મે લાન-ફાંગ (જ. 22 ઑક્ટોબર 1894; અ. 7 ઑગસ્ટ 1961) : ચીનના એક ઉત્તમ અભિનેતા, ગાયક અને સ્ત્રીપાત્રના વેશમાં ઉત્તમ નૃત્ય રજૂ કરનારા કલાકાર. ચીની રંગભૂમિ-જગતમાં તેઓ મૂઠી-ઊંચેરા કલાકાર લેખાય છે. અપાર પરિશ્રમ અને ખંત વડે તેમણે વર્ષોથી ઉપેક્ષિત રહેલાં રંગભૂમિનાં સર્વોત્તમ સર્જનો શોધી કાઢ્યાં અને ચીની રંગભૂમિ પર જહેમતપૂર્વક રજૂ કર્યાં. ચીનની પારંપરિક નૃત્યકળા તેમજ મૂકનાટક શૈલી (pantomime) પુનર્જીવિત કરવાનો યશ તેમને ફાળે જાય છે. ચીની રંગભૂમિક્ષેત્રે તેમનું પ્રદાન ચિરસ્મરણીય બની રહ્યું છે.

મહેશ ચોકસી