મેનાં ગુજરી (ગુર્જરી) (રજૂઆત 1955; પુસ્તકપ્રકાશન 1977) : ગુજરાતના સાક્ષર નાટ્યસર્જક અને નાટ્યવિદ રસિકલાલ છોટાલાલ પરીખ(1897–1982)-રચિત નાટક. અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે ચાલતી વિશિષ્ટ સંસ્થા ‘નટમંડળ’ના ઉપક્રમે તે ભજવાયું હતું. તેનું સૌપ્રથમ પ્રકાશન 1930માં ‘પ્રસ્થાન’ માસિકમાં થયું હતું. તેનું વિષયબીજ લોકપ્રચલિત ગરબા પરથી લેવાયું છે. તેનાં કુલ 11 ર્દશ્યોમાં પ્રસંગોપાત્ત, લોકગીતો, રાસ-ગરબા તથા કર્ણપ્રિય સંગીત ઉમેરાયાં છે; પરિણામે આ નાટક ખૂબ પ્રેક્ષણીય અને લોકભોગ્ય બનતું રહ્યું છે. તેનું દિગ્દર્શન વ્યવસાયી રંગભૂમિના એક વખતના નિપુણ નટ-દિગ્દર્શક જયશંકર ‘સુંદરી’એ સંભાળ્યું હતું અને તેમાં તેમના નાટ્યકસબનો વર્ષોનો અનુભવ લાભદાયી થયો હતો. એમાં કથાવસ્તુ આ પ્રમાણે છે :
મેનાં નામની ગુજરી કોમની યુવતીને પિયર માંડવગઢથી સાસરે તેડી જવા તેના દિયેર હીરાજી આવે છે. સાસરા તરફ ગઢગોકુળમાં જતી વેળા મેનાં અને અન્ય ગુજરી યુવતીઓ રસ્તામાં પડાવ નાખેલ બાદશાહને કુતૂહલથી પ્રેરાઈને જોવા જાય છે. તેથી પકડાય છે. માંડવગઢના ગુજરો તથા મેનાંના પિતા ગઢગોકુળ જીતીને મેનાં વગેરેને મુક્ત કરે છે; પરંતુ પરધર્મી વચ્ચે રહેલી મેનાંનો સાસરા-પક્ષ સ્વીકાર કરતો નથી. સ્વમાનપ્રિય મેનાં આ અપમાનથી માતાના સ્વરૂપે પાવાગઢ ચાલી જાય છે. આ લોકકથા પ્રતાપી ગુજર જાતિની શૌર્યકથા છે અને તેમાં નારીહૃદયનાં સ્નેહ, સમર્પણ, સ્વમાન અને સતીત્વનો મહિમા વ્યક્ત થયો છે.
નાટકના દિગ્દર્શક ‘સુંદરી’ મુખ્યત્વે સ્ત્રી-પાત્રોના અભિનય માટે પંકાયા હતા, પણ આ નાટકમાં તેઓ પ્રસંગોપાત્ત, મેનાંના પિતાની ભૂમિકા પણ ભજવી લેતા હતા. નમાયી મેનાંને વળાવતાં લાકડીના ટેકે ઊભેલા પિતા રૂપે જયશંકરભાઈની આંખોમાંથી સરતાં આંસુ પ્રેક્ષકોની આંખોને પણ ભીંજવી જતાં હતાં. વળી આ નાટકની ભજવણીમાં જૂની રંગભૂમિના નામી હાસ્યનટ પ્રાણસુખ નાયક બ્રાહ્મણના વેશમાં તેમના અભિનયકૌશલ્યથી પ્રેક્ષકોને પ્રભાવિત કરતા હતા. નાટકના અન્ય અદાકારોમાં દીના ગાંધી(પાઠક)(મેનાં તરીકે)નો આ નાટકની સફળતામાં મુખ્ય ફાળો રહ્યો હતો અને તેમની ભાવિ યશોદાયી કારકિર્દીનો પાયો આ નાટકથી બંધાયો હતો.
આ ઉપરાંત અરવિંદ પાઠક, પ્રભા પાઠક તથા નરોત્તમ શાહ મુખ્ય અદાકારો હતાં. આ નાટકની લોકચાહના વધારનાર સંગીતનું નિયોજન રસિકલાલ ભોજકે કર્યું હતું. મેનાના પાત્ર માટે પ્લેબેક સીન્ગીન્ગમાં દક્ષા મહેતા (મડિયા) ગાતા હતા. નાટ્ય-સંગીત-નૃત્યનાં તત્વોથી સમૃદ્ધ આ નાટકના અનેક પ્રયોગો થયા હતા અને તેની ખ્યાતિ અમદાવાદ ઉપરાંત સુરત, મુંબઈ અને દિલ્હી જેવાં અન્ય શહેરોમાં પણ પ્રસરી હતી.
1960માં જશવંત ઠાકરે એચ. કે. આર્ટ્સ કૉલેજમાં આ નાટકના પુન:પ્રયોગો કર્યા હતા. દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામાના ઉપક્રમે ભરત દવેએ આ નાટક હિંદીમાં રજૂ કર્યું હતું. સરૂપ ધ્રુવે તેની નવી ગુજરાતી નાટ્યકૃતિ તૈયાર કરી છે.
પરંપરાગત તેમજ પ્રયોગલક્ષી રંગભૂમિનાં કેટલાંક ઉમદા તત્વોના સમન્વય-સુમેળથી સર્જાયેલું આ નાટક ગુજરાતી રંગભૂમિની વિકાસયાત્રાનું એક વળાંકબિંદુ લેખાય છે.
ચીનુભાઈ નાયક
અમિતાભ મડિયા
મહેશ ચોકસી