મેહૉગની : દ્વિદળી વર્ગમાં આવેલા મૅલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Swietenia mahagoni Jacq. (બં. મહગોની; તે. મહગોની ચેટ્ટુ, મહગોની ચેક્કા; ત. મહ્ગોની સીમીનુક્કુ; મલ. ચેરીઆ મહગોની, મહગોની; અં. જમૈકા મેહૉગની ટ્રી) છે. તેની બીજી જાતિ S. macrophylla King. (બં. બારા-મહગોની; મલ. મહગોની; અં. હાડુરાસ, કોલંબિયન, મેક્સિન, બ્રાઝિલિયન, પેરુવિયન મેહૉગની ટ્રી) છે. S. mahagoni વૅસ્ટ ઇંડિઝમાં અને S. macrophylla મેક્સિકો અને મધ્ય અમેરિકામાં થાય છે. બંને વિદેશી જાતિઓ દક્ષિણ ભારત અને અન્ય પ્રદેશોમાં શોભનવૃક્ષ તરીકે અને પ્રકાષ્ઠ (timber) માટે ઉગાડવામાં આવે છે. S. mahagoni જમૈકામાંથી સૌપ્રથમ વાર ઇંડિયન બોટૅનિકલ ગાર્ડન, કૉલકાતામાં 1795માં તરુણ રોપ દ્વારા ઉગાડવામાં આવી હતી અને S. macrophylla હાડુરાસમાંથી લાવી તેનાં બીજ દ્વારા 1872માં ઉછેરવામાં આવી હતી. ભારતમાં પ્રવેશ કરાવાયેલી S. humilisની પ્રકાષ્ઠ તરીકેની આર્થિક અગત્ય ઓછી છે.

S. mahagoni એક મધ્યમ કદથી માંડી વિશાળ ઘટાદાર સદાહરિત વૃક્ષ છે, તેની પ્રસરતી શાખાઓ વૃક્ષને સુંદર દેખાવ આપે છે. તેની ઊંચાઈ તેના વતનમાં 30 મી. જેટલી અને મુખ્ય થડનો ઘેરાવો 4.5 મી. જેટલો હોય છે. પરંતુ ભારતમાં તે 18 મી.થી 24 મી.ની ઊંચાઈ સુધી વૃદ્ધિ પામે છે. તેની છાલ રુક્ષપૃષ્ઠી (rugose) અને ભૂખરી-કાળી હોય છે. તેનાં પર્ણો સંયુક્ત યુગ્મ-પીંછાકાર (paripinnate) હોય છે. પર્ણિકાઓ 2થી 4 જોડ, 3.0થી 5.0 સેમી. લાંબી, સંમુખ, ભાલાકાર કે અંડાકાર હોય છે. પુષ્પો લીલાશ પડતાં પીળાં અને કક્ષીય લટકતા લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ઉત્પન્ન થાય છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું અંડાકાર, લગભગ 7.5 સેમી.થી 15 સેમી. લાંબું અને 7.5 સેમી. પહોળું હોય છે. બીજ અસંખ્ય, ચપટાં અને સપક્ષ (winged) હોય છે.

મેહૉગની(વેસ્ટ ઇન્ડીઝ)નાં પર્ણ અને ફળ

વૃક્ષ સદાહરિત હોવા છતાં ભારતમાં તે પૂર્ણ કે અર્ધપર્ણપાતી (semi-deciduous) છે. પર્ણો ફેબ્રુઆરીમાં ખરે છે અને માર્ચ-એપ્રિલમાં નવાં પર્ણો આવે છે.

તેના નૈસર્ગિક નિવાસસ્થાનની આબોહવા ગરમ અને એકસરખી રહે છે અને ત્યાં વાર્ષિક વરસાદ 125 સેમી.થી 250 સેમી. જેટલો થાય છે. તેનું તાપમાન 16° સે.થી 32° સે. રહે છે. આ જાતિની વૃદ્ધિ S. macrophylla કરતાં ધીમી હોય છે અને ઓછા વરસાદમાં થાય છે. S. mahagoniને ભૂમિજરૂરિયાતો વધારે ચોક્કસ હોય છે. તામિલનાડુમાં તે 100 સેમી.થી 150 સેમી. વરસાદવાળા વિસ્તારમાં સૌથી સારી રીતે ઊગે છે.

Botryodiplodia theobromae Pat. Colletotrichum glocosporioidedes Penz. અને Pestalotiopsis adusta (Ell. & Ev.) Stey. નામની ત્રણ ફૂગ બંને જાતિઓમાં પાનનાં ટપકાંનો રોગ ઉત્પન્ન કરે છે.

Daedalea flavida Lev. દ્વારા સફેદ પોચો સડો; Fomes durissimus Lloyd. દ્વારા પીળો પૉકેટ-સડો; F. fastuosus Lev. દ્વારા બદામી આંતર-સડો અને Dothiorella mahagoni Theum. દ્વારા કાળો થડનો સડો થાય છે. Irpex flavus klotzsch. દ્વારા રસકાષ્ઠ(sapwood)ને સફેદ સડો થાય છે. Sclerotium rolfsil Sacc. તેના બીજાંકુરોને ચેપ લગાડે છે.

એફ. આર. આઇ. (ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ), દહેરાદૂન દ્વારા જાણવા મળ્યું છે કે આ વનસ્પતિને 24 જેટલી કીટક-જાતિઓ નુકસાન પહોંચાડે છે. તે વિપત્રકો (defoliators); વેધકો (borers) અને રસ-ચૂષકો (sap suckers) ઉપરાંત રૂપાંતરિત (converted) પ્રકાષ્ઠ, મૃત રસકાષ્ઠ, તાજું પડેલું કે કપાયેલું કાષ્ઠ, તરુણ પર્ણો, પ્રરોહો, કલિકાઓ, લીલી શાખાઓ, પ્રકાંડ અને ફળ ઉપર આક્રમણ કરે છે.

મૃત કાષ્ઠ ઉપર ક્યુર્ક્યુલિયોનિડી અને બોસ્ટ્રિકિડીના કેટલાક કીટકો; શુષ્ક કાષ્ઠ અને રૂપાંતરિત કાષ્ઠ ઉપર Lyctus africanus Lense અને Minthea rugicollis Wlk. નામના કાષ્ઠચૂર્ણકાયી (powder post) વેધકો અને તાજા કપાયેલા કે પડેલા કાષ્ઠ ઉપર પ્લેટીપોડિડી અને સ્કોલાઇટિડીના કેટલાક વિસ્ફોટ-છિદ્ર(shot-hole)-વેધકો આક્રમણ કરે છે. Zeuzera coffeae Nietnerની ઇયળ લીલા વૃક્ષનું વેધન કરે છે.

શલ્ક કીટક (Aspidiotus orientalis Newstead.) આવરિત પ્રરોહો અને પ્રકાંડ (0.6 સેમી.થી 2.5 સેમી. વ્યાસ) ઉપર આક્રમણ કરે છે. Hypsipyla robusta moore પ્રરોહવેધક છે અને આ વૃક્ષના રોપણ(plantation)ને ખૂબ નુકસાન પહોંચાડે છે.

S. mahagoniનું કાષ્ઠ સખત અને સુંવાળું અથવા સોનેરી દ્યુતિ(lustre)વાળું લાલાશ પડતું બદામી રંગનું, મધ્યમ-સૂક્ષ્મ-ગઠનવાળું, સુરેખથી માંડી કણિકામય, હલકાથી માંડી ભારે (વિ. ગુ., 0.63થી 0.76; સરેરાશ વજન 705 કિગ્રા./ઘમી.) હોય છે. જોકે કાષ્ઠના વજનમાં વધારે તફાવત માલૂમ પડ્યો છે. તે સારા સંશોષણ (seasoning) ગુણધર્મો ધરાવે છે. તેનું વાયુ-સંશોષણ ઝડપથી થાય છે. તેનું કાષ્ઠ ટકાઉ હોય છે અને ઇતરડી-અવરોધક (termite-resistant) હોવાનું મનાય છે, પરંતુ વૅસ્ટ ઇંડિઝમાં તે શુષ્ક કાષ્ઠની ઇતરડી માટે સંવેદી છે.

તેના રેસા સરળ અને સીધા હોવાથી તેને ચીરવાનું, વહેરવાનું તેમજ ઘડવાનું પ્રમાણમાં સહેલું હોય છે. તે રાચરચીલા માટે તેમજ લાકડાની નકશીદાર ગૃહસજાવટની વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે. સુંદર દેખાવને લીધે ઉચ્ચ કક્ષાનું પ્લાયવુડ બનાવવામાં તે ઉપયોગમાં લેવાય છે. તે છોલવામાં સરળ હોવાથી પેન્સિલ-ઉદ્યોગમાં સારી માગ ધરાવે છે. તે કૅબિનેટ-વર્ક (રેડિયો અને ટેલિવિઝનનાં કૅબિનેટ), ગ્રામોફોનની પેટીઓ, સંગીતનાં સાધનો, દાગીનાની પેટીઓ, ખરાદીકામ વગેરેમાં ઉપયોગી છે. તે મજબૂત અને ટકાઉ હોવાથી વહાણ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

વનસ્પતિ રસાયણ : વિવિધ દ્રાવકો વડે નિષ્કર્ષણ કરતાં છાલનું કુલ ભસ્મદ્રવ્ય 22.4 % જેટલું હોય છે; જેમાં સલ્ફેટયુક્ત ભસ્મ 14.5 %, જલદ્રાવ્ય ભસ્મ 1.4 % અને કુલ ઍસિડ અદ્રાવ્ય ભસ્મ 0.6 % હોય છે. છાલ લગભગ 15 % જેટલું ટેનિન ધરાવે છે. તેમાં આલ્કોલૉઇડ ઘટકો હોતાં નથી.

પર્ણો સાયક્લોઆર્ટેનૉલસાયકલોસ્વિએટીનૉલ, β–સિટોસ્ટેરૉલ, 31 નૉરસાયકલોસ્વિએટીનૉલ, એકેઇક ઍસિડ લૅક્ટોન, ઓલીએનૉલિક ઍસિડ, ઉર્સોલિક ઍસિડ, સાયક્લોસ્વિએટીનૉલ 3–β–D–ગ્લુકોપાયરેનોસાઇડ, ગ્લુકોસાઇડ અને 31નૉરસાયક્લોસ્વિએટીનૉલ BDગ્લુકોસાઇડ તથા એક નવા ટેટ્રાસાયક્લિક ટ્રાઇટર્પીન, સાયક્લોમેહૉગનૉલની ઓળખ થઈ છે. તેઓ વિમોનૉઇડો, સ્વિએટીનૉલાઇડ અને તેના 3એસિટેટ અને ડાઇઍસિટેટ ઉત્પન્ન કરે છે. તેઓ રુધિરમાં આવેલા ગંઠકકોષો (platelets)નું સમુરચયન (aggregation) અટકાવે છે.

પર્ણોનો ઈથર નિષ્કર્ષ ગંઠકકોષ સક્રિયતાકારક(platelets activity factor, PAF)નો પ્રતિરોધ કરે છે; તેથી ગંઠકકોષોનું સમુચ્ચયન થતું નથી.

બીજના ઈથર નિષ્કર્ષનું ક્રમબદ્ધ વિશ્લેષણ કરતાં સ્વિએટીનાઇન અને સ્વિએટીનૉલાઇડ સાથે સંબંધિત 28 ટેટ્રાનૉરટ્રાઇટર્પીનૉઇડો ઉત્પન્ન થાય છે. તે પૈકી સ્વિએટીમેહૉનિન A, D, E અને G તથા 3O, ઍસિટાઇલ-સ્વિએટીનૉલાઇડ અને BOઍસિટાઇલસ્વિએટીનૉલાઇડ અંત:જીવે (in vivo) અને પાત્રે PAFપ્રેરિત સમુચ્ચયનનો પ્રબળ પ્રતિરોધ કરે છે.

બીજના મિથેનૉલીય અને જલીય નિષ્કર્ષમાંથી ટેનિનો, આલ્કેલૉઇડો, સેપોનિનો અને ટર્પીનૉઇડો મુખ્ય વનસ્પતિ ઘટકો તરીકે પ્રાપ્ત થયા છે. બીજનો અશોધિત મિથેનૉલીય નિષ્કર્ષ આલ્કેલૉઇડો, ટર્પીનૉઇડો, ઍન્થ્રેક્વિનૉનો, હૃદ્-ગ્લાયકોસાઇડો સેપોનિનો અને બાષ્પશીલ તેલ ધરાવે છે. બે પ્રબળ સૂક્ષ્મજીવરોધી (antimicrobial) લિમોનૉઇડો, સ્વિએટીનૉલાઇડ અને 2હાઇડ્રૉક્સિ3Oટિગ્લોઇલસ્વિએટીનૉલાઇડનું અલગીકરણ કરવામાં આવ્યું છે.

બીજમાં શુષ્ક વજનને આધારે કુલ લિપિડ દ્રવ્ય 59.9 % જેટલું હોય છે. તટસ્થ લિપિડો તેનો મુખ્ય ભાગ છે; જ્યારે ગ્લાયકોલિપિડો અને ફૉસ્ફોલિપિડો અલ્પ માત્રામાં હોય છે.

તેલમાં રહેલા ફૅટી ઍસિડનાં બંધારણ પર થયેલા એક વિશ્લેષણ મુજબ, તેમાંથી 48 જેટલાં સંયોજનોની ઓળખ થઈ છે. મિથાઇલિત(methylated) ફૅટી ઍસ્ટરોના મુખ્ય ઘટકો આ પ્રમાણે છે : લિનોલેઇક ઍસિડ (26.00 %), ઇલેઇડિક ઍસિડ (24.39 %), સ્ટીઅરિક ઍસિડ (14.32 %), પામિટિક ઍસિડ (12.97 %), 10મિથાઇલ10નૉનએડીકેનૉલ (5.24 %), ઇકોસેનોઇડ ઍસિડ (2.48 %), 3હેપ્ટાઇન2,5ડાયૉલ, 5, મિથાઇલ5(1મિથાઇલઇથાઈલ) (2.03 %), ઑક્ટાડેકાનૉઇડ ઍસિડ, 9, 10, 12, ટ્રાઇમિથોક્સિ  (1.90 %), 1, 3 ડાઇઑક્સેલેન, 4 ઇથાઈલ4મિથાઈલ2પૅન્ટાએડૅસાઇલ (1.89 %) અને 2ફ્યુરેપેન્ટાનૉઇક ઍસિડ (1.03 %), તેલ અસંતૃપ્ત ફૅટી ઍસિડોનો સારો સ્રોત ગણાય છે. તે તેલ સ્વાદે કડવું અને બદામી રંગનું તથા મધ્યમસરનું શુષ્કનતેલ છે. તેનો વિવિધ રાસાયણિક ઉદ્યોગો, સાબુ અને રંગઉદ્યોગમાં ઉપયોગ થઈ શકે તેમ છે.

તેલના ભૌતિકરાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : પાણી 24.60 %, વિ.ગુ. 300 સે. 0.9334, ઍસિડ આંક 10.92 મુક્ત ફૅટી ઍસિડ 5.49 % (ઑલીક ઍસિડ તરીકે), સાબૂકરણ (saponification) આંક 191.27, આયોડિન આંક 94.4, અસાબૂકરણીય (unsapnifiable) દ્રવ્ય 1.49 %, તેલ (શુષ્કતાને આધારે) 53.75 % અને પોલેન્સ્કી આંક 0.35.

બીજનાં બીજપત્રો સ્વિએટીનિન B, C, D, E અને F, 3–O–ઍસિટાઇલસ્વિએટીનૉલાઇડ, 6–O–ઍસિટાઇલસ્વિએટીનૉલાઇડ, O–ટિગ્લૉઇલ–6–O–એસિટાઇલસ્વિએટીનૉલાઇડ, સ્વિએટીમેહૉનિન A, B, C, E, F, G અને સ્વિએટીટીમેહૉનોલાઇડ ધરાવે છે. બીજમાંથી સાયક્લોમેહેગેનૉલ, સ્કોપોલેટિન, મેહૉનિન-I (C30H36O9) અને સેકોમેહૉગનિન અલગ કરવામાં આવ્યાં છે.

પ્રકાંડની છાલ ટ્રાઇટર્પીનો, α–ઍમાયરિન, β–ઍમાયરિન, ફ્રિડેલિન, ઑલીએનૉલિક ઍસિડ, ઉર્સોલિક ઍસિડ, સાયક્લોસ્વિએટીનૉલ અને 31–નૉર–20–મિથિલીન–22–મિથાઇલ–9, 19–સાયક્લોઆર્ટેન–2, 3, β–ડાયૉલ; ઉપરાંત સ્ટિગ્મેસ્ટેરૉલ, β–સિટોસ્ટેરૉલ, ઇલેજિક ઍસિડ, લ્યુપીઑલ અને D–મેનિટૉલ ધરાવે છે. છાલનો મિથેનૉલીય નિષ્કર્ષ HIV–1 (human immunodeficiency virus1) પ્રોટીએઝ (PP) પર પ્રબળ પ્રતિરોધક (inhibitory) સક્રિયતા અને રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પર પણ પ્રતિરોધક સક્રિયતા દર્શાવે છે. રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ HIVના ગુણનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

ગુંદર નિસ્રાવ(exudate)માં અલગ કરેલા ઍસિડિક પૉલિસૅકેરાઇડ D–ગ્લુક્યુરોનિક ઍસિડ અને તેના 4–મિથાઇલ અનરૂપ (analog)ના અવશેષો (residues) ધરાવે છે. તેનું મેહૉગનીનું અંતકાષ્ઠ સાયક્લોસ્વિએટીનૉલ અને 31–નૉર–સાયક્લોસ્વિએટીનૉલ ધરાવે છે. કાષ્ઠમાંથી C17 એપૉક્સીડાયૉલ પોલિએસિટિલીન, β–હેક્ઝાઇલ–3–(6–હાઇડ્રોક્સિ–2, 4–ઑક્ટાડાયઇનીલ) ઑક્સિરેન મિથેનૉલ અલગ કરવામાં આવ્યો છે. તે પ્રતિપોષક (antifeedant) ગુણધર્મ ધરાવે છે.

લોકઔષધીય (ethenomedicinal) ઉપયોગો :

ભારતમાં પ્રણાલિકાગત રીતે તે કેટલાય ચિકિત્સીય હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. તેનાં બીજ અને છાલ અતિરક્તદાબ (hypertension), મધુપ્રમેહ (diabetes), મલેરિયા અને અપસ્માર(epilepsy)માં લોકઔષધ તરીકે ઇન્ડોનેશિયા અને ભારતમાં ઉપયોગ થાય છે.

છાલ સ્તંભક (astringent) ગણાય છે અને અતિસાર(diarrhoea)માં તેનો ક્વાથ (decoction) પિવડાવવામાં આવે છે. તે વિટામિનો અને લોહના સ્રોત તરીકે તથા રક્તસ્તંભક (haemostyptic) તરીકે ઉપયોગી છે. છાલ જ્વરહર(anti-pyretic) અને બલ્ય (tonic) ગુણધર્મો ધરાવે છે.

છાલ ક્ષુધાવર્ધક તરીકે, ક્ષયના કિસ્સામાં શક્તિના પુન:સ્થાપન માટે તથા પાંડુરોગ (anaemia), અતિસાર, મરડો, તાવ અને દાંતના દુ:ખાવામાં વપરાય છે.

પર્ણોનો ક્વાથ ચેતાતંત્રના વિકારો, બીજનો આસવ (infusion) છાતીની વેદનામાં અને પર્ણો કે મૂળની પોટીસ રક્તસ્રાવમાં ઉપયોગી છે.

પૂર્વ મેદીનીપુર(પશ્ચિમ બંગાળ) અને બાલાસોર(ઓરિસા)ના સ્થાનિક લોકો બીજ અને છાલનો જલીય નિષ્કર્ષ સોરાયસિસ, મધુપ્રમેહ અને અતિસારમાં તથા વ્રણ અને કાપ ઉપર જંતુઘ્ન (antiseptic) તરીકે પણ ઉપયોગ કરે છે.

મેહૉગનીનાં બીજ કૅન્સર, અમીબા–રુગ્ણતા(amoebiasis), કફ અને આંત્રીય પરોપજીવિતા(parasitism)ની ચિકિત્સામાં ઉપયોગી હોવાનું નોંધાયું છે.

ઔષધગુણવિજ્ઞાનીય (phamacological) ગુણધર્મો :

બીજનો મિથેનૉલીય નિષ્કર્ષ 2500 મિગ્રા/ કિગ્રા. કરતાં વધારે માત્રાએ ઉંદરોને આપતાં  તે પ્રમાણમાં અ-વિષાળુ (non-toxic) માલૂમ પડ્યો હતો. બીજનો અશોધિત મિથોનૉલીય નિષ્કર્ષ candida albicans, Staphylococcus aureus, Pseudomonas aeroginosa, Streptlococcus faecalis અને Proteus mirabillase સામે સૂક્ષ્મજીવરોધી (antimicrobial) સક્રિયતા દર્શાવે છે. મેહૉગની મધુપ્રમેહરોધી (antidiabetic), પ્રતિ-ઉપચાયી (anti-oxidant), મુક્ત મૂલક અપમાર્જન (free radical scavanging), PPARr – ધર્મોત્તેજક સક્રિયતા [peroxisome-proliferative activated recepory(PPARr) agonistic activity, ઔષધ દ્વારા સક્રિયતા થતા આ ગ્રાહીઓનું કાર્ય લિપિડ અને કોલેસ્ટેરૉલની ચયાપચયની ક્રિયામાં વધારો, મેદસ્વી કોષો (adipocytes)નું વિભેદન અને ઇન્સ્યુલિન સંવેદિતામાં સુધારણા છે.] કોષવિષાળુતા (cytotoxicity),         શોથરોધી (anti-inflammactory), જઠરરક્ષક (gastro protective), યકૃતરક્ષક(hapatoprotective), અતિસારરોધી (anti-diarrhoeal), વેદનાહર (analgesic), જ્વરહર (antipyretic), બૃહત્ ભક્ષકકોષો(macrophages)ની સંખ્યાવૃદ્ધિ, અર્બુદરોધી (antitumor), ફૂગરોધી (anti-fungal), વ્રણરોધી (anti-ulcer) અને PAF પ્રતિરોધી સક્રિયતા દર્શાવે છે. તે અવસાદક (depressant), પ્રતિ-આક્ષેપક (anti-convulsant), ચેતા-ઔષધગુણવિજ્ઞાનીય (neuropharmacological), HIV-રોધી(anti-HIV), પ્રતિરક્ષા–નિયામકી (immunomodulatory), કીટપ્રતિકર્ષી (insectrepellent) અને ઇયળનાશક(larvicidal) ગુણધર્મો ધરાવે છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ

બળદેવભાઈ પટેલ