મેનન, ચેલાત અચ્યુત (જ. 23 જાન્યુઆરી 1913, ત્રિચુર; અ. 16 ઑગસ્ટ 1991, તિરુવનંતપુરમ્) : જાણીતા સામ્યવાદી અને કેરળના પૂર્વ મુખ્યપ્રધાન. પિતા અચ્યુત મેનન અને માતા લક્ષ્મી કુટ્ટી. પિતા રેવન્યૂ ખાતામાં ઇન્સ્પેક્ટર હતા. તેમણે માધ્યમિક અને કૉલેજ–શિક્ષણ ત્રિચુરમાં મેળવ્યું અને ત્યારબાદ તિરુવનન્તપુરમની લૉ કૉલેજમાં જોડાયા. અહીં અભ્યાસ દરમિયાન હિંદુ લૉ પર અસાધારણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું અને ભાષ્યમ્ આયંગર ચંદ્રક મેળવ્યો. આમ તેમની શૈક્ષણિક કારકિર્દી અસાધારણ હતી. તેમને રમતગમતમાં પણ ઊંડો રસ હતો. મિતભાષી અને ઊંચી યોગ્યતા ધરાવતા વિદ્યાર્થી તરીકે તેઓ શિક્ષકોના પ્રીતિપાત્ર બન્યા હતા. કાયદાશાસ્ત્રમાં સ્નાતક થયા બાદ ત્રિચુરમાં તેમણે 1936માં વકીલ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. આ સાથે કૉંગ્રેસ પક્ષમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયા. શરૂઆતથી જ તેઓ ડાબેરી વિચારધારાથી આકર્ષાયા અને તેથી પ્રારંભે કૉંગ્રેસની સમાજવાદી પાંખમાં અને ત્યારબાદ 1942માં ભારતીય સામ્યવાદી પક્ષમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધ (1939–45) સમયે અન્ય કાર્યકરોની જેમ તેમણે પણ એક વર્ષ માટે ધરપકડ વહોરી.
સ્વાતંત્ર્ય બાદ ભારતીય સામ્યવાદી પક્ષે લડાયક નીતિ અખત્યાર કરતાં 1948થી ’52 સુધી તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. 1952માં ત્રાવણકોર-કોચીન વિધાનસભામાં અને 1957માં કેરળ વિધાનસભામાં તેઓ ચૂંટાયા. 1963થી ’69 સુધી ભારતીય સામ્યવાદી પક્ષના મહત્વના વિવિધ હોદ્દાઓ પર તેઓ રહ્યા. 1967માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા; 1969માં કેરળ રાજ્યના યુનાઇટેડ ફ્રંટ પ્રધાનમંડળમાં જોડાયા અને 1971ના ફેબ્રુઆરીની મધ્યસત્ર ચૂંટણી જીતીને તેઓ કેરળના મુખ્યપ્રધાન બન્યા.
વિચારસરણીથી નાસ્તિક હોવાથી દેવદર્શન કરતાં શિલ્પ-સ્થાપત્ય માણવા મંદિરોની મુલાકાતે જતા. તેઓ વર્તમાન-સમયમાં અંગ્રેજી ભાષાનું અગત્યનું સ્થાન હોવાનું સ્વીકારતા, પરંતુ શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ તેવો આગ્રહ રાખતા.
તેમની જીવનશૈલી સ્વચ્છ ને સાદગીભરી હતી. કામગીરીમાં નિયમિત અને સમયપાલનના આગ્રહી હતા. વળી તેમનું વક્તવ્ય સરલ અને સ્પષ્ટ રહેતું. ઊંચી વહીવટી ક્ષમતા, તીવ્ર એકાગ્રતા અને પ્રતિસ્પર્ધીની પ્રશંસા પામે તેવી હેતુપૂર્ણતા તેઓ ધરાવતા હતા. કેરળના મુખ્યપ્રધાનોમાં તેઓ અગ્રિમ પંક્તિમાં સ્થાન ધરાવતા હતા.
તેમણે ‘કેરળ સંસ્થાનમ્-પ્રસંનાગલમ્ સાંધ્યાથાકાલમ્’ (કેરળ રાજ્ય : સમસ્યાઓ અને શક્યતાઓ); સાહિત્ય અને રાજકારણના સાથીઓ, મિત્રો અને સમકાલીનોનાં સ્મૃતિચિત્રો આપતો ગ્રંથ ‘ઓરમાયુદે ઇદુકલ’ (Ormayude Edukal) તથા ‘કિસાન પાઠ્યપુસ્તકમ્’ રચ્યાં હતાં. વળી એચ. જી. વેલ્સના ગ્રંથ ‘એ શૉર્ટ હિસ્ટરી ઑવ્ ધ વર્લ્ડ’નો અનુવાદ તેમણે ‘લોકચારિત્ર્યસંગ્રામ’ શીર્ષકથી કર્યો હતો. આ ઉપરાંત પણ કેટલાક અન્ય ગ્રંથોના અનુવાદ તેમણે કર્યા હતા. તેમની બીજી કૃતિઓમાં ‘મનુષ્યાન સ્વયં નિર્મિક્કુન્નુ’ (અનુવાદ), ‘બાલ્ય સ્મરણકાલ’ તથા ‘તેરાન્જેતુથ ઉપન્યાસાંગલ’નો સમાવેશ થાય છે. તેમની છેલ્લી બે કૃતિઓને કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા.
રક્ષા મ. વ્યાસ