મેદીનેટ હેબુ ખાતેનું પ્રાઇમીવલ હિલ મંદિર

February, 2002

મેદીનેટ હેબુ ખાતેનું પ્રાઇમીવલ હિલ મંદિર : ઇજિપ્તની સ્થાપત્યકલાનું એક નમૂનેદાર મંદિર. તેના નિર્માણનો પ્રારંભ રાણી હેટ સેપ્સરે ઈ. સ. પૂ. 1470ના અરસામાં કરેલો. નાઇલ નદીના પશ્ચિમ કાંઠે થીબ્ઝ ખાતે આવેલાં કરનાક અને લેક્સરનાં મંદિરોની હરોળનું આ મંદિર અસલ નગરની ઉત્તરે નદીને પશ્ચિમ કાંઠે મહત્વના દેવાલય-ગભારા (sanctuary) રૂપે આવેલું છે. ‘આદિ સર્જનના અસલ કેંદ્ર’ તરીકે આ મંદિર થીબ્ઝનું સૌથી પવિત્ર સ્થાન ગણાતું હતું.

રાણી હેટ સેપ્સરે કોઈ પુરાણા મંદિરને સ્થાને સંસ્કારવિધિ માટે કરાવેલું મંદિર છત્રીના આકારનું હતું અને રાણીના અનુગામી ફેરો નુથમોસિસ બીજાએ તેમાં ફેરફાર કરીને તેને પૂરું કરાવ્યું હતું. આમાં વિશેષ લંબાઈ ધરાવતા લંબચોરસ મકાનને ફરતો અંતર્ગોળ કાંગરીનો થર કરેલો છે. આ મકાનના તલમાનનો નકશો અન્ય દેવાલય-ગભારાના બાંધકામમાં પણ જોવા મળે છે. વસ્તુત: આખા મકાનનું નિર્માણ ઠીક ઠીક ઊંચાઈ ધરાવતા ઊભણી-વિસ્તાર પર થયેલું છે અને પૂર્વ બાજુએ આવેલાં થોડાં પગથિયાં ચઢીને ત્યાં જવાય છે. નાઇલમાંથી નીકળતી એક નહેર કદાચ મંદિરના પ્રાંગણમાં જ આવીને અટકતી હતી.

વિશાળ સંકુલ ધરાવતું આ મંદિર બે ભાગોમાં વહેંચાયેલું છે. વિધિવિધાન માટેના ગભારાની સામે છત્રીસ્વરૂપનું બાર્જ ચૅપલ આવેલું છે. આ મંદિરની ત્રણેય બાજુએ સ્તંભો તેમજ કેડ-ઊંચી દીવાલ કરેલી છે. તેની મધ્યમાં દેવ એમન માટેનું ખાસ્સું લાંબું મંદિર આવેલું છે. આ મંદિર મૂળમાં વિશાળ છત નીચે કરેલી ઝૂંપડી જેવી રચના ધરાવતું હતું. મંદિરની છત તેને ફરતી વીથિકાની છત કરતાં નીચી હતી. મંદિરનો પાછળનો ભાગ બહારની દીવાલથી આવરી લેવાયો હતો. આમાં મકાનના આગળના ભાગ કરતાં છતની ઊંચાઈ ઓછી છે અને તેમાં ઉજાસ આવે તેવી વ્યવસ્થા કરેલી છે. તેમાંથી આછું-ઝાંખું અજવાળું દેવ એમન તેમજ રાજાના પ્રતીક રૂપે રખાયેલ મૂર્તિસમૂહ પર પડે એવી જોગવાઈ છે. દેવ એમન તથા ફેરોના અવશેષો આ ખંડમાં જળવાયેલા છે. મુખ્ય ખંડની દક્ષિણે અને પશ્ચિમે આવેલા ખંડો દેવ એમનને લગતી ધાર્મિક વિધિ માટે અને ઉત્તરે આવેલા ખંડ ફેરો અંગેની સંસ્કારવિધિ માટે ઉપયોગમાં લેવાતા. ફેરોના વિધિખંડમાં કેવળ બાર્જ-ચૅપલમાં થઈને જ જવાતું.

મેદીનેટ હેબુનાં મંદિરોમાં દીર-એલ-બહારી નામનું દફનવિધિ માટેનું મંદિર પણ વિખ્યાત હતું.

સ્નેહલ શાહ

અનુ. મહેશ ચોકસી