મેફી I અને II તારાવિશ્વો : સૂર્ય જેમાં આવેલો છે, તે આકાશગંગા-તારાઓનો એક વિશાળ સમૂહ. તેને તારાવિશ્વ પણ કહી શકાય. આવા પ્રત્યેક તારાવિશ્વમાં અબજોની સંખ્યામાં તારાઓ આવેલ હોય છે; અને અબજોની સંખ્યામાં આવાં તારાવિશ્વો બ્રહ્માંડમાં એકમેકથી લાખો પ્રકાશવર્ષને અંતરે પથરાયેલાં છે. (જુઓ ‘બાહ્ય તારાવિશ્વો’). આ તારાવિશ્વો અવ્યવસ્થિત રીતે વીખરાયેલાં નથી, પરંતુ તેમના પણ સમૂહો (clusters) રચાય છે; દા.ત., આકાશગંગા સ્થાનિક સમૂહ (local cluster) તરીકે ઓળખાતા એક સમૂહની સભ્ય છે, અને આ સમૂહમાં ત્રીસેક જેટલાં તારાવિશ્વો આવેલાં છે. સ્થાનિક સમૂહનાં સદસ્યોમાં મુખ્ય ત્રણ સર્પિલ (spiral) તારાવિશ્વો-Andromeda, આકાશગંગા તથા M 33 નામે ઓળખાતું એક ત્રીજું તારાવિશ્વ અને બીજાં પ્રમાણમાં નાનાં તારાવિશ્વો આવેલાં છે.
હવે સર્પિલ તારાવિશ્વોની એક ખાસિયત એ છે કે તેના સર્પાકાર આંટાઓના સમતલમાં ઘણા મોટા પ્રમાણમાં ધૂલીય રજકણોથી મિશ્રિત વાયુવાદળો હોય છે, જે પ્રકાશને અવરોધે છે. આકાશગંગા પણ આ પ્રકારની હોવાથી સર્પાકાર આંટાઓના સમતલની દિશામાં, તેની બહાર આવેલ અવકાશી પદાર્થોનો, પ્રકાશી તરંગોમાં અભ્યાસ મુશ્કેલ છે.
વીસમી સદીના ઉત્તરાર્ધમાં અધોરક્ત કિરણોમાં ખગોળીય અભ્યાસ(infrared astronomy)નો વિકાસ થયો અને આ પદ્ધતિ દ્વારા ઘણા નવા અવકાશી પદાર્થો શોધાયા. આવા અભ્યાસના શરૂઆતના તબક્કામાં જ પાવલો મૅફી (Paolo Maffei) નામના ઇટાલિયન ખગોળવિજ્ઞાનીએ 1968માં શર્મિષ્ઠા (Cassiopia) તારામંડળની દિશામાં ફોટોગ્રાફ લીધા અને તેણે શોધ્યું કે આ દિશામાં જાંબલી પ્રકાશના ફોટોગ્રાફમાં નહિ નોંધાતાં, પરંતુ રક્ત રંગના ફોટોગ્રાફમાં નોંધી શકાતાં એવાં બે તારાવિશ્વો આવેલાં છે. વળી અધોરક્ત કિરણોમાં આ બંને તારાવિશ્વો ઘણાં વધુ સ્પષ્ટ જણાય છે. અધોરક્ત વિકિરણોમાં ખગોળીય અવલોકનો (infrared astronomy) દ્વારા વાયુવાદળો પાછળ ઢંકાયેલ અવકાશી પદાર્થોના અભ્યાસની અગત્ય દર્શાવતી આ શોધ ગણાય છે. આ તારાવિશ્વોને Maffei I અને Maffei II નામ અપાયાં છે.
ઉપર જણાવ્યા મુજબ, જે સ્થાને આ તારાવિશ્વો આવેલાં છે, તે સ્થાન આકાશગંગાના સર્પિલ આંટાના સમતલની દિશામાં હોવાથી આકાશગંગાનાં, ધૂલીય રજકણોથી મિશ્રિત વાયુવાદળો પાછળ ઢંકાયેલાં છે અને તેનો અભ્યાસ સરળ નથી. પરંતુ અધોરક્ત વિકિરણોમાં ખગોળીય અભ્યાસની પ્રગતિ દ્વારા તાજેતરનાં વર્ષોમાં જણાયું છે કે Maffei I એક મોટું અંડાકાર તારાવિશ્વ (elliptical galaxy) છે અને શક્યત: તે સ્થાનિક જૂથ(local group)નું સૌથી મોટું તારાવિશ્વ છે. તે જો વાયુવાદળો પાછળ ઢંકાયેલું ન હોત તો તે Andromeda તારાવિશ્વ કરતાં પણ વધુ તેજસ્વી અને નરી આંખે આસાનીથી જોઈ શકાય તેવું જણાત !
Maffei I પૃથ્વીથી લગભગ 40 લાખ પ્રકાશવર્ષને અંતરે આવેલ છે. એટલે કે સ્થાનિક જૂથના સીમાડે. અને તે આપણાથી દર સેકંડે 150 km.ની ગતિથી દૂર જઈ રહ્યું છે એટલે શક્ય છે કે સ્થાનિક જૂથમાંથી તે બહાર જઈ રહ્યું હોય. Maffei II તારાવિશ્વ એક સામાન્ય સર્પિલ તારાવિશ્વ જણાય છે અને તેમાં ઘણી મોટી સંખ્યામાં પ્રકાશિત તારાઓ આવેલા છે. સર્પિલ તારાવિશ્વોની તે એક સામાન્ય ખાસિયત ગણાય છે.
તારાવિશ્વોના મુખ્ય ત્રણ વર્ગો પાડી શકાય : ચપટા આકારના, સર્પાકાર આંટાની રચના દર્શાવતાં સર્પિલ તારાવિશ્વો(spiral galaxies)નો એક પ્રકાર, જેમાં સર્પાકાર આંટાના વિસ્તારમાં આવેલ વાયુવાદળોમાંથી નવા તારા સર્જાય છે. આ કારણે આવાં તારાવિશ્વોના સર્પાકાર આંટાના વિસ્તારમાં પ્રકાશિત નવસર્જિત તારાઓ મોટી સંખ્યામાં જણાય છે. અંડાકાર એટલે કે ઉપવલયાકાર તારાવિશ્વ(elliptical galaxies)માં વાયુવાદળોનું પ્રમાણ નહિવત્ હોય છે અને હાલને તબક્કે નવા તારાઓના સર્જનની પ્રક્રિયા તેમાં મંદ જણાય છે. ત્રીજો પ્રકાર અસ્પષ્ટ આકારનાં એટલે કે અનિયમિત (irregular) તારાવિશ્વનો છે, જે બીજા બે પ્રકારની સરખામણીમાં નાનાં છે. તેમાં પણ વાયુવાદળોનું પ્રમાણ વધુ જણાય છે અને તારાઓના સર્જનની પ્રક્રિયા હાલના તબક્કે તેજ જણાય છે. પૃથ્વીની નજીકનાં તારાવિશ્વો Magellanic clouds – આ પ્રકારનાં તારાવિશ્વો છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ