મેનન, કેશવ કે. પી. (જ. 1 સપ્ટેમ્બર 1886, તરુર, પાલઘાટ; અ. 9 નવેમ્બર 1978) : કેરળના સ્વાતંત્ર્યસેનાની, રાજકારણી, મુત્સદ્દી, તંત્રી અને લેખક. તેમના પિતા પાલઘાટ રાજવી પરિવારના ભીમચ્ચન રાજવી હતા. તેમની સમગ્ર કારકિર્દીમાં અનેક મહત્વની ઘટનાઓ વણાયેલી છે અને કેરળનાં અનેકવિધ પ્રવૃત્તિક્ષેત્રોમાં તેમનો ચિરસ્થાયી પ્રભાવ પડ્યો છે. તેઓ બૅરિસ્ટર થયા હતા અને 1915થી તેમણે કાલિકટ ખાતે વકીલાત કરવા માંડી હતી. એ દરમિયાન તેઓ ‘હોમરૂલ’ ચળવળના આગેવાન બન્યા. 1921માં કેરળ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના તેઓ મંત્રી હતા. અસહકારની લડતમાં ભાગ લેવા બદલ એ જ વર્ષે તેમને જેલવાસ વેઠવો પડેલો. 1923માં ‘માતૃભૂમિ’ અખબારની સ્થાપના કરી તેઓ તેના તંત્રી બન્યા. 1927માં મલાયા (મલેશિયા) જઈ તેમણે ત્યાં વકીલાત શરૂ કરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતના સ્વાતંત્ર્યની લડતમાં તેમણે સુભાષચંદ્ર બોઝ સાથે કામ કર્યું. નેતાજીના પ્રધાનમંડળમાં પણ તેઓ સભ્ય હતા અને તેમાંથી રાજીનામું આપ્યા પછી જાપાનીઓએ તેમને કેદ પકડ્યા હતા. 1948માં તેઓ કાલિકટ પાછા ફર્યા અને ‘માતૃભૂમિ’નું તંત્રીપદ સંભાળ્યું. 1951માં તેઓ સિલોન (શ્રીલંકા) ખાતે ભારતના હાઈકમિશનર તરીકે નિમાયા. પાછળથી તે પદનું રાજીનામું આપી, કાલિકટ આવી 1952માં ફરીથી ‘માતૃભૂમિ’ના તંત્રીપદની જવાબદારી ઉપાડી લઈ તે અવસાનપર્યંત સંભાળી. 1957થી 1960 સુધી તેઓ કેરળ સાહિત્ય અકાદમીના કાર્યકારી અધ્યક્ષ રહ્યા અને એ અકાદમીના તેઓ સૌપ્રથમ ફેલો પણ નિમાયા.

અવિરત લેખનશક્તિને પરિણામે તેમણે ઘણા ગ્રંથો લખ્યા છે. તેમની લેખન-કારકિર્દીનો આરંભ થયો 1915માં; 1958માં ર્દષ્ટિ ચાલી જવા છતાં અવસાનપર્યંત તેમનું લેખનકાર્ય ચાલુ રહ્યું. જીવનચરિત્ર, આત્મકથા, પ્રવાસકથા, ઇતિહાસ, રાજકીય લેખો તથા નીતિશાસ્ત્રને લગતા નિબંધો – એમ બહુવિધ લેખનપ્રકારોમાં તેમણે ગણનાપાત્ર પ્રદાન કર્યું છે.

પરંતુ તેમની ઉત્તરાવસ્થાની કૃતિઓ સવિશેષ મહત્વની છે. 1968–69માં ‘રાષ્ટ્રપિતાવુ’ નામે તેમણે પ્રગટ કરેલી ગાંધીજીની જીવનકથાને કેરળ સાહિત્ય અકાદમીનો એ સાહિત્યસ્વરૂપની ઉત્તમ કૃતિ તરીકેનો ઍવૉર્ડ મળ્યો હતો. અન્ય જીવનચરિત્રોમાં ‘નવભારત શિલ્પીકાર’ (2 ભાગ : 1963 અને 1966), ‘જવાહરલાલ નહેરુ’ (1966) તથા ઈસુનું જીવનચરિત્ર ‘યશુદેવન્’ (1971) મુખ્ય છે. 1957માં ‘કઝિનજા કલામ’ (ધી ઓલ્ડ ડેઝ) નામે તેમણે પ્રગટ કરેલી આત્મકથાને 1958માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ અપાયો હતો.

નૈતિક આદર્શોને અનુસરવાનો સતત પુરુષાર્થ કરવો એ તેમનું મુખ્ય જીવનધ્યેય અને પ્રવૃત્તિક્ષેત્ર હતું. શરૂઆતથી જ તેઓ બોધપ્રધાન કૃતિઓ રચતા જોવા મળ્યા છે. ‘આમ જીવિત ચિંતકળ’ (થૉટ્સ ઑન લાઇફ) 1953માં, નીતિવિષયક 22 નિબંધોનો સંગ્રહ ‘પ્રભાતદીપમ્’ (ધ લાઇટ ઇન ધ મૉર્નિંગ) 1960માં અને ‘વિજયતિલેક્કુ’ (ટવૉર્ડ્ઝ વિક્ટરી) 1963માં પ્રગટ થયા છે.

તંત્રી તરીકે તેઓ દર સોમવારે એક કટાર અવશ્ય લખતા હતા. આ કટારોનું સંપાદન ‘નામ મુન્નોતુ’ (વી મૂવ ફૉરવર્ડ) નામે 4 ગ્રંથો રૂપે પ્રગટ કરાયું હતું. 1966માં તેમને પદ્મભૂષણથી સન્માનવામાં આવ્યાં.

92 વર્ષની પાકટ વયે તેમનું અવસાન થયેથી કેરળના જાહેર જીવન તથા સાહિત્યજગતને મોટી ખોટ પડી. કરુણા, સંવેદનશીલતા, નૈતિક મૂલ્યો અને આદર્શો તથા પ્રામાણિકતા – એ તેમના વ્યક્તિત્વનાં ઊજળાં પાસાં હતાં. એ રીતે તેમનું જીવન એક મૂલ્યવાન વારસો બની રહ્યું.

મહેશ ચોકસી