મેલવિલ, હર્મન (જ. 1 ઑગસ્ટ 1819, ન્યૂયૉર્ક; અ. 28 સપ્ટેમ્બર 1891) : અમેરિકન નવલકથાકાર અને કવિ. મેલવિલનો પિતૃપક્ષ અને માતૃપક્ષ બંને ક્રાંતિકારી યુદ્ધ સાથે સંકળાયેલા હતા.
કમિશન મર્ચન્ટ તરીકે ધીકતી કમાણી કરતા પિતા એલન અને માતા મારિયા ગેન્સવૂર્ટનાં 8 સંતાનોમાંના ત્રીજા સંતાન મેલવિલનો 11 વર્ષની વય સુધીનો ઉછેર સુખમાં રહ્યો, પણ પછી પિતા નાદાર થતાં અને આઘાતથી મૃત્યુ પામતાં મેલવિલે મોસાળમાં કેળવણી લીધી. નાનીમોટી નોકરી કરીને થાકી ગયા પછી એણે વીસમે વર્ષે લિવરપૂલ જતાં વહાણમાં કૅબિનબૉયની નોકરી સ્વીકારી. ગુલામ જેવી યાતના વહાણ પર ભોગવ્યા છતાં એનું દરિયાઈ સાહસ ઠંડું ન પડ્યું. પાછા ફર્યા પછી ફરીને વહેલ પકડતા નવા વહાણ પર એ સવાર થયો. આ અનુભવને મેલવિલે યેલ કૉલેજ અને હાર્વર્ડ કૉલેજના શિક્ષણની સાથે સરખાવ્યો છે. રોજિંદા ક્રમથી કંટાળી વહાણમાં એ નુકુહિવાના અંદરના ભાગમાં પલાયન થયો. ત્યાં એ નરભક્ષી મનુષ્યજાતિના પરિચયમાં આવ્યો. ત્યાંથી ફરીને ભાગીને વહાણ દ્વારા એ હવાઈ ટાપુ પર આવ્યો. આ પછી અમેરિકી નૌકાદળમાં જોડાઈ ખલાસી તરીકે દક્ષિણ અમેરિકા આવતાં મેલવિલને એક ઉદાસ વિચિત્ર લિમા નગરનો સંપર્ક થયો, જેનાં ખવાયેલાં ખંડેરોને એ ક્યારેય ભૂલી શક્યો નહિ. જીવનનાં 25 વર્ષના આટલા બધા અનુભવ પછી મેલવિલે લખવાનું શરૂ કર્યું. તેણે પોતાના દરિયાઈ અનુભવો નવલકથામાં રૂપાન્તરિત કર્યા. શરૂઆતની એની સાહિત્યિક લોકપ્રિયતા પછીથી ઓસરતી ગઈ. સમગ્ર આયખાના સામુદ્રિક અનુભવને સઘન રીતે સંયોજતી એની સમર્થ સાહિત્યકૃતિ ‘મોબી ડિક’ પણ એના જીવતાં એને યોગ્ય સ્થાન અપાવી શકી નહોતી. જીવનનાં છેલ્લાં 40 વર્ષ લગભગ ગરીબી અને અભાવમાં વીત્યાં. નવલકથામાંથી એ કવિતા તરફ વળ્યા, પણ એની કવિતાની ઝાઝી કદર થઈ નહિ. જીવનનો અંત ભાગ એવો એકલતામાં વીત્યો કે એના અવસાન વખતે ‘એક વારના લોકપ્રિય લેખકનું મૃત્યુ’ એવી નોંધ આવેલી.
મૃત્યુ પછીનાં પચીસેક વર્ષ પછી રૅમન્ડ વીવર જેવા વિવેચકે 1924માં 16 ખંડમાં બહાર પાડેલા એના સમગ્ર સર્જનને કારણે મેલવિલનું પુનરુત્થાન થયું. પછીનાં ત્રીસેક વર્ષ મેલવિલ પર અઢળક લખાયું. એની મહાન નવલકથા ‘મોબી ડિક’નાં અનેક અર્થઘટનો થયાં. દાન્તેની કૃતિ સિવાય ભાગ્યે જ કોઈ કૃતિએ એવું વ્યૂહાત્મક ઊંડાણ દર્શાવ્યું છે. આ ‘મોબી ડિક’ નવલકથામાં વહાણનો કપ્તાન એહૅબ છે અને સફેદ વહેલે એનો પગ કરડી ખાધો છે. પૂરા વેર સાથે વહેલને મારી નાખવાની એ પ્રતિજ્ઞા કરે છે; પણ છેવટે વહેલ એહૅબને પૂરો કરે છે, વહાણનો નાશ થાય છે અને એહૅબનો એકમાત્ર સાથી ઇસ્માઇલ આ કરુણકથા કહેવા બચી જાય છે. ‘મને ઇસ્માઇલ કહો’થી શરૂ થતી આ નવલકથા બાઇબલનો સંસ્કાર ઉપસાવે છે. વહેલને દુરિત તત્ત્વ તરીકે અને કપ્તાનને શુભ તત્ત્વ તરીકે જોનારાઓએ જો એમાં દુરિત તત્ત્વનો શુભ તત્ત્વ પર વિજય જોયો છે, તો સફેદ વહેલને શુભ તત્ત્વ તરીકે અને ક્રૂર કપ્તાનને દુરિત તત્ત્વ તરીકે જોનારાઓએ શુભ તત્ત્વનો વિજય જોયો છે. રચનાતંત્રની ક્ષતિઓ ધરાવતી હોવા છતાં ‘મોબી ડિક’ (1851) અમેરિકાની મહાકાવ્ય કક્ષાની નવલકથા છે. મેલવિલે પોતાના દરિયાઈ અનુભવને ‘મોબી ડિક’માં જીવંતપણે સંયોજિત કર્યા. એ પહેલાં એણે ‘ટાઇપી’ (1846), ‘ઓમ્’ (1847), ‘માર્ડી’ (1848), ‘રેડ બર્ન’ (1849), ‘વ્હાઇટ જૅકેટ’ (ખંડ 1-2-3) (1849–50) વગેરે સાગરકથાઓ આપી છે. યુવાન અને એની વિધવા માતાના અવૈધ સંબંધનો અણસાર આપતી એની સાતમી નવલકથા સમુદ્રના અનુભવથી હઠીને હતી, તેથી કદાચ નિષ્ફળ ગઈ છે. ટૉમસ હાર્ડીની જેમ ગદ્યમાંથી કવિતા તરફ ગયેલા મેલવિલની કવિતામાં ખરબચડું પદ્ય છતાં માધ્યમનો સઘન પ્રભાવ ગૃહયુદ્ધ-પ્રેરિત રચના ‘બૅટલ-પીસિસ’માં જોઈ શકાય છે. એમ કહેવાય છે કે વ્હીટમનના ભવ્ય સૂર્યને સ્થાને મેલવિલે પરાક્રમી અંધકારની સ્થાપના કરી છે.
ચન્દ્રકાન્ત ટોપીવાળા