મેરિડા, કાર્લોસ (જ. 2 ડિસેમ્બર 1891, ગ્વાટેમાલા; અ. 22 ડિસેમ્બર 1984 મેક્સિકો) : મેક્સિકોના ક્રાંતિકારી જનભોગ્ય કલા – આન્દોલનમાં ભાગ લેનાર ગ્વાટેમાલાના ભીંતચિત્રકાર (muralist).

1910થી 1914 સુધી યુરોપમાં ઘૂમી પાબ્લો પિકાસો અને ઍમિદિયો મૉદિલ્યાની જેવા આધુનિક ચિત્રકલાના પ્રણેતાઓના અંતરંગ સંપર્કમાં આવ્યા. આ પછી 1920માં મેક્સિકો ગયા અને ત્યાંની સમાજાભિમુખી કલા-ચળવળથી આકર્ષાઈ તેમાં જોડાયા અને તેના એક પ્રમુખ કલાકાર બની રહ્યા.

1927ની બીજી યુરોપયાત્રા પછી મેરિડાની કલાનો ઝોક અમૂર્તતા તરફ થયો, તેમાં ભૌમિતિક આકારોને પ્રધાન સ્થાન મળ્યું. તેમાં પૉલ ક્લી, જૉન મીરો ઉપરાંત અમેરિકાની સ્થાનિક મૂળ (pre-columbian) સંસ્કૃતિઓની કલાની અસરો (ખાસ કરીને મય સંસ્કૃતિ) જોઈ શકાય છે. વૃક્ષોના થડની છાલને તેઓ કૅન્વાસ પર ચોંટાડીને ચિત્રો સર્જતા. મેરિડાની શ્રેષ્ઠ કૃતિઓમાં મેક્સિકો સિટીની બેનિટો જ્વારેઝ સોસાયટીમાં અને ગ્વાટેમાલા સિટીના મ્યુનિસિપલ મકાનમાં મૉઝેક પદ્ધતિથી બનાવેલાં ભીંતચિત્રો(murals)નો સમાવેશ થાય છે. મેક્સિકોના પ્રસિદ્ધ ભીંત ચિત્રકાર ડિયેગો રિવેરાના મદદનીશ ચિત્રકાર તરીકે મેરિડાએ કામ કર્યું હતું. થોડા સમય માટે તેમણે નૉર્થ ટેક્સાસ યુનિવર્સિટીમાં ચિત્રકલા ભણાવી હતી.

અમિતાભ મડિયા