મેલોડ્રામા : ઑપેરામાંથી ઉદભવેલો નાટ્યપ્રકાર. ગ્રીક ભાષામાં તે ‘સાગ ડ્રામા’ એટલે કે ‘ગીત-નાટ્ય’ તરીકે ઓળખાય છે. મેલોડ્રામાનો ઉદભવ ઇટાલીમાં સોળમી સદીનાં અંતિમ વર્ષોમાં ઑપેરાના ઉદભવની સાથોસાથ થયો. ઑપેરાનો વિકાસ પ્રશિષ્ટ ટ્રૅજેડીને પુનર્જીવિત કરવાના પ્રયત્નમાંથી થયો. તેમાં સંગીત કે નાટ્યની જમાવટ હોય તે પ્રમાણે તે કૃતિ ઑપેરા કે મેલોડ્રામા તરીકે ઓળખાતી. અઢારમી સદીમાં હૅન્ડલે પોતાની કેટલીક કૃતિઓને ઑપેરા અને કેટલીકને મેલોડ્રામા તરીકે ઓળખાવેલી. અઢારમી સદીના અંતભાગમાં ફ્રેન્ચ નાટ્યકારોએ મેલોડ્રામાને સ્વતંત્ર પ્રકાર તરીકે વિકસાવવાના પ્રયાસ આરંભ્યા અને તે માટે સંવાદતત્ત્વને વધુ વિકસાવાયું અને ર્દશ્યાત્મકતા, કાર્યઘટના તથા હિંસાખોરીને વિશેષ મહત્ત્વ અપાયું.
સનસનાટી અને અતિશય લાગણીવેડા ખૂબ લોકપ્રિય નીવડતાં રહ્યાં. સદીનાં આરંભિક વર્ષોમાં એક મુખ્ય અસર હતી તે ક્રૅબિલૉનની વિષાદયુક્ત ટ્રૅજેડી–રચનાઓ. અલ્પવિકસિત પ્રારંભિક મેલોડ્રામાના વિશેષ ઉલ્લેખનીય ઉદાહરણ તરીકે રૂસોરચિત ‘પિગ્મેલિયન’ (1775), ગૅબિયટરચિત ‘લ ઑટો-દ-ફે’ (1790) તેમજ ગિલ્બર્ટ દ પિક્સરકૉર્ટ રચિત ‘કેલીના’ (1800) ગણાવી શકાય.
ફ્રેન્ચનો પ્રભાવ ઉપરાંત ગ્યુઈથે તથા શિલરની કૃતિઓનું ગૉથિક તત્ત્વ તેમજ ગૉથિક નવલકથાની વધતી જતી લોકપ્રિયતા અને પ્રચલિતતા વત્તા એમ.જી. ‘મૉન્ક’ લૂઇસના મેલોડ્રામા ‘ધ કૅસલ સ્પેક્ટર’(1797)ની ખ્યાતિ અને લોકચાહના – આ બધાં પરિબળોને કારણે ઓગણીસમી સદી દરમિયાન અંગ્રેજી રંગમંચ પર સંખ્યાબંધ મેલોડ્રામાનું નિર્માણ થયું અને એ જ ગાળા દરમિયાન સ્કૉટ, રીડ, ડિકન્સ, વિલ્કી કૉલિન્સ અને અન્ય કર્તાઓની અનેક નવલકથાઓનું મેલોડ્રામા રૂપે રંગમંચ માટે રૂપાંતર થવા પામ્યું. રંગમંચની અવનતિના આ ગાળામાં કોઈ નોંધપાત્ર મૌલિક કૃતિઓનું નહિવત્ સર્જન થયું, એ સાવ જોગાનુજોગ નથી. નાટ્યમય કાવ્ય તથા ગદ્ય માટેની પરખશક્તિ કે શ્રવણસૂઝ લેખકોએ જાણે ગુમાવી દીધી હતી.
ઓગણીસમી સદીમાં મેલોડ્રામાનો પુષ્કળ ફાલ ઊતર્યો. તેમાં સનસનાટીભર્યાં મનોરંજક તત્ત્વો વિશેષ છે અને તેમાં મુખ્ય પાત્રો અતિશય સદગુણ ધરાવતાં હોય કે અસામાન્ય દુર્ગુણ ધરાવતાં હોય (એટલે કે પ્રતાપી તથા ઉમદા નાયક કે નાયિકા અને અતિદુષ્ટ અને નિમ્ન કોટિના ખલનાયકો), વળી લોહિયાળ ખાનાખરાબી, ભયચકિતતા, કમકમાટી તથા હિંસા ભરેલા ઘેરા વાતાવરણની જમાવટ અને તે માટે ભૂતાવળ પિશાચ, ચુડેલ, લોહી ચૂસી પીનાર અમાનુષી તત્ત્વોનું આલેખન અને એવી તો કંઈક તરકીબો એમાં યોજવામાં આવે છે. એમાં વળી દારૂડિયા, જુગારીઓ તથા ખૂની તત્ત્વોની દુષ્ટતાના અતિરેકભર્યા કથાતત્ત્વ નિમિત્તે જુગુપ્સાપ્રેરક વાસ્તવિકતા પણ ઉમેરાય છે.
આ સાહિત્યપ્રકારની હાલ ઉપલબ્ધ કેટલીક જાણીતી કૃતિઓ આ પ્રમાણે છે : ટૉમસ હૉલક્રૉફ્ટરચિત ‘એ ટેલ ઑવ્ મિસ્ટરી’ (1802), ડગ્લાસ જેરોલ્ડ રચિત ‘બ્લૅકઆઇડ સૂસાન’ (1829), ‘મારિયા માર્ટેન’ અથવા ‘ધ મર્ડર ઇન ધ રેડ બાર્ન’ (1830), ‘સ્વીની ટૉડ’ (1842) (‘મૅરિયા માર્ટનર’ની જેમ આ કૃતિમાંથી પણ અનેક ફેરફાર કરાયેલ રચનાઓને વિષય-વસ્તુ મળી રહ્યું); બૂસિકૉલ્ટરચિત ‘ધ કૉર્સિકન બ્રધર્સ’ (1852), ‘ટેન નાઇટ્સ ઇન એ બાર રૂમ’ (1858), ‘ધ કૉલિન બૉન’ (1859); મિસ બ્રેડૉનરચિત ‘લેડી ઑડલીઝ સીક્રેટ’ (1863); ટૉમ ટેલરરચિત ‘ધ ટિકિટ-ઑવ્-લીવ મૅન’ (1853), ‘ઈસ્ટ લાઇન’ (1874); વિલિયમ ટેરિસરચિત ‘ધ બેલ્સ ઑવ્ હૅઝલમેર’ (1887) વગેરે.
બૌદ્ધિક મેલોડ્રામા તરીકે ઓળખાવાયેલા શૉના ‘ડેવિલ્સ ડિસાઇપલ’ (1897) અને ‘પૅશન, પૉઇઝન, પૅટ્રિફિકેશન’નો પણ ઉલ્લેખ કરવો જોઈએ. –વિક્ટૉરિયન મેલોડ્રામાની કેટલીક તરી આવતી વિસંગતતાઓ અંગે ટૂંકા પ્રહસન રૂપે શૉએ આ કૃતિનો ‘ટ્રાઇફલ્સ ઍન્ડ ટૉમ ફૂલરીઝ’માં સમાવેશ કર્યો છે; પણ ‘ઍબ્સર્ડ થિયેટર’ના ગંભીર મર્મજ્ઞોએ આ કૃતિમાં ‘ઍબ્સર્ડ’ના પૂર્વસંકેતો હોવાનું જણાવ્યું છે.
1920ના ગાળામાં સિનેમાએ મેલોડ્રામાને મોટેભાગે રંગભૂમિ પરથી હઠાવી મૂક્યું; પરંતુ મેલોડ્રામાનું તત્ત્વ સંખ્યાબંધ કદરદાન પ્રેક્ષકોને આકર્ષતું રહ્યું છે. બે વિશ્વયુદ્ધ વચ્ચેની નોંધપાત્ર રચનાઓ તે પૅટ્રિક હૅમિલ્ટનની ‘રોપ’ (1929) તથા ‘ગૅસ લાઇટ’ (1938) તથા એડ્ગર વૉલેસની ‘ઑન ધ સ્પૉટ’ (1930) અને ‘ધ કેસ ઑવ્ ધ ફ્રાઇટન્ડ લેડી’ (1931). બીજા વિશ્વયુદ્ધ પછીના મેલોડ્રામાનું વૈવિધ્ય જુદું જ તરી આવે છે અને તેમાં સાર્ત્રના બૌદ્ધિક મેલોડ્રામા તરીકે ઓળખાવાયેલ ‘ક્રાઇમ પૅશનલ’ (1948) અને જૉ ઑર્ટોન રચિત ‘લૂટ’ (1967) મુખ્ય છે.
મહેશ ચોકસી