મેયર, લુઇ બર્ટ (જ. 22 જુલાઈ 1884, મિન્સ્ક, બેલરસ; અ. ઑક્ટોબર 1957, કૅલિફૉર્નિયા) : અમેરિકન ફિલ્મ-સામ્રાજ્યના સર્વેસર્વા. મૂળ નામ ઍલિઝર મેયર. 1907માં તેમણે એક જૂનું ઘર ખરીદ્યું અને તેને સાંગોપાંગ નવો ઓપ આપી ત્યાં અદ્યતન સુવિધાપૂર્ણ અને ગ્રાહકલક્ષી સિનેમાગૃહ તૈયાર કર્યું. ત્યારબાદ તેમણે ન્યૂ ઇંગ્લૅન્ડમાં શ્રેણીબંધ થિયેટર ખરીદી લીધાં.

લુઇ બર્ટ મેયર

1915માં તેમણે મેટ્રો ફિલ્મ્સ તથા 1917માં લુઇ બી. મેયર પ્રોડક્શન્સની સ્થાપના કરીને ફિલ્મ-નિર્માણક્ષેત્રે ઝંપલાવ્યું. પછી તેઓ સૅમ ગોલ્ડવિન સાથે જોડાયા અને 1924માં મેટ્રો-ગોલ્ડવિન-મેયર નામક નવી કંપની ઊભી કરી. હૉલિવૂડને એક સ્વપ્ન-નિર્માણનગરી તરીકે વિકસાવવામાં અને તેને બેહદ ખ્યાતિ અપાવવામાં તેમનું જ યોગદાન નિર્ણાયક રહ્યું છે; સ્ટારપ્રથાનો પ્રારંભ પણ તેમણે જ કર્યો. ‘બેન હર’ (1926), ‘ગ્રાન્ડ હોટલ’ (1932), ‘ઍન્ડી હાર્ડી સીરીઝ’, ‘નિર્નારકા’ (1939) અને એવાં અનેક સફળ ચિત્રોના તેઓ સર્જક હતા.

1950માં તેમને માનાર્હ એકૅડેમી ઍવૉર્ડ અપાયો હતો.

મહેશ ચોકસી