મેયેર, ઍડૉલ્ફ (Meyer, Adolf) (જ. 13 સપ્ટેમ્બર 1866, નિડેરવેનિન્જન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 17 માર્ચ 1950, બાલ્ટિમોર, યુ.એસ.) : ચેતાલક્ષી શરીરરચનાવિદ્યા તથા દેહધાર્મિકવિદ્યાના નિષ્ણાત તથા મનશ્ચિકિત્સાવિદ્યાના પ્રાધ્યાપક. અમેરિકા, બ્રિટન અને અન્ય અંગ્રેજીભાષી દેશોમાં મનશ્ચિકિત્સાવિદ્યાના સિદ્ધાંતમત (theory) અને ઉપયોગ પર તેમની સન 1900થી 1940 સુધી ઘણી ગાઢી અસર રહી હતી. સન 1892માં તેઓ અમેરિકા ગયા અને ત્યાંના કાયમી નિવાસી થયા. તેઓ તે સમયે ચેતાલક્ષી શરીરરચનાવિદ્યા અને ચેતાલક્ષી દેહધાર્મિકવિદ્યાના નિષ્ણાત બની ચૂક્યા હતા. ત્યાં તેઓ મનોવિદ વિલિયમ જેમ્સ અને ફિલસૂફ–કેળવણીકાર જૉન ડેવી(John Dewey)ના સંપર્કમાં આવ્યા. તેઓ તે સમયે અમેરિકાની સામાજિક અને તાત્વિક વિચારધારાઓને આધુનિક ઓપ આપી રહ્યા હતા. તેમણે તે વિચારોને માનવવર્તનના સિદ્ધાંતમતમાં ભેળવ્યા અને માણસ પરના અભ્યાસોમાં મનોવિદ્યાકીય અને જૈવિક અભ્યાસોનું સંકલન કરવું જોઈએ એવા વિચારમત સાથે પોતાની વિદ્યાશાખાને નવા નામકરણથી નવાજી. તેમણે તેને મનોજીવવિદ્યા (psychobiology) અથવા કાર્યવિદ્યા (ergasiology) કહી. સન 1893થી 1895માં અમેરિકાના ઇલિનૉઇસ રાજ્યના કૅન્કેકી ખાતેની ઈસ્ટર્ન હૉસ્પિટલ ફૉર ધી ઇન્સેસ ખાતે ચેતારુગ્ણવિદ (neuropathologist) તરીકે કાર્ય કરતી વખતે તેમણે ચોકસાઈપૂર્વકના દર્દીવૃત્તાંતની નોંધને ઘણું મહત્વ આપ્યું. સિગ્મન્ડ ફ્રૉઇડની પહેલાં તેમણે બાળપણમાંની લૈંગિક લાગણીઓ તીવ્ર પ્રકારની માનસિક તકલીફ સર્જે છે એવું પણ સૂચવ્યું હતું. તેમણે નોંધ્યું કે માનસિક વિકારો મગજમાં ઉદભવતી રુગ્ણતાઓ, વિકૃતિઓ કે વિકારોને લીધે નહિ પણ વ્યક્તિત્વમાં આવતી દુષ્ક્રિયાશીલતાને લીધે થાય છે. સન 1895થી 1902માં તેઓ મૅસેચૂસેટ્સ રાજ્યના વૉર્સેસ્ટરની માનસિક રોગની સંસ્થામાં મુખ્ય રુગ્ણવિદ (pathologist) હતા, સન 1902થી 1910 સુધી તેઓ ન્યૂયૉર્ક રાજ્યની હૉસ્પિટલ સેવાની રુગ્ણવિદ્યા અંગેની સંસ્થામાં રુગ્ણવિદ્યા(pathology)ના નિયામકપદે રહ્યા અને સન 1904થી 1909 સુધી ન્યૂયૉર્ક રાજ્યના કૉર્નેલ વિશ્વવિદ્યાલયની મેડિકલ કૉલેજમાં મનશ્ચિકિત્સાવિદ્યાના પ્રાધ્યાપકપદે પણ સેવા આપતા રહ્યા હતા. માનસિક વિકારોમાં સામાજિક પરિબળોનું મહત્વ સમજવાને કારણે તેમનાં પત્ની નેઈ મેરી પૉટર બ્રુક્સ (Nee Mary Potter Brooks) દર્દીઓનાં સગાં-સંબંધીઓની મુલાકાત લઈને તેમની સાથે વાતચીત કરવા લાગ્યાં. તેમના આ પ્રયત્નોને મનશ્ચિકિત્સી સામાજિક કાર્યના પ્રારંભિક કાર્ય તરીકે બિરદાવવામાં આવેલું છે. સન 1910માં મેયેર જૉન હૉપકિન્સ યુનિવર્સિટી, બાલ્ટિમૉર ખાતે મનશ્ચિકિત્સાવિદ્યાના નિયામક બન્યા. સન 1914માં હેન્રી ફિપ્સ મનશ્ચિકિત્સાલયમાં નિયામક બન્યા. સન 1941માં તેઓ નિવૃત્ત થયા. માનસિક વિકારના દર્દીના સમગ્ર વ્યક્તિત્વ તરફ ધ્યાન આપવાનું સૂચન મહત્વનું પ્રદાન બની રહ્યું છે. સન 1950–52માં પ્રકાશિત ‘સંચયિત શોધનિબંધો–ગ્રંથ 4’ (Collected Papers, Volume 4) તથા ‘મનોજૈવવિદ્યા’ (psychobiology) નામના પુસ્તકમાં તેમનું કાર્ય સંગૃહીત થયેલું છે.

શિલીન નં. શુક્લ