મેલામાઇન : રેઝિન બનાવવામાં ઉપયોગી સાયનુર્ટ્રાઇ-એમાઇડ(cynurtriamide) અથવા 2, 4, 6-ટ્રાઇએમિનો-S-ટ્રાયાઝીન નામનું રસાયણ. તેનું બંધારણ નીચે મુજબ છે :
તે સફેદ રંગનો, એકનતાક્ષ (monoclinic) સ્ફટિકમય પદાર્થ છે તથા પાણીમાં સાધારણ દ્રાવ્ય, પરંતુ ઈથર, બેન્ઝિન, કાર્બનટેટ્રાક્લૉરાઇડમાં અદ્રાવ્ય છે. તેનું ગ.બિં. 354° સે. છે. તે બાષ્પશીલ છે. મેલામાઇન બે રીતે બનાવી શકાય છે. (1) સાયનામાઇડ, ડાયસાયનામાઇડ અથવા સાયન્યુરિક ક્લૉરાઇડમાંથી, (2) યુરિયા તથા એમોનિયાને ગરમ કરીને તેમાંથી બનતા આઇસોસાયનિક ઍસિડ તથા એમોનિયાને ઘન ઉદ્દીપક ઉપરથી 400° સે. તાપમાને પસાર કરીને.
તેનું શુદ્ધીકરણ પાણીમાંથી સ્ફટિકીકરણ દ્વારા કરવામાં આવે છે. મેલામાઇન ચામડી તથા આંખમાં બળતરા કરે તેવું છે તથા મોઢામાં જવાથી વિષાળુ અસર દર્શાવે છે. મેલામાઇનનો ઉપયોગ મેલામાઇન રેઝિનમાં, કાર્બનિક સંશ્ર્લેષણમાં તથા ચામડાં કમાવવામાં થાય છે.
મેલામાઇન અને ફૉર્માલ્ડિહાઇડમાંથી રેઝિન બનાવાય છે, જે ટ્રાઇમિથિલોલ મેલામાઇન નામથી ઓળખાય છે.
આ અણુ સંઘનન (condensation) પ્રક્રિયા દ્વારા તેના જેવા અણુઓ સાથે સંયોજાઈ રેઝિન બનાવે છે. મેલામાઇન રેઝિન યુરિયા રેઝિન કરતાં પાણી તથા ઉષ્મા-પ્રતિરોધી ગુણ વધુ ધરાવે છે. આ રેઝિન (નીચા અણુભારવાળા) જળદ્રાવ્ય સીરપ તરીકે અથવા (ઊંચા અણુભારવાળા) અદ્રાવ્ય પાઉડર તરીકે પ્રાપ્ય છે.
જ. પો. ત્રિવેદી