મૅહિલૉન, વિક્ટર ચાર્લ્સ (જ. 10 માર્ચ 1841, બ્રસેલ્સ; અ. 17 જૂન 1924, બેલ્જિયમ) : બેલ્જિયમના સંગીત-વિષયક વિદ્વાન. તેમણે અનેકવિધ સંગીતવાદ્યોનો સંગ્રહ કરી તેમનું વિગતે વર્ણન કરીને એ વાદ્યોની અનુકૃતિ કરી લીધી.

1865માં તે પિતાની વાજિંત્ર-નિર્માણની ફૅક્ટરીમાં જોડાયા. તેમણે ‘લ ઈકો મ્યુઝિકલ’ નામનું સામયિક 1869થી ’86 સુધી પ્રગટ કર્યું. 1879થી તે બ્રસેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર બન્યા અને 1,500 ઉપરાંત પ્રાચીન, અર્વાચીન બિનપાશ્ચાત્ય વાજિંત્રોનો વિશાળ સંગ્રહ ઊભો કર્યો. આ વાદ્યસંગ્રહનું વિવરણાત્મક વિસ્તૃત સૂચિપત્ર (1880–92) સંપાદિત કર્યું તેમાં વાજિંત્ર-નિર્માણના પ્રત્યક્ષ સિદ્ધાંત તથા વાજિંત્રમાં સ્વર જન્માવનાર સામગ્રીના આધારે વાદ્યોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ વાદ્યવર્ગીકરણ, પછી, એરિક ફૉન હૉર્નબૉસ્ટમ તથા કર્ટ સૅક્સે અપનાવ્યું હતું અને તેમાં ઉમેરણ કર્યું. હવે તે વાદ્ય-વર્ગીકરણ માટેની સર્વસ્વીકૃત પદ્ધતિ બની ચૂકી છે. તેમણે દુર્લભ વાજિંત્રોની પણ અનુકૃતિ કરી લીધી તથા પ્રાચીન વાદ્યોના સંગીતવાદનની મહેફિલો પણ યોજી. સંગીતવિષયક પુસ્તક અને સંખ્યાબંધ સચિત્ર લઘુપુસ્તિકાઓ લખવા ઉપરાંત ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ની નવમી આવૃત્તિમાં તે વિષયના લેખો પણ પ્રગટ કર્યા છે.

મહેશ ચોકસી