મેલૉન, મૅક્સ (સર) (ઍડગર લ્યુસિયન) (જ. 6 મે 1904, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 19 ઑગસ્ટ 1978, ઑક્સફર્ડ શાયર, યુ.કે.) : બ્રિટનના પુરાતત્ત્વવિજ્ઞાની. તેમણે ઑક્સફર્ડ ખાતે પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ કર્યો; 1925થી ’31 દરમિયાન તેઓ મેસોપોટેનિયન સંસ્કૃતિના પ્રાચીન અવશેષોનો અભ્યાસ કરવા માટે ઇરાકમાં ઉર ખાતે લિયૉનાદ વૂલ્ઝી પાસે તાલીમાર્થી તરીકે રહ્યા. ત્યાં જ તેઓ પ્રખ્યાત નવલકથાકાર અગાથા ક્રિસ્ટીને મળ્યા. 1930માં બંને લગ્નથી જોડાયાં.
બ્રિટિશ મ્યુઝિયમ તરફથી તેમણે 1932થી 1938 દરમિયાન અર્પેચિયા, ચગર નાઝાર તથા ટેલ બ્રેક ખાતે પુરાતત્ત્વલક્ષી ઉત્ખનન-કાર્ય કર્યું. 1947થી 1960 સુધી તેઓ લંડન યુનિવર્સિટી ખાતે પશ્ચિમ એશિયાની પુરાતત્ત્વવિદ્યાના પ્રોફેસર રહ્યા અને તે દરમિયાન તેમણે નજીકના પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને મોસોપોટેમિયા (હાલના ઇરાક) ખાતે નિમરૂડમાં ઉત્ખનન કર્યું. તેના ફળસ્વરૂપે જે આશ્ચર્યજનક પરિણામો હાથ લાગ્યાં તે વિશે અગાથા ક્રિસ્ટીએ ‘નિમરૂડ ઍન્ડ ઇટ્સ રિમેન્સ’(1970)માં વિસ્તારપૂર્વક નિરૂપણ કર્યું છે. અગાથાના પુસ્તક ‘કમ, ટેલ મી હાઉ યૂ લિવ’ (1946)માં 1934–38 દરમિયાન સીરિયા ખાતેના ઉત્ખનનનો વૃત્તાંત આલેખાયો છે. તેમની પોતાની આત્મકથા ‘મેલૉન્સ મેક્વાર’ 1977માં પ્રગટ થઈ હતી.
1968માં તેમને ‘સર’નો ખિતાબ અપાયેલો.
મહેશ ચોકસી