મેહલર, ગુસ્તાફ (જ. 7 જુલાઈ 1860, કૅલિખ્ટ (kalischt), ઑસ્ટ્રિયા; અ. 18 મે 1911, વિયેના, ઑસ્ટ્રિયા) : વિખ્યાત આધુનિક ઑસ્ટ્રિયન સંગીતકાર અને સંગીતનિયોજક. વિયેના કૉન્ઝર્વેટરીમાં સંગીતના અભ્યાસમાં તેજસ્વી નીવડ્યા પછી સંગીત-વાદ્યવૃંદ-સંચાલક(conductor)ની કારકિર્દી અપનાવી અને યુરોપનાં વિવિધ શહેરોમાં તેમની નિમણૂક થતી રહી. આ પછી 1888માં બુડાપેસ્ટ ઑપેરાના તેઓ દિગ્દર્શક–નિયામક તરીકે નિમાયા. 1897માં વિયેનાના કૉર્ટ ઑપેરાના દિગ્દર્શક નિમાયા. 1907માં ન્યૂયૉર્કના મેટ્રોપૉલિટન ઑપેરા હાઉસના મુખ્ય સંગીત-વાદ્યવૃંદ-સંચાલક તરીકે તેમની ખ્યાતિ સમગ્ર યુરોપ અને અમેરિકામાં પ્રસરી ચૂકી હતી. એવામાં ઓચિંતી ગંભીર માંદગીમાં પટકાઈ પડતાં તેમણે પૅરિસ જઈ સારવાર મેળવી અને પછી વિયેના જઈ આરામ કર્યો. વિયેનામાં તેઓ 51 વરસની ઉંમરે મૃત્યુ પામ્યા.

સંગીત-વાદ્યવૃંદ-સંચાલક તરીકેની થકવી નાંખનારી કારકિર્દીમાં પણ મેહલર સંગીતનિયોજક (composer) તરીકે બહુફળદાયી (વિપુલ માત્રામાં સર્જન કરનાર, prolific) સાબિત થયા. સંગીતનિયોજક તરીકે મેહલરનું સંગીતસર્જન 1880થી 1910 સુધી થયું, જેમાં દસ સિમ્ફનીઓ, વાદ્યવૃંદના સંગાથવાળાં ગીતો તથા વિશાળ વાદ્યવૃંદ અને બે ગાયકો (soloists) માટેની રચના ‘ધ સૉન્ગ ઑવ્ ધી અર્થ’ મુખ્ય છે.

ગુસ્તાફ મેહલર

મેહલર અતિસંવેદનશીલ કલાકાર હતા. જંગલો અને પંખીઓનાં ગીતો જેવાં પ્રકૃતિનાં અદભુત લક્ષણો માટેનો પ્રેમ તથા માનવ-હૃદયમાં ચાલતી લાગણીની ઊથલપાથલો અને ઊંડાણમાંથી નીપજતાં વિચાર-વમળોમાં તેઓ આજીવન ખૂંપેલા રહ્યા. તેમનું સંગીત આ જ પરિસ્થિતિને વાચા આપે છે; જે ‘રંગદર્શિતાવાદ’(romanticism)ના ઝાંખા પડતા જતા સુંદર સ્વપ્નને આધુનિક માનવી દ્વારા અપાયેલી છેલ્લી અંજલિ’ નામે પ્રતિષ્ઠા પામ્યું. મેહલરના સંગીત પર પૉપ્યુલર ગીતોની, બીથોવન, બ્રકનર અને વૅગ્નરની તેમજ પ્રામાણ્યવાદ (deism) તથા કેટલેક અંશે નિસર્ગવાદ(pantheism)ની અસર છે.

સંગીતની પરિભાષાની તપાસ કરતાં માલૂમ પડે છે કે મેહલર સૂરાવલિ બહારના સ્વરોનો ઉપયોગ (chromatic) કરી સામંજસ્ય (harmonies) રચે છે. મૂળે, વૅગ્નરે શરૂ કરેલી આ પદ્ધતિને મેહલર આગળ ધપાવે છે અને સ્વરોના શાસ્ત્રીય સામંજસ્ય(classical tonal harmony)ને તોડવામાં વૅગ્નર તથા શોઅનબર્ગ (Schoenberg) વચ્ચેની કડી બને છે. સિમ્ફનીના પ્રણાલીગત સ્વરૂપમાળખામાં તોડફોડ કરી વિરાટ (gigantic) કદ ધરાવતી સિમ્ફનીઓ તેમણે સર્જી છે.

પહેલી સિમ્ફની (1888) ‘ટાઇટન’ નામે પ્રસિદ્ધિ પામી. તે મધુર સૂરાવલિ(melodies)થી ભરપૂર છે. બીજી સિમ્ફની (1888–94) ‘રિસરેક્શન’ (Resurrection) નામે પ્રસિદ્ધિ પામી. તેની પાછળ મેહલરના યહૂદીમાંથી ઈસાઈ ધર્મપરિવર્તનની ઘટના રહેલી છે. તેની છેલ્લી ગતમાં ગાયકવૃંદ (chorus) અને સ્વતંત્ર સ્ત્રી-ગાયકો (female solo voices) ભાગ લે છે. આ ગાયકો 18મી સદીના જર્મન કવિ ક્લૉપ્સ્ટૉક(Klopstock)ની રચના ગાય છે. ત્રીજી સિમ્ફની (1896) વાદ્યવૃંદ, ગાયકવૃંદ અને વાયોલા(viola)નો ઉપયોગ કરે છે. ચોથી સિમ્ફની (1900) ખૂબ જ ટૂંકી, સાદી અને શાંત છે; માત્ર વાદ્યવૃંદ માટે છે. પાંચમી સિમ્ફની (1902) આનંદી ભાવની છે અને વર્જ્ય સ્વરોનો ઉપયોગ કરે છે. ‘ટ્રૅજિક’ નામે પ્રસિદ્ધિ પામેલી છઠ્ઠી સિમ્ફની (1904) એ માત્ર મેહલરનું જ સૌથી વિશાળ સર્જન નથી; પણ વિશ્વની સૌથી મહાન સિમ્ફનીઓમાં સ્થાન પામે છે. આ માત્ર વાદ્યવૃંદ માટે છે, તેમાં કોઈ ગાયકો નથી. આમાં સતત નાટ્યાત્મક તણાવ દ્વારા મેહલરે પોતાના આત્માનાં ઊંડાણો ખુલ્લાં કર્યાં છે. ‘સૉન્ગ ઑવ્ ધ નાઇટ’ નામે ઓળખાતી સાતમી સિમ્ફની પણ માત્ર વાદ્યવૃંદ માટે જ છે. ‘ધ થાઉઝન્ડ’ નામે પ્રસિદ્ધિ પામેલી આઠમી સિમ્ફની (1907) પણ વિરાટ (gigantic) કદની છે. તે એક વિશાળ વાદ્યવૃંદ, અનેક વધારાનાં વાદ્યો, આઠ સ્વતંત્ર ગાયકો (soloists), બે પુખ્ત ગાયકવૃંદ (choir) અને એક બાળ (children) ગાયકવૃંદનો ઉપયોગ કરે છે. આ સિમ્ફનીમાં આદિથી અંત લગી સતત ગાન ચાલુ રહે છે અને તેથી તે સિમ્ફની હોવા છતાં ઑરેટૉરિયો(oratorio)ની વધુ નજીક છે. નવમી સિમ્ફની(1909)નો ભાવ નિરાશાજનક અને રહસ્યમય છે. 1912માં તેનું પ્રથમ વાદન થયેલું. દસમી સિમ્ફની અધૂરી રહી ગઈ છે. તે શોઅનબર્ગના સંગીતની ખૂબ જ નજીક છે. 1964માં અંગ્રેજી સંગીતકાર ડેરિક કુકે (Deryck Cooke) તેને પૂર્ણ કરી. તેનું પ્રથમ વાદન પણ તે જ વર્ષે થયું હતું.

‘ધ સૉન્ગ ઑવ્ ધી અર્થ’ (1908) શ્રોતાને હચમચાવી નાખનારી કૃતિ છે. હકીકતમાં તે તાર સપ્તકોમાં ગાનાર પુરુષગાયક (tenor), મંદ્ર સપ્તકોમાં ગાનાર સ્ત્રીગાયક (contralto) તથા વાદ્યવૃંદ માટેની સિમ્ફની છે. બંને ગાયકોની ટેક્સ્ટ ચીની કાવ્યો પર આધારિત છે.

અમિતાભ મડિયા