યુલી અહીંનું સર્વોચ્ચ શિખર (4,373 મી.) છે. ઓછી ઊંચાઈ ધરાવતાં શિખરો પણ તેમાં છે.

બીજા વિભાગમાં વાયવ્યથી અગ્નિ તરફ વિસ્તરેલા પર્વતો હંગાયન પર્વતો તરીકે ઓળખાય છે. મધ્ય મૉંગોલિયામાં આ પર્વતો પ્રમાણમાં વધુ નજીક નજીક ગોઠવાયેલા છે. અહીંનાં શિખરો 4,000 મી. જેટલી ઊંચાઈનાં છે. અહીંના આછા ઢોળાવવાળા પહાડી વિસ્તારો પ્રમાણમાં ફળદ્રૂપ છે. મધ્ય ભાગના આ પર્વતો ઉત્તર તરફ ક્રમશ: સાઇબીરિયાના સાયન પર્વતોમાં ભળી જાય છે.

ત્રીજા વિભાગમાં આવેલી પર્વતીય હારમાળા હેનતિયાન નામથી ઓળખાય છે. તે નૈર્ઋત્યથી ઈશાન તરફ વિસ્તરેલી, પ્રમાણમાં નાની તેમજ ઓછી ઊંચાઈવાળી છે. તેની સરેરાશ ઊંચાઈ 2,000 મીટર જેટલી છે. અહીંનું સર્વોચ્ચ શિખર 3,066 મીટરની ઊંચાઈ ધરાવે છે.

મૉંગોલિયાની પૂર્વ તરફ મહાખિંગાન હારમાળા આવેલી છે, તે અહીં તેમજ ચીનમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી છે. આ હારમાળા મૉંગોલિયા-ચીન વચ્ચે સીમા બનાવે છે.

(2) મેદાનો : પર્વતીય હારમાળાઓની વચ્ચે તેમજ આજુબાજુ મેદાનો આવેલાં છે. આ મેદાની વિસ્તાર સરોવરોના પ્રદેશ તરીકે ઓળખાય છે. આ મેદાની વિસ્તારમાં આશરે 300 જેટલાં સરોવરો આવેલાં છે. આ સિવાયનો બીજો મેદાની વિસ્તાર હંગાયન પર્વતોના પૂર્વીય ઢોળાવો તરફ અને પશ્ચિમે હેનતિયાન પર્વતોની તળેટીમાં આવેલો છે. દક્ષિણ તરફ મૉંગોલિયન ઇતિહાસમાં મહત્વનો ભાગ ભજવતાં ફળદ્રૂપ મેદાનો આવેલાં છે.

હંગાયન હારમાળાની ઉત્તરે આવેલા ખોરગો પ્રદેશમાં આશરે 6થી 7 સુષુપ્ત જ્વાળામુખીઓ છે, અહીં મૃત-જ્વાળામુખ-સરોવરો (crater lakes) નિર્માણ પામ્યાં છે. અહીંથી વહેતી અનેક શાખા-નદીઓએ ઊંડાં કોતરો રચ્યાં છે. આ ઉપરાંત, ઓરહોન ગોલના વિસ્તારમાં બીજો એક જ્વાળામુખી-પટ્ટો આવેલો છે. અહીં પણ અનેક સરોવરો તેમજ ગરમ પાણીના ઝરા આવેલાં છે. શ્વેત સ્ટાલિયોન નદી દ્વારા અહીં એક ઊંડું કોતર રચાયું છે. ઉત્તરે રશિયા સાથેની સીમા પાસે આવેલ ખૂબસુગાલ (Khubsugal) નામનો નવો નિર્માણ પામેલો સરોવર-વિસ્તાર છે, જોકે તેનું મહત્વ પ્રમાણમાં ઓછું છે.

(3) ઉચ્ચપ્રદેશો–રણવિસ્તાર : મૉંગોલિયાનો પૂર્વભાગ પહાડી છે, પરંતુ વધુ પૂર્વ તરફ નાનાં મેદાનો જોવા મળે છે. તેની ઊંચાઈ લગભગ 600–700 મીટરની છે. આ વિભાગ બેસાલ્ટ બંધારણવાળા લાવાથી બનેલો હોવાથી ઉચ્ચપ્રદેશ જેવો દેખાય છે. અહીંના દારીગંગાના વિસ્તારમાં લગભગ 220 જેટલા મૃત જ્વાળામુખીઓ આવેલા છે.

દેશના દક્ષિણ ભાગમાં રણદ્વીપ તેમજ મેદાનો આવેલાં છે. ગોબીનો ઉત્તરનો મોટો ભાગ પ્રમાણમાં ખડકાળ ભૂમિથી બનેલો છે, ગોબીનો માત્ર 3 % ભાગ રેતીથી પથરાયેલો છે; જ્યારે તેના દક્ષિણ ભાગમાં ત્રણ પર્વતીય હારમાળાઓ આવેલી છે. હારમાળાઓમાં આવેલી ખીણોમાં ખાસ જાણીતી કૉનડૉર્સ(Condors)ની ખીણ છે, ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જળપરિવાહ : સમગ્ર દેશમાં અસંખ્ય નદીઓ તથા ઝરણાં વહે છે, તે પૈકી કેટલાંક મુદતી છે, કેટલાંક સરોવરોમાં ભળી જાય છે, તો વળી કેટલાંક ખડકાળ પ્રદેશમાંથી પસાર થઈને રેતીના રણમાં સમાઈ જાય છે. ઉત્તર વિભાગની શાખાનદીઓ ખીણવિસ્તારમાં ભળી જતાં નદી ચોક્કસ માર્ગ ધારણ કરે છે. મધ્ય એશિયાની નદીઓ પ્રદેશોને કોતરીને પૅસિફિક અને આર્ક્ટિક મહાસાગરને મળે છે. કેટલીક નદીઓ મૉંગોલિયા-રશિયાની સરહદ ઓળંગીને ઉત્તરે બૈકલ સરોવર તરફ વહે છે. પૅસિફિક મહાસાગર તરફ વહેતી નદીઓમાં ઑનોન, ઉલ્દ્ઝ, કેરુલેન; જ્યારે બૈકલ સરોવરને મળતી નદીઓમાં ઑરહોન, શારીન, તૂલ, સેલેન્જ; તથા પશ્ચિમ તરફ વહેતી નદીઓમાં હૉવૉદ, તેસિયન, દ્ઝાવહાન મુખ્ય છે. આ નદીઓનાં જળનો લાભ મૉંગોલિયાની આશરે 2,82,000 ચોકિમી. જમીનને મળી રહે છે.

એશિયાની આંતરખંડીય નદીઓ પૈકી હૉવૉદ મોટી ગણાય છે. તેનું મૂળ અલ્તાઈની હિમનદીમાં રહેલું છે. હંગાયનની દક્ષિણે પણ અનેક નદીઓ વહે છે. તે ગોબીના ખારા પાણીનાં સરોવરોમાં ભળી જાય છે. મૉંગોલિયાની નદીઓ તેના ભૂમિઢોળાવોને લીધે વધુ ઝડપી છે. તેના પાણીનો ઉપયોગ જળવિદ્યુત માટે થઈ શકે છે; પરંતુ કોઈ વાર અતિવૃષ્ટિને કારણે પૂરનું પણ એટલું જ જોખમ રહેલું છે.

મૉંગોલિયામાં એક-બે ચોકિમી. જળવિસ્તાર ધરાવતાં 3,000 જેટલાં સરોવરો આવેલાં છે. અહીં પશ્ચિમથી પૂર્વ તરફ જતાં ઉવસ, હયારર્ગસ, હારુસ, ડૉર્ગોન, હોવ્સગૉલ, તેરહિયન-ત્સાગાન તથા ચીનની સીમા પર પૂર્વમાં બાયાન અને બુયર સરોવરો આવેલાં છે. આ પૈકીનું હોવ્સગૉલ મધ્ય એશિયાનું સૌથી ઊંડું (1,238 મીટર) સરોવર છે. મોટાભાગનાં સરોવરો જ્વાળામુખ-સરોવરો છે; દા.ત., ઉત્તરે હંગાયન ઢોળાવ પર આવેલું 61 ચોકિમી. વિસ્તાર ધરાવતું તેરહિયન સરોવર 2,060 મીટરની ઊંચાઈ પર આવેલું છે અને તેનો કિનારો લાવાના જાડા થરથી બંધાયેલો છે. આ સરોવરમાં આવેલ ટાપુ પર પક્ષી-અભયારણ્ય ઊભું કરવામાં આવેલું છે. બાયાન સરોવરની પાળ પીળી રેતીના ઢૂવાથી બનેલી છે.

મૉંગોલ પ્રજાનું વિચરતું જીવન

અહીં પ્રાચીન શહેરોના અવશેષો મળી આવવાથી તેનું પુરાતત્વીય મહત્વ વધ્યું છે. અહીંના ગરમ પાણીના ઝરાઓ ચર્મરોગ માટે ઉપયોગી ગણાય છે. પશ્ચિમ ગોબીના વિસ્તારમાં રેતીના ઢૂવાનિર્મિત હૃદયાકારમાં આવેલું મેદાન હાટાન હાયરહાનના વિસ્તાર સાથે સંકળાયેલું છે. આ સમગ્ર વિસ્તાર ભૂકંપ-પટ્ટામાં આવેલો હોવાથી તેમાં વસ્તીનું પ્રમાણ ઓછું છે.

આબોહવા : મૉંગોલિયા આંતરખંડીય ભાગમાં આવેલો હોવાથી મહાસાગરોથી દૂર છે; તેથી તેની આબોહવા ખંડીય પ્રકારની છે. અહીં શિયાળા ઠંડા અને ઉનાળા ગરમ હોય છે. ઉનાળામાં અહીં પહાડી સૂકી ઋતુ પ્રવર્તે છે. આ કારણોથી આ દેશની આબોહવા વિશે આગાહી કરવી મુશ્કેલ છે. અહીં ગમે ત્યારે વરસાદ પડે છે, બરફ પીગળવા માંડે છે, નદીઓમાં એકાએક પૂર આવે છે, પરિણામે પારાવાર નુકસાન પહોંચે છે. શિયાળામાં સખત પવનો ફૂંકાતા રહે છે. માનવ-વસ્તીનું પ્રમાણ અહીં ઓછું છે. માત્ર પ્રાણીઓ ટૂંકાં ઘાસ પર નભી શકે છે. વર્ષના સરેરાશ 220થી 260 દિવસો સૂર્યપ્રકાશિત રહે છે. ઉત્તર અને દક્ષિણના પ્રદેશોની આબોહવામાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે. હોવ્સગૉલ અને હેનતિયાન પર્વતીય વિસ્તારમાં વાર્ષિક સરેરાશ તાપમાન 1.9°થી 3.5° સે. રહે છે; જ્યારે વાર્ષિક વરસાદ 250થી 400 મિમી. જેટલો પડે છે. ગોબીના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ માત્ર 100થી 125 મિમી., તો વળી કોઈક સ્થળે તો માત્ર 12.5 મિમી. જેટલો જ પડે છે. અહીં સરેરાશ તાપમાન 4° સે. રહે છે. ઠંડા અને ગરમ મહિનાઓના તાપમાનનો ગાળો પણ ઘણો રહે છે. ઉત્તરમાં જાન્યુઆરીનું તાપમાન –28° સે. અને ગોબીનું તાપમાન –19° સે.; જ્યારે તે જ વિસ્તારનું જુલાઈનું તાપમાન આશરે 15° સે. અને 23° સે. જેટલું રહે છે. એક જ દિવસમાં તાપમાનનો મહત્તમ ગાળો 30° સે. જેટલો પણ અનુભવાયેલો છે. આ ઉપરાંત અહીં એકાએક વંટોળ અને વરસાદ પણ આવી જતા હોય છે.

વનસ્પતિ–પ્રાણીજીવન : અહીંની વનસ્પતિ પર આબોહવાની અસર પડે છે; તેથી અહીં વનસ્પતિની વિભિન્નતા જોવા મળે છે. અક્ષાંશીય દૃષ્ટિએ ઉત્તરથી દક્ષિણ તરફ જતાં અહીંની વનસ્પતિને ચાર પ્રકારોમાં વહેંચેલી છે : (i) પહાડી વનસ્પતિ : આ પ્રકાર દેશની કુલ ભૂમિના 30 % વિસ્તારમાં જોવા મળે છે. તેમાં સાઇબીરિયન લાર્ચ, સ્પ્રૂસ, પાઇન અને ફરનાં વૃક્ષો જોવા મળે છે. કોઈક સ્થળે બર્ચ અને પૉપ્લર પણ મળે છે. (ii) ઘાસના મેદાની વિસ્તારો (સ્ટેપના વિસ્તારો) : દેશના મેદાની અને ખીણ-વિસ્તારો ઘાસથી છવાયેલા છે, તેમાં છૂટાંછવાયાં વૃક્ષો પણ જોવા મળે છે. ઉનાળામાં આ સ્ટેપના ઘાસના મેદાની વિસ્તારમાં વાદળી, લાલ અને પીળા રંગનાં ફૂલો ઊગી નીકળે છે. પહાડી ઢોળાવો પર શંકુદ્રુમ પ્રકારની વનસ્પતિ પણ થાય છે. (iii) અર્ધ-રણ પ્રકારની વનસ્પતિ : આ દેશના દક્ષિણ વિભાગમાં અથવા મહાસરોવર વિસ્તારમાં ભૂગર્ભજળને કારણે આછી વનસ્પતિ ઊગી નીકળે છે, જોકે તેમાં ટૂંકું ઘાસ જ અધિક હોય છે. આ ઘાસ પર નભનારાં પ્રાણીઓમાં ઘેટાં-બકરાં, ઘોડા અને ઊંટ મુખ્ય છે. (iv) રણ-પ્રકારની વનસ્પતિ : દક્ષિણ ગોબીનો ખૂબ જ નાનો વિસ્તાર ગોબીના રણ તરીકે ઓળખાય છે, ત્યાં ખડકાળ ભૂમિ અને રેતી જોવા મળે છે. આ વિભાગ અતિશુષ્ક છે, તેમ છતાં થોડાઘણા ભેજને કારણે ઘાસ જેવી અલ્પજીવી વનસ્પતિ ઊગી નીકળે છે.

વનસ્પતિની વિવિધતાને કારણે પ્રાણીસંપત્તિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. ઉત્તરનાં જંગલોમાં એશિયાઈ હરણ, ભસતાં હરણ, કસ્તૂરીમૃગ, એલ્ક, કથ્થાઈ રીંછ, દીપડા, નોળિયા, ખિસકોલી, ભુંડ વગેરે જોવા મળે છે. અહીં ઘાસ પર નભનારાં પ્રાણીઓ વિશેષ હોવાથી આર્થિક ર્દષ્ટિએ તેમનું મહત્વ અંકાય છે; તેથી તેમનો ઉછેર વેપારી ર્દષ્ટિએ થાય છે. તેમાં ખાસ કરીને તો લાંબા વાળવાળાં યાક, કૂતરાં, ગાય, ઘોડા, ઘેટાં-બકરાં અને ઊંટ મુખ્ય છે. અર્ધરણ અને રણપ્રદેશમાં જંગલી ઘેટાં (argal), જંગલી ગધેડાં (kulans), જંગલી ઘોડા (takhs), જંગલી ઊંટ (khavtgays) અને ગોબી રીંછ (mazalai) જોવા મળે છે. એશિયાભરમાં અન્યત્ર આવી પ્રાણીસંપત્તિ જોવા મળતી નથી. પક્ષીઓમાં ખાસ કરીને લાવરી, સફેદ ઘુવડ, સોનેરી ગરુડ, સુરખાબ, હંસ, બતક, બગલાં, પેલિકન અને કૉરમૉન્ટ્સ જોવા મળે છે. આ પક્ષીઓ મોટેભાગે નદી કે સરોવરના વિસ્તારોમાં માળા બનાવે છે. મીઠા જળવિસ્તારમાં 70 પ્રકારનાં મત્સ્ય મળે છે. તેમાં સાલ્મન, ટ્રાઉટ, પૉર્ચ, ગ્રેલિંગ અને પાઇક મુખ્ય છે. સરકાર તરફથી રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય માટે કેટલોક વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

અર્થતંત્ર : 1990 પહેલાં આ દેશની આર્થિક સ્થિતિ નબળી હતી. મોટેભાગે રશિયાની આર્થિક સહાયથી આ દેશનો વ્યવહાર નભતો હતો. 1990 પછી અહીં ભૂસ્તરશાસ્ત્રીઓએ કરેલાં સર્વેક્ષણો મુજબ કોલસો, લોખંડ, કલાઈ, તાંબું, ફ્લોરસ્પાર, મૉલિબ્ડનમ સોનું અને ચાંદીનાં અયસ્કનો વિપુલ જથ્થો ભંડારાયેલો મળ્યો છે. વર્તમાન સંજોગોમાં તો અહીંથી મેળવાતો કોલસો મોટેભાગે ગૃહવપરાશમાં લેવાય છે. ખનિજકોલસાનાં મુખ્ય ક્ષેત્રો શારીન, ગોલ અને નાલાયહ છે. ફ્લોરસ્પાર, તાંબું અને મૉલિબ્ડિનમનાં અયસ્કની નિકાસ કરવામાં આવે છે. સોના અને ટંગસ્ટનની માંગ દેશમાં વધુ હોવાથી તેની નિકાસ થઈ શકતી નથી.

પશુસંપત્તિ : દેશમાં ઘાસનાં વિશાળ મેદાનો આવેલાં હોવાથી અહીં ઘણી મોટી સંખ્યામાં પાલતુ પ્રાણીઓ જોવા મળે છે. તેમાં ઘેટાં, બકરાં, ગાય, ઘોડા અને ઊંટ મુખ્ય છે. ગાય અને ઘોડાનો ઉછેર મોટેભાગે તો ઉત્તર અને મધ્ય માગોલિયામાં વધુ જોવા મળે છે; જ્યારે દક્ષિણના સૂકા વિસ્તારમાં ઊંટ અને બકરાંનો ઉછેર વધુ થાય છે. અહીં પશુઉછેર સહકારી મંડળીઓ દ્વારા જ થાય છે. ખેતી દ્વારા મેળવાતા ઘાસ કરતાં કુદરતી રીતે ઊગેલા ઘાસ પર પશુઉછેર વધુ સારી રીતે થાય છે.

ખેતી : દેશની કુલ જમીનના માત્ર 1 % કરતાં પણ ઓછા ભાગમાં ખેતી થાય છે. દેશના ઉત્તરના ભાગોમાં ભેજવાળા વાતાવરણમાં, ખાસ કરીને તો ઓરહોન અને સેલેન્જ નદીઓના હેઠવાસના વિસ્તારમાં તેમજ ઈશાનમાં આવેલી ઑનોન, ઉલ્દ્ઝ અને કેરુલેન નદીઓના વિસ્તારોમાં ખેતી થાય છે. જ્યાં સિંચાઈ ઉપલબ્ધ છે ત્યાં પણ ખેતીના પાક લેવાય છે; જોકે અહીં ખેતીનો પાક વર્ષમાં એક જ વાર લેવાય છે. ખેતી હેઠળની 45 ભાગની જમીનમાં ઘઉં, જુવાર અને ઓટની ખેતી થાય છે. ખૂબ જ ઓછા વિસ્તારમાં બટાટા અને શાકભાજીની ખેતી થાય છે. પશુઉછેરની જેમ ખેતી પણ સહકારી મંડળીઓ દ્વારા જ થાય છે. અહીં આવેલાં ખેતરો મોટેભાગે તો 1,500થી 2,000 ચોકિમી. જેટલો વિશાળ વિસ્તાર ધરાવતાં હોય છે.

ઉદ્યોગ : પશુપાલન અને ખેતીની સાથે સાથે હવે ઉદ્યોગોને પણ પ્રોત્સાહન અપાય છે. સ્થાનિક ઉદ્યોગપતિઓ ફક્ત તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વસ્તુઓનું ઉત્પાદન કરે છે. અહીં મોટેભાગે માંસ, દારૂ, દૂધની પેદાશો અને અનાજ દળવાના એકમો વધુ જોવા મળે છે. તદુપરાંત ભરતકામવાળું કાપડ, રુવાંટીવાળાં ચામડાનાં પગરખાં, ચામડાંની તેમજ હાડકાંની કેટલીક ગૃહોપયોગી વસ્તુઓ, કાગળ, દીવાસળી અને રાચરચીલું બનાવવાના એકમો સ્થપાયા છે. હળવા ઉદ્યોગોનું સૌથી વધુ પ્રમાણ ઉલાનબતોરમાં છે, જ્યારે ભારે ઉદ્યોગો દરહાનમાં જોવા મળે છે. સુહબાટારમાં જંગલપેદાશો પર આધારિત ઉદ્યોગો સ્થપાયા છે.

પરિવહન : માગોલિયાનો સૌથી મહત્વનો પરિવહન માર્ગ ટ્રાન્સ-મૉંગોલિયન રેલમાર્ગ છે. તેની લંબાઈ 1928 કિમી છે. તે ઉત્તર-દક્ષિણના વિસ્તારોને સાંકળે છે; એટલું જ નહિ, તેને રશિયા અને ચીનની સીમાઓ સુધી વિસ્તારેલો હોવાથી મૉસ્કો અને બેજિંગ વચ્ચે તે સેતુ સમાન બની રહેલ છે. આ રેલમાર્ગ બે ભાગમાં વહેંચાયેલો છે. ઉલાનબતોરથી ઉત્તરે રશિયાની સીમા સુધી વિસ્તરેલો આ રેલમાર્ગ અનેક નદીઓ, ખીણો અને પહાડી ભાગોમાંથી પસાર થાય છે; જ્યારે દક્ષિણ વિભાગનો રેલમાર્ગ ઉલાનબતોરથી ઉત્તર ચીનના વિસ્તારોને જોડે છે. તે સ્ટેપના ઘાસવિસ્તારો અને અર્ધરણપ્રદેશોમાંથી પસાર થાય છે. આ રેલમાર્ગ 1950માં સીનોસોવિયેત કૉર્પોરેશનના સમયમાં સ્થપાયો હતો; જ્યારે બીજો રેલમાર્ગ રશિયાના સાઇબીરિયન રેલમાર્ગની જેમ સ્થપાયો છે. તે ચોયબાલ્સન અને ઈશાનના ગ્રામીણ વિસ્તારોને સાંકળે છે.

મૉંગોલિયાના મોટાભાગના નિવાસીઓનો વ્યવહાર સડકમાર્ગો દ્વારા ચાલે છે. દેશમાં આવેલા સડકમાર્ગોની લંબાઈ આશરે 49,250 કિમી. જેટલી છે. તે પૈકીના ઘણાખરા તો કાદવ-કીચડવાળા છે. રશિયા સાથેનો વેપાર મોટેભાગે હોવ્સગૉલ સરોવર અને સેલેન્જ નદીના જળમાર્ગ દ્વારા થાય છે. દુનિયાના જુદા જુદા દેશો સાથે હવાઈ વ્યવહાર ઉલાનબતોરના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દ્વારા થાય છે.

વેપાર : 1980થી મૉંગોલિયા પશુપેદાશો કરતાં ખનિજોની નિકાસ કરવામાં વધુ રસ દાખવી રહ્યું છે. તે યંત્રો, યાંત્રિક પુરજા તેમજ ખનિજતેલની આયાત કરે છે. આ દેશનો 75 % વેપાર રશિયા સાથે થાય છે. 1990થી મૉંગોલિયાએ દુનિયાના અનેક દેશો સાથે વ્યાપારી સંબંધો શરૂ કર્યા છે. આ માટે તેને રશિયા અને ચીનના પરિવહનનો ઉપયોગ કરવો પડે છે. અહીંનું નાણું તુગરિક છે.

વસ્તી : આ દેશમાં મૉંગોલિયન, ચીની, કઝાખ અને રશિયન લોકો વસે છે. અહીંની સત્તાવાર રાષ્ટ્રભાષા મૉંગોલિયન છે; પરંતુ ખાલ્ખા, રશિયન અને ચીની ભાષાઓ પણ બોલાય છે. લખવામાં રશિયન લિપિનો ઉપયોગ વધુ થાય છે.

અહીંના લોકો બૌદ્ધધર્મી છે. વસ્તી-વિતરણની દૃષ્ટિએ જોતાં 90 % મૉંગોલ, 4 % કઝાખ, 2 % ચીની અને 2 % રશિયન લોકો છે. સરકાર તરફથી ઊભા કરેલા ગૌચરમાં લોકો વસે છે. આ ગૌચર એક નાના ગામ જેવું હોય છે; તેમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. આવાં ગૌચરોની સંખ્યા આશરે 300 જેટલી છે. કેટલાંક ગૌચરમાં ધાન્યની ખેતી પણ થાય છે. કેટલાક લોકો જૂના વણજારાઓની ઢબે જીવન જીવે છે. તેઓ તંબૂઓમાં વસે છે.

પર્વતીય હારમાળાઓ વચ્ચે વસેલા પાટનગર ઉલાનબતોરનાં સરકારી ભવનો

ઉલાનબતોર મૉંગોલિયાનું પાટનગર છે. દરહાન, અર્ડેનર અને થોપબાલસાન અહીંનાં અન્ય મુખ્ય શહેરો છે. 1942માં ઉલાનબતોરમાં એક મહાવિદ્યાલયની સ્થાપના થઈ હતી. શિક્ષણ માટે કૉલેજો ઊભી કરવામાં આવી છે. તેમાં ખેતી, અર્થશાસ્ત્ર અને ઔષધિઓ વિશેનું શિક્ષણ અપાય છે. દેશમાં સાક્ષરતા 90 % જેટલી છે.

વહીવટી અનુકૂળતા માટે મૉંગોલિયાને 18 જિલ્લાઓમાં વહેંચેલો છે. અહીંની કુલ વસ્તી 2012ના અંદાજ મુજબ 42.796 લાખ છે, વસ્તીવૃદ્ધિનો દર 2 % છે.

ઇતિહાસ : બારમી સદી પહેલાં લોકો અહીં જુદી જુદી ટોળીઓમાં વસતા હતા. ચંઘીઝખાને તેમને એક જૂથમાં ભેગા કર્યા. ચંઘીઝખાન અને તેના પૌત્ર કુબ્લાઈખાને તેના રાજ્યની સીમા પૂર્વમાં કોરિયા સુધી અને પશ્ચિમે યુરોપ સુધી વધારી હતી. તેરમી સદીમાં તેના રાજ્યની પડતી થઈ. પંદરમી સદીમાં રાજા સત્તા પર આવતાં બૌદ્ધ ધર્મનો વિકાસ થયો. 1600માં મંચુઓના હાથમાં સત્તા આવી. 1644માં મંચુઓએ ચીન જીતી લીધું. 1680માં મંચુઓએ નાકાબંધી કરતાં 1800 સુધી ચીન-મૉંગોલિયા દુનિયાથી અલિપ્ત રહ્યાં. 1900 સુધી ચીનનું પ્રભુત્વ મૉંગોલિયામાં રહ્યું. 1911માં મૉંગોલિયાએ ચીનનાં દળોને ખદેડી દીધાં. 1921માં રશિયા અને ચીનના સામ્યવાદીઓએ મૉંગોલિયા પર પ્રભુત્વ મેળવ્યું. 1924માં આ દેશ મૉંગોલિયન પીપલ્સ રિપબ્લિકન પાર્ટીને હસ્તક આવ્યો. 1932માં રશિયન દળો સાથે સંઘર્ષ થતાં આશરે એક લાખ નાગરિકો મૃત્યુ પામ્યા. 1946માં મૉંગોલિયા ઉપરથી ચીનનું પ્રભુત્વ દૂર થયું. 1990માં મૉંગોલિયામાં સર્વપ્રથમ વાર ચૂંટણી થઈ. સામ્યવાદી વિચારસરણી ધરાવનારાઓએ બહુમતી મેળવી. 1996માં દેશનું અર્થતંત્ર યુ.એસ.ના સહકારથી સુધરતું ગયું. 75 વર્ષથી ચાલ્યું આવતું સામ્યવાદી શાસન દૂર થયું.

ઈ. સ. 1992માં નવું બંધારણ અમલમાં આવ્યું. તેમાં ઉદારીકરણની પ્રક્રિયા નક્કી થઈ. 1993માં પ્રમુખ ઓચિર્બત ફરી વાર ચૂંટાયો. 1996માં ડેમૉક્રેટિક યુનિયન કોએલિશને પ્રથમ બિન-સામ્યવાદી સરકારની રચના કરી. 1997માં નાત્સાગીન બાગાબંદીએ ઓચિર્બતને દૂર કર્યો. 2001માં બાગાબંદી ફરી વાર ચૂંટાયો. જૂન, 2004માં મૉંગોલિયામાં સંસદની ચૂંટણી થઈ. સ્પષ્ટ બહુમતી કોઈને ન મળવાથી, લંબાણ મંત્રણા પછી પક્ષોના જોડાણનો નેતા સાખિઆગિન એલ્બીગ્દ્રોજ વડોપ્રધાન બન્યો. કોએલિશન સરકારમાંથી મૉંગોલિયન પીપલ્સ રેવોલ્યુશનરી પાર્ટી અલગ થઈ જતાં જાન્યુઆરી, 2007માં એન્ખલોલ્ડ વડોપ્રધાન બન્યો. જૂન, 2008માં ત્યાંની સંસદ (State Great Hural)ની ચૂંટણી વખતે તોફાનો થયાં. તેમાં 5 માણસો મરણ પામ્યા. 13 મે, 2009માં રશિયાના વડાપ્રધાન પુતિને મૉંગોલિયાની મુલાકાત લીધી હતી.

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ