મેરઠ : ઉત્તરપ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 0´ ઉ. અ. અને 77° 40´ પૂ. રે.ની આજુબાજુનો 2,590 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો ગંગાના દોઆબ વિસ્તારમાં આવેલો છે. ગંગા નદી તેની પૂર્વ સરહદ રચે છે, જેનાથી બિજનોર અને અમરોહ જિલ્લા અલગ પડે છે; જ્યારે બાઘપત તેની પશ્ચિમ સરહદ રચે છે. તેની ઉત્તરમાં મુઝફ્ફરનગર અને દક્ષિણે ગાઝિયાબાદ જિલ્લા આવેલા છે. જિલ્લામથક મેરઠ જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.

મેરઠ જિલ્લો

ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ મેદાની છે, ઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો છે. જિલ્લો ચાર સ્પષ્ટ પ્રાકૃતિક વિભાગોમાં વહેંચાયેલો છે : વાયવ્યનો પ્રદેશ, મધ્યનો નીચાણવાળો વિભાગ, પૂર્વનો ઊંચાણવાળો વિભાગ અને ગંગાનો નીચાણવાળો ખદર વિભાગ.

જિલ્લામાં આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી વિશિષ્ટ ખનિજીય પેદાશો મળતી નથી; માત્ર કંકર, રેહ (ક્ષારીય પોપડી) અને રેતી મળે છે. જિલ્લો ખેતીની જમીનો ધરાવે છે. જંગલોનું પ્રમાણ તદ્દન નજીવું છે. તે માત્ર ગંગાના તરાઈ પ્રદેશમાં, કાલી નદીના કિનારે તેમજ કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે. આંબો, જાંબુડો, બાવળ અને સીસમ અહીંનાં મુખ્ય વૃક્ષો છે.

ગંગા આ જિલ્લામાં વહેતી મુખ્ય નદી છે. અન્ય નદીઓમાં બુઢીગંગા, કાલી, કૃષ્ણા તથા હિંદણનો સમાવેશ થાય છે. ઉપલી ગંગા નહેર જિલ્લાની મધ્યમાંથી પસાર થાય છે.

ખેતી–પશુપાલન : જિલ્લામાં ખરીફ અને રવી – એ બંને પાક લેવાય છે. ખરીફ પાકોમાં બાજરો અને જુવાર તથા રવી પાકોમાં ઘઉં અને ચણા મુખ્ય છે. શેરડી અને બટાટા અહીંના મુખ્ય રોકડિયા પાકો છે. અહીં નહેરો અને ટ્યૂબવેલ દ્વારા સિંચાઈ થાય છે.

ભેંસો અને ઘેટાં-બકરાં અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે, મરઘાં-ઉછેર પણ થાય છે. તેમના સંવર્ધન અને સંભાળ માટે જિલ્લામાં પશુદવાખાનાં, ચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો વિકસાવવામાં આવેલાં છે. અહીં દૂધનું પુષ્કળ ઉત્પાદન થાય છે, વધારાનું દૂધ આજુબાજુના જિલ્લાઓને પૂરું પાડવામાં આવે છે.

ઉદ્યોગ–વેપાર : આ જિલ્લામાં 219 જેટલાં અધિકૃત કારખાનાં આવેલાં છે. તેમાં યંત્રસામગ્રી, વીજસાધનો, ધાતુ અને ધાતુપેદાશો, ખાંડ-ગોળ, સુતરાઉ કાપડ, પરિવહન-સામગ્રી, ખાદ્યપ્રક્રમણ, છાપકામ-સામગ્રી, પ્રકાશ-સાધનો, રસાયણો તથા રાસાયણિક પેદાશો, રબરની ચીજવસ્તુઓ, પીણાંઓ, લાકડાની પેદાશો, કાગળનો માવો અને તેની પેદાશો તેમજ ચર્મપેદાશોના એકમોનો સમાવેશ થાય છે. આ પૈકી મોટાભાગના એકમો મધ્યમ કક્ષાના કે નાના પાયા પરના છે. અહીં દીવાન રબર ઇન્ડસ્ટ્રી લિ.ના (બે), દીવાન ટાયર્સ લિ. અને ઇલેક્ટ્રિક ઇન્ડિયા લિ. મળી ચાર મોટા પાયા પરના ઉદ્યોગો વિકસ્યા છે.

પરિવહન–પ્રવાસન : આ જિલ્લો સડકમાર્ગો તેમજ રેલમાર્ગોથી સારી રીતે જોડાયેલો છે. અહીંથી પસાર થતા ઉત્તર વિભાગીય રેલમાર્ગની લંબાઈ 88 કિમી.ની છે. તેના પર 30 રેલમથકો છે. મીટર ગેજની લંબાઈ 61 કિમી.ની છે અને તેના પર 10 રેલમથકો છે. મેરઠ દિલ્હી–સહારનપુર રેલમાર્ગ પર આવેલું છે. દિલ્હી–મોરાદાબાદનો રેલમાર્ગ મેરઠને હાપુર, ગાઝિયાબાદ સાથે તથા બીજો એક રેલમાર્ગ તેને હાપુર, બુલંદશહેર અને ખુરજા સાથે જોડે છે. તાલુકામથકો અન્યોન્ય પાકા રસ્તાઓથી જોડાયેલાં છે. અહીં પાકા રસ્તાઓની લંબાઈ 600 કિમી. જેટલી છે. જિલ્લામાં કોઈ વિશિષ્ટ મહત્વ ધરાવતાં પ્રવાસન-મથકો નથી. વારતહેવારે અહીં મેળા ભરાય છે અને ઉત્સવો ઊજવાય છે.

વસ્તી : 2011 મુજબ, જિલ્લાની વસ્તી 34,47,405 જેટલી છે. તે પૈકી આશરે 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 63 % અને 37 % જેટલું છે. અહીં હિન્દુ અને મુસ્લિમ લોકોની વસ્તી વિશેષ છે, જ્યારે બૌદ્ધો, ખ્રિસ્તીઓ, શીખો અને જૈનોની વસ્તી ઓછી છે. જિલ્લામાં હિન્દી, પંજાબી અને ઉર્દૂ ભાષા બોલાય છે. શિક્ષિતોનું સરેરાશ પ્રમાણ 40 % છે. નગરો ઉપરાંત અહીંનાં માત્ર 480 ગામડાંઓમાં એક કે બીજા પ્રકારની તબીબી સેવાની સગવડ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકાઓ અને 18 સમાજ-વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 23 નગરો અને 990 (90 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

મેરઠ (શહેર) : ઉત્તરપ્રદેશ રાજ્યના મેરઠ જિલ્લાનું શહેર અને જિલ્લા-મથક. ભૌગોલિક સ્થાન : 29° 00´ ઉ. અ. અને 77° 40´ પૂ. રે.. તે દિલ્હીથી ઈશાનમાં રેલમાર્ગ અને સડકમાર્ગના જંક્શન પર આવેલું છે. જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરતા ધાતુગાળણના, હુન્નરકલાના તથા ખાંડ, કપાસ, આટો અને તેલીબિયાંનું પ્રક્રમણ કરવાના ઉદ્યોગો આવેલા છે. તે કૃષિપેદાશોનું વેપારી મથક પણ છે. આ શહેરમાં 1965માં સ્થપાયેલી મેરઠ યુનિવર્સિટી અને તેને સંલગ્ન કૉલેજો આવેલી છે. અહીં જૂનાં મંદિરો અને મસ્જિદો તથા બારમી સદીનો એક મકબરો આવેલાં છે. મેરઠ એક મહત્વનું લશ્કરી મથક પણ છે. 1857ના બળવાનો પ્રારંભ આ શહેરમાંથી થયેલો. મેટ્રોપૉલિટન સીટીની વસ્તી 13,09,023 (2011) અને મેટ્રો 14,24,908 છે.

ગિરીશભાઈ પંડ્યા