મેનન, મામ્બિલિક્લાતિલ ગોવિન્દકુમાર

February, 2002

મેનન, મામ્બિલિક્લાતિલ ગોવિન્દકુમાર (જ. 28 ઑગસ્ટ 1928, કર્ણાટક) : ભારતના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાનના વિદ્વાન વિજ્ઞાની. ભારતમાં ઑગસ્ટને રાજકીય ચળવળના મહિના તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનક્ષેત્રે પણ આ માસ મહત્વનો છે. ખગોળવિજ્ઞાન અને ખગોળ ભૌતિકવિજ્ઞાનના ‘વિકાસ’ના સ્તંભરૂપ પ્રથમ પંક્તિના ત્રણ વિજ્ઞાનીઓ – ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. એમ. કે. વેણુબાપુ અને ડૉ. એમ. જી. કે. મેનન ઑગસ્ટ મહિનામાં જન્મ્યા હતા.

મેનને પાયાનું શિક્ષણ ભારતમાં લીધું. ત્યારબાદ તેઓ 1949માં યુ.કે.ની બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં જોડાયા. અહીં નોબેલ પુરસ્કારવિજેતા પ્રો. સી. એફ. પૉવેલ સાથે સંશોધનકાર્ય કરવાની તક મળી. મેનને પ્રો. પૉવેલ સાથે મૂળભૂત કણો (fundamental particles) ઉપર પાયાનું સંશોધન કર્યું. પરિણામે તેઓ મ્યૂઑન (mumeson–muon) શોધી કાઢવામાં સફળ થયા. તેમાં k-કણો અને પાયૉન(Pi-meson-pion)નો પણ સમાવેશ થાય છે. 1955માં તેઓ યુ.કે.થી ભારત પાછા આવ્યા. અને તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ(T.I.F.R.)માં જોડાયા.

ટી.આઇ.એફ.આર.માં તેમણે બ્રહ્માંડ-કિરણો(cosmic rays)ના ક્ષેત્રે સઘન સંશોધન ચાલુ કર્યું. ભારતમાં રહીને તેમણે વધુ ઊંચાઈએ બ્રહ્માંડ-કિરણોની તીવ્રતા અને ઘટક-કણોનો વિસ્તૃત અભ્યાસ કર્યો. આ સાથે વધુ ઊંચાઈના અભ્યાસની જેમ ઘણી ઊંડાઈએ પણ બ્રહ્માંડ-કિરણોની તીવ્રતાનો અભ્યાસ કર્યો. આ માટે તેમણે કર્ણાટકમાં આવેલ કોલાર-ગોલ્ડ-ફીલ્ડની ઊંડી ખાણોનો વિસ્તાર પસંદ કર્યો. આ સંશોધન ઉપરથી વધુ ઊંચે બ્રહ્માંડ-કિરણોની તીવ્રતાના પ્રમાણમાં વધુ ને વધુ ઊંડે આ તીવ્રતા ઓછી જોવા મળી. આ ઉપરથી તારણ કાઢી શક્યા કે બ્રહ્માંડ-કિરણોનો સંભવત: ઉદગમ પૃથ્વીની બહાર હોવો જોઈએ. જોકે બ્રહ્માંડ-કિરણોના ઉદગમસ્થાન માટે વિવિધ અભિપ્રાયો પ્રવર્તે છે.

1960માં તેમને શાંતિસ્વરૂપ ભટનાગર ઍવૉર્ડ એનાયત થયો. 1970માં લંડનની રૉયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા. પરદેશમાં મેનનના માર્ગદર્શક પૉવેલ હતા તો ભારતમાં તેમના માર્ગદર્શક હોમી ભાભા હતા. ભાભાએ મેનનને સ્પષ્ટ ખ્યાલ આપ્યો કે સારા તર્કબદ્ધ આયોજન, સંગઠન અને કાળજીપૂર્વક પસંદ કરેલા સંશોધન-ક્ષેત્ર વડે જ ઉત્કૃષ્ટ પ્રકારનું સંશોધન શક્ય બને છે.

વિજ્ઞાન-સંશોધનના ક્ષેત્રે તેઓ કુશળ પ્રશાસક રહ્યા છે. 1986માં તેઓ વડાપ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિમાયા. ઇલેક્ટ્રૉનિક્સ અને બ્રહ્માંડ-કિરણોના ક્ષેત્રે તેમણે ભારતને અગ્રસીમા ઉપર મૂક્યું છે.

વિજ્ઞાન-સંશોધન ઉપરાંત તેઓ ચિત્ર, મૂર્તિકલા, બાગાયતમાં પણ ઊંડો રસ ધરાવે છે અને સારો એવો સમય તેમાં પણ પ્રવૃત્ત રહે છે.

પ્રહલાદ છ. પટેલ