મેર, ગોલ્ડા (જ. 3 મે 1898, કીવ, યુક્રેન; અ. 8 ડિસેમ્બર 1978) : ઈ. સ. 1969થી 1974 સુધી ઇઝરાયલનાં વડાંપ્રધાન. તેમનો જન્મ સોવિયેત સંઘના એક ગરીબ યહૂદી કુટુંબમાં થયો હતો. 1906માં એમણે યુ.એસ. જઈને ત્યાંના વિસ્કૉન્સિન રાજ્યના મિલવાકી શહેરમાં વસવાટ કર્યો. ત્યાં થોડો સમય એમણે શાળામાં શિક્ષિકા તરીકે કામ કર્યું. 1917માં એમણે મૉરિસ મેયરસન સાથે લગ્ન કર્યાં. 1921માં તેઓ બંને પૅલેસ્ટાઇન ગયાં અને ત્યાં સ્થિર થયાં.

ગોલ્ડા મેર

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને એ પૂર્વે એમણે બ્રિટનના અંકુશ નીચે પૅલેસ્ટાઇનમાં ચાલતી જ્યૂઇશ એજન્સી અને વર્લ્ડ ઝિયોનિસ્ટ ઑર્ગેનિઝેશનમાં મહત્વના હોદ્દાઓ પર કામ કર્યું. 1948માં ઇઝરાયલનું સ્વતંત્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછી સોવિયેત સંઘમાં એલચી તરીકે એમની નિમણૂક થઈ. એ પછી 1949થી 1956 સુધી એમણે ઇઝરાયલનાં મજૂરપ્રધાન તરીકે અને 1956થી 1966 સુધી વિદેશપ્રધાન તરીકે કામ કર્યું. અમેરિકાની મુલાકાતે જનાર ઇઝરાયલના પ્રતિનિધિમંડળની તેમણે આગેવાની લીધી. 1966થી 1969 સુધી ઇઝરાયલના મજૂરપક્ષનાં મહામંત્રી રહ્યાં. 1956માં એમણે એમની હીબ્રુ અટક ‘મેર’ ધારણ કરી. અંતે, 1969માં તેઓ ઇઝરાયલનાં વડાંપ્રધાન બન્યાં અને જૂન 1974 સુધી એમણે એ પદ ઉપર કામ કર્યું.

એમના વડાપ્રધાનપદ દરમિયાન એમણે ઇઝરાયલમાં યહૂદીઓના મોટા પાયા પરના સ્થળાંતરને તથા બાંધકામ-પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું. પરંતુ 6 ઑક્ટોબર, 1973ના રોજ ઇજિપ્ત અને સીરિયા જેવા આરબ દેશોએ સંયુક્ત રીતે અચાનક ઇઝરાયલ પર લશ્કરી આક્રમણ કર્યું. તેથી વડાંપ્રધાન ગોલ્ડા મેર અને એમના સંરક્ષણ પ્રધાન મોશે દયાનની અસાવધતા માટે ઘણી ટીકા થઈ. પરિણામે જૂન, 1974ના રોજ એમણે વડાપ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યું. ઇઝરાયલનાં લોકપ્રિય નેતા તરીકે એમની ખ્યાતિ હતી.

મુગટલાલ પોપટલાલ બાવીસી