મેબૅક, બર્નાર્ડ (જ. 7 ફેબ્રુઆરી 1862, ન્યૂયૉર્ક સિટી; અ. 3 ઑક્ટોબર 1957, બર્કલી, કૅલિફૉર્નિયા, અમેરિકા) : અમેરિકાના અગ્રણી પર્યાવરણ-વિજ્ઞાની અને સ્થપતિ. બહુશ્રુત અને મૌલિક વ્યક્તિત્વ ધરાવનાર આ સ્થપતિ બુદ્ધિપૂર્વકની ડિઝાઇનવાળાં તથા હસ્તકૌશલ્ય ધરાવતાં લાકડાનાં ઘરોની બાંધણી બદલ ખૂબ નામના પામ્યા. આ ઘરોનું નિર્માણ વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં સાનફ્રાન્સિસ્કો ‘બે એરિયા’માં કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લાકડાના અર્થપૂર્ણ ઉપયોગની ર્દષ્ટિએ તેમણે જાપાન તથા સ્વિટ્ઝર્લૅન્ડની અસરોનો સમન્વય સાધ્યો હતો અને તેમની આ શૈલી ‘વેસ્ટર્ન સ્ટિક સ્ટાઇલ’ અથવા ‘બે એરિયા સ્ટાઇલ’ તરીકે જાણીતી થઈ.
વસવાટ માટે આવેલા જર્મનીના એક કાષ્ઠશિલ્પીના તેઓ પુત્ર હતા અને એક ફર્નિચરનિર્માતાને ત્યાં તેઓ તાલીમાર્થી તરીકે રહ્યા હતા. ત્યારપછી તેઓ યુરોપ-પ્રવાસે ગયા. 1880થી 1886 દરમિયાન તેમણે પૅરિસમાં ‘ઇકૉલ દ લ્યૂ આર્ટ્સ’માં સ્થાપત્યનો અભ્યાસ કર્યો. ફ્રેન્ચ સ્થપતિ યૂજીન ઇમૅન્યુઅલના પુન:સ્થાપન-કલાકૌશલ્યથી તથા ખાસ કરીને જૉન રસ્કિન તથા વિલિયમ મૉરિસનાં લખાણો મારફત જાણવા મળેલી ‘આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ મૂવમેન્ટ’થી તેઓ ખૂબ પ્રભાવિત થયા.
1886માં તેઓ ન્યૂયૉર્ક પાછા આવ્યા અને ન્યૂયૉર્કની પેઢીના ટૉમસ હેસ્ટિંગ્ઝ માટે કામગીરી સ્વીકારી. 1889માં તેઓ કૅલિફૉર્નિયા ગયા અને બર્કલીમાં સ્થાયી થઈને સ્થાપત્યના વર્ગો ચલાવવા માંડ્યા અને તેમાંથી જ કૅલિફૉર્નિયા યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચરનો જન્મ થયો. 1903માં સ્થાપત્યના સર્વપ્રથમ પ્રોફેસર તરીકે તેમની નિયુક્તિ થઈ. તેમના અનુયાયીઓમાંથી સ્થપતિ-ઇજનેર જૂલિયા મૉર્ગનની કાર્યશૈલી વિશેષ દીપી ઊઠી. તેઓ હિલસાઇડ ક્લબમાં ખૂબ સક્રિય હતા. આ જૂથ ઝડપી અને સિદ્ધાંતવિહોણા વિકાસવેગ સામે બર્કલી હિલ્સ વિસ્તારનું રક્ષણ કરવા ઉદ્યુક્ત હતું. આ જૂથના ઉદ્દેશો મેબૅકના સ્થાપત્ય-વિષયક સિદ્ધાંતો સાથે ખાસ્સા સુસંગત હતા. મેબૅક માનતા હતા કે ગૃહનિર્માણ વાતાવરણ અને પર્યાવરણ સાથે સંવાદિતા ધરાવતું હોવું જોઈએ અને તે માટે કુદરતી સામગ્રીનો જ ઉપયોગ કરવો જોઈએ. તેમણે નિર્માણ કરેલાં 3 જાહેર મકાનો ખૂબ પ્રભાવક બની રહ્યાં છે. તેમાં કૅલિફૉર્નિયા યુનિવર્સિટી ખાતેની મૅન્સ ફૅકલ્ટી ક્લબ (1900), બર્કલી ખાતેનું ક્રિશ્ચિયન સાયન્સ ચર્ચ (1910) અને પનામા પૅસિફિક એક્સપોઝિશન ખાતેના પૅલેસ ઑવ્ ફાઇન આર્ટ્સનો સમાવેશ થાય છે.
મહેશ ચોકસી