મેયુઝ, એ.ડી.જે. (જ. ?; અ. ?) : વનસ્પતિવિજ્ઞાની. તેમણે વિશ્વવિખ્યાત હ્યૂગો દ ફ્રીસની પ્રયોગશાળા, યુનિવર્સિટી ઑવ્ આમ્સ્ટરડામ, હોલૅન્ડ(નેધરલડ્ઝ)માંથી આકારવિદ્યાના નવા જ અભિગમો રજૂ કર્યા. પઠન, મનન અને તર્ક દ્વારા તેમણે પુષ્પીય ઉત્ક્રાંતિ અને ઍન્થોકૉર્મની સંકલ્પના પ્રસ્તુત કરી. 1964, 1965 અને 1966માં તેમાં સુધારાઓ બહાર પાડ્યા અને પ્રાપ્ત માહિતી અને આ સંકલ્પના વચ્ચે સંતોષકારક સેતુનું સંધાન કર્યું. તેમણે ભારતીય વનસ્પતિ-વિજ્ઞાનીઓ – બી. જી. એલ. સ્વામી (1954) અને વી. પુરી(1971)ના મધ્યનાડીવલિત (conduplicate) સ્ત્રીકેસર અને અધ:સ્થ બીજાશયના વાદોને સમર્થન આપ્યું નહિ. તેમણે 1961માં ‘ધ સ્ટોરી ઑવ્ પૉલિનેશન’ નામનો રસપ્રદ ગ્રંથ, 1963માં ‘બેવડા ફલનની પ્રક્રિયાના કેટલાક જાતિવિકાસી અભિગમો’ (Some Phylogenetic Aspects of the Process of Double Fertilization) નામનો લેખ અને ‘આવૃતબીજધારીઓ : ભૂતકાળ અને વર્તમાન’ (Angiosperims – Past and Present) નામનો ગ્રંથ લખ્યો. તેમણે માર્સીલીએલ્સ અને સાલ્વીનીએલ્સ ગોત્રને જીવંત જીવાશ્મ અને સાયકસના મહાબીજાણુપર્ણને એક આકારવિદ્યાકીય ખોટી ધારણા ગણ્યાં છે.
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ