મે, પીટર (બાર્કર હાવર્ડ)

February, 2002

મે, પીટર (બાર્કર હાવર્ડ) (જ. 31 ડિસેમ્બર 1929, બર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 27 ડિસેમ્બર 1994, કેમ્પશાયર, ઇંગ્લૅન્ડ, યુ.કે.) : નામી આંગ્લ ક્રિકેટ-ખેલાડી. તેમણે કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કર્યો. કેવળ શોખ ખાતર રમતા રહેલા તેઓ છેલ્લા મહાન ક્રિકેટ-ખેલાડી હતા. ક્રિકેટ રમવાનો પ્રારંભ તેમણે 1956માં સરેની ટીમથી કર્યો.

પીટર, મે

ઇંગ્લૅન્ડ તરફથી તેઓ 66 ટેસ્ટમાં રમ્યા હતા અને તેમાંથી 41માં તેમણે સુકાનીપદ સંભાળ્યું હતું. તેમણે 46.77 રનની સરેરાશથી ટેસ્ટમાં કુલ 4,537 રન કર્યા હતા, તેમજ પ્રથમ કક્ષાની તમામ મૅચોમાં મળીને, 51 રનની સરેરાશથી કુલ 27,592 રન કર્યા હતા; જેમાં 85 સદીઓનો સમાવેશ પણ થાય છે. તેમનો સૌથી વધુ રનનો જુમલો 1957માં તેમણે એજબસ્ટન ટેસ્ટમાં અણનમ રહીને નોંધાવેલો 285 રનનો હતો. એ એક સુકાનીએ નોંધાવેલ સૌથી વધુ રનનો વિક્રમ હતો. 1957માં એજબસ્ટન ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે કૉલિન કાઉડ્રી સાથે 411 રન નોંધાવીને ચોથી વિકેટની વિક્રમજનક ભાગીદારી તેમણે નોંધાવી હતી. 1982–88 દરમિયાન તેમણે ઇંગ્લૅન્ડ ક્રિકેટ સિલેક્શન કમિટીના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

મહેશ ચોકસી