મેહબૂબ ખાન (જ. 7 સપ્ટેમ્બર 1906, બીલીમોરા, જિ. વલસાડ; અ. 28 મે 1964) : ‘મધર ઇન્ડિયા’ અને ‘રોટી’ જેવાં ચલચિત્રો દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર હિંદી ચલચિત્રોના નિર્માતા-દિગ્દર્શક. મૂળ નામ રમઝાનખાન. ગુજરાતના એક નાનકડા ગામમાં જન્મેલા મેહબૂબે ગામના મદરેસામાં થોડું ઘણું ઔપચારિક શિક્ષણ લીધું હતું. પણ તેમની પ્રગતિશીલ વિચારસરણી અને કિશોર વયે મુંબઈમાં કરેલા ખાસ્સા સંઘર્ષે મેહબૂબનું અનુભવભાથું સમૃદ્ધ કર્યું હતું. 1927માં મુંબઈ આવીને ઇમ્પીરિયલનિર્મિત ચિત્રોમાં નાની ભૂમિકાઓ ભજવી. ‘અલીબાબા ઍન્ડ ફૉર્ટી થીવ્ઝ’માં તેમણે ચાલીસ ચોર પૈકી એકની ભૂમિકા ભજવી. આ ઉપરાંત બીજાં અડધો ડઝન ચિત્રોમાં નાનીમોટી ભૂમિકાઓ ભજવ્યા પછી ચિત્રોમાં નાયક બનવાનું સપનું સાકાર નહિ થાય એમ લાગતાં તેઓ વાર્તાલેખન તરફ વળ્યા. તેમણે લખેલી એક વાર્તા પરથી સાગર મૂવિટોને 1934માં એક ચિત્ર ‘જજમેન્ટ ઑવ્ અલ્લાહ’ (અલ હિલાલ) બનાવ્યું. દિગ્દર્શનના કોઈ પણ જાતના અનુભવ વિના આ ચિત્રનું તેમણે દિગ્દર્શન કર્યું. 1936માં ‘મનમોહન’ અને 1937માં ‘જાગીરદાર’ સહિત સાગર મૂવિટોન માટે મેહબૂબખાને સાત ચિત્રોનું દિગ્દર્શન કર્યું. તેમાં ‘મનમોહન’ વધુ સફળ રહ્યું.

મેહબૂબ ખાન

1940 સુધીમાં સાગર મૂવિટોનની આર્થિક સ્થિતિ નબળી થતાં જનરલ ફિલ્મ કંપની સાથે તે વિલીન થઈ અને તેનું નામ નૅશનલ સ્ટુડિયો થયું. તેના નેજા હેઠળ મેહબૂબે પર્લ બકની નવલકથા ‘મધર’ પર આધારિત પોતાના પ્રથમ અવિસ્મરણીય ચિત્ર ‘ઔરત’નું નિર્માણ કર્યું. આ ચિત્રથી મેહબૂબની ગણના પ્રથમ પંક્તિના દિગ્દર્શકોમાં થવા માંડી. એમાં અભિનેત્રી સરદાર અખ્તરે યાદગાર અભિનય કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધ(1939–45)ના સમયે દેશમાં અનાજનું સંકટ હતું, ત્યારે તેમણે ‘રોટી’નું સર્જન કર્યું. એક મિલમાલિક દ્વારા એક આદિવાસીના શોષણનું ચિત્રણ કરતા આ ચિત્ર પર બ્રિટિશ સરકારે પ્રતિબંધ લાદી દીધો.

1928માં મેહબૂબે ફાતિમાબેગમ સાથે લગ્ન કર્યાં હતાં. 1942માં તેમણે સરદાર અખ્તર સાથે લગ્ન કર્યાં. એ જ વર્ષે પોતાની નિર્માણ-સંસ્થા મેહબૂબ પ્રોડક્શન શરૂ કરી. આ સંસ્થાની ઓળખ માટે તેમણે દાતરડું અને હથોડાનું પ્રતીક પસંદ કર્યું. પ્રતીક સાથે આ પંક્તિઓ ગુંજી ઊઠતી : ‘મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જૌ મંજૂરે ખુદા હોતા હૈ……..’

મેહબૂબ પ્રોડક્શન્સના નેજા હેઠળ 1949 સુધી તેમણે ‘નજમા’, ‘તકદીર’, ‘અનમોલ ઘડી’, ‘અંદાઝ’, ‘અનોખી અદા’ વગેરે સંગીતપ્રધાન પ્રણયચિત્રોનું નિર્માણ કર્યું. પણ પછી ગરીબો અને પીડિતોના ધનિકો દ્વારા કરાતા શોષણનું પોતાનાં ચિત્રોમાં નિરૂપણ કર્યું. આ ચિત્રોને મનોરંજક પણ બનાવ્યાં. 1950માં તેમણે પોતાનો સ્ટુડિયો સ્થાપવાનો પ્રારંભ કર્યો. એ દરમિયાન ટૅકનિકલર ચિત્ર ‘આન’નું તેમણે સર્જન કર્યું. લંડનમાં આ ચિત્ર પ્રદર્શિત થયું હતું અને ત્યાંના ‘રિવાલ્ડો’ છબિઘરમાં બાર સપ્તાહ ચાલ્યું. પોતાના અગાઉના ચિત્ર ‘ઔરત’ પરથી જ 1957માં યશસ્વી ચિત્ર ‘મધર ઇન્ડિયા’નું નિર્માણ કર્યું. ભારતીય નારીનું સૌથી પ્રભાવશાળી રૂપ રજૂ કરતા આ ચિત્રે દેશ-વિદેશમાં ધૂમ મચાવી. ‘મધર ઇન્ડિયા’ની ધૂમ સફળતાના પગલે મેહબૂબે ‘સન ઑવ્ ઇન્ડિયા’નું સર્જન 1962માં કર્યું હતું. પણ ‘સન ઑવ્ ઇન્ડિયા’ વ્યાવસાયિક ર્દષ્ટિથી નિષ્ફળ ગયું હતું. આ ચિત્રની ઘોર નિષ્ફળતાએ તેમના માથે દેવાના ડુંગર ખડકી દીધા હતા. 1963માં ભારત સરકારે તેમને પદ્મશ્રીનો ખિતાબ આપ્યો હતો.

હરસુખ થાનકી