મેલવિલ ટાપુ (કૅનેડા)

February, 2002

મેલવિલ ટાપુ (કૅનેડા) : કૅનેડાના વાયવ્ય ભાગમાં ફ્રૅન્કલિન જિલ્લામાં આવેલા પેરી ટાપુઓ પૈકીનો સૌથી મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન ; 76° ઉ. અ. અને 110´ પ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. તેની ઉત્તરે આર્ક્ટિક મહાસાગર છે, દક્ષિણે વિક્ટોરિયા ટાપુ છે, નૈર્ઋત્યમાં બૅન્ક્સ ટાપુ છે. આ ટાપુ વિક્ટોરિયા અને બૅન્ક્સ ટાપુઓથી અનુક્રમે મેલવિલ સાઉન્ડથી અને મૅક કૂલરની સામુદ્રધુનીથી અલગ પડે છે. આશરે 42,150 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવતા આ ટાપુની લંબાઈ 320 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 48થી 208 કિમી. છે. તેનો નૈર્ઋત્ય અને ઉત્તર કિનારો ઊંડાણવાળા નાના નાના અખાતોથી ભેદાઈને વધુ પ્રમાણમાં ખાંચાખૂંચીવાળો બની રહેલો છે. વાયવ્ય તરફ તે 1,067 મીટરની ઊંચાઈ ધરાવે છે.

અહીં કોઈ સ્થાયી માનવવસ્તી નથી, પરંતુ અહીં તહીં કસ્તૂરી-વૃષભનાં ટોળાં ફરતાં જોવા મળે છે. આ ટાપુ પર કુદરતી વાયુના ભંડારો મળી આવેલા છે. 1819માં આ ટાપુ શોધાયેલો. સર વિલિયમ પેરીએ તત્કાલીન નૌકાસેનાના લૉર્ડ વાઇકાઉન્ટ મેલવિલના નામ પરથી તેને મેલવિલ નામ આપેલું છે.

ગિરીશભાઈ પંડ્યા