મેહબૂબ, હરિંદરસિંગ (જ. 1937; ચાક, જિ. લાયલપુર, હવે પાકિસ્તાનમાં) : પંજાબી સાહિત્યકાર. તેમને ‘ઝનાં દી રાત’ નામક કાવ્યસંગ્રહ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે અંગ્રેજી તથા પંજાબી ભાષાના વિષયમાં અનુસ્નાતક ડિગ્રી મેળવી; ત્યારપછી હોશિયારપુર તાલુકાના ગઢડીવાલા શહેરની ખાલસા કૉલેજમાં અધ્યાપક નિમાયા. 1960ના દશકાનાં પ્રારંભિક વર્ષોમાં તેમણે સામયિકમાં નિબંધો લખવાનું શરૂ કર્યું. તેમનાં મહત્વનાં પ્રકાશનોમાં ‘સહજ રચ્યો ખાલસા’ ઉલ્લેખનીય છે; તેનાં 1237 પાનાંમાં શીખ તત્વજ્ઞાન, સૌંદર્યમીમાંસા, તત્વ-વિવેચના તથા ઇતિહાસની વિગતે ચર્ચા છે.

તેમને મળેલા ઍવૉર્ડમાં ભાઈ ગુરુદાસ ઍવૉર્ડ, ભાઈ કાહનસિંગ નાભા ઍવૉર્ડ તથા ભાઈ મોહનસિંગ વૈદ ઍવૉર્ડ મુખ્ય છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ઝનાં દી રાત’ એ તેમનું બીજું મહત્વનું પ્રકાશન છે. સંકલ્પના તથા વિષયવસ્તુ – એમ બંને ર્દષ્ટિએ આ કાવ્યસંગ્રહ પંજાબી સાહિત્યની અનોખી કૃતિ છે. પાછલા 3 દશકાઓ દરમિયાન 7 સંગ્રહોમાં પ્રગટ થયેલાં 200 ઉપરાંત કાવ્યો સમગ્ર કવિતા રૂપે એક કાવ્યસંગ્રહમાં પ્રગટ થયાં છે; આ વિસ્તૃત કાવ્યસંગ્રહનાં 828 પાનાંમાં સર્વાંગી શૈલીગત વૈવિધ્ય તથા કલાત્મક અસાધારણતા આસ્વાદવા મળે છે. કાવ્યરચનાના આ લાંબા ગાળા દરમિયાન કવિનાં વિચાર-વલણોમાં તથા કાવ્યગત વિષયના નિરૂપણમાં પરિવર્તન જોવાતું રહ્યું છે; પરંતુ કવિનો ઉષ્માસભર માનવતાવાદ યથાવત્ રહ્યો છે. કવિતાની લોકપરંપરાની સાથે સમકાલીન પ્રવૃત્તિપ્રવાહોનું સંયોજન – એ આ કવિની શૈલીગત લાક્ષણિકતા છે. પંજાબના ગૌરવપૂર્ણ અતીત પ્રત્યેનો લગાવ આ કાવ્યોમાં અવારનવાર ડોકાતો રહ્યો છે. આ સંગ્રહની લાક્ષણિકતાઓમાં કાવ્યરચનાનું વૈવિધ્ય, કલ્પનો તથા રૂપકો, કાવ્યવિષયનો વ્યાપ, કાવ્યાત્મક ઉત્કટતા તથા લોકશૈલીમાં આધુનિક શબ્દાવલીનો વિનિયોગ જેવી બાબતો મહત્વની છે.

મહેશ ચોકસી