મેથી : દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trigonella foenum–graecum Linn. (સં. મેથિકા, અશ્વબલા; મ. હિં. બં. ગુ., મેથી; ક. મેથક, મેથય; તે. મેંલ; ત. વેંદાયામ; મલ. ઊળુવા; અં. ફેનુગ્રીક) છે. તેનું મૂળ વતન ઈશાન યુરોપ અને પશ્ચિમ આફ્રિકા છે. તે કાશ્મીર, પંજાબ અને ગંગાનાં ઉપરિમેદાનોમાં વન્ય વનસ્પતિ તરીકે થાય છે. અને ભારતના ઘણા ભાગોમાં તેનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે. તે શાકભાજી (culinary) ઔષધકીય હેતુઓ માટે અને પશુઓના ખોરાક તરીકે ઉગાડવામાં આવે છે. તેના બે પ્રકારો છે : (1) વામન પ્રકાર અથવા દેશી મેથી શાકભાજી માટે ઉગાડવામાં આવે છે; અને (2) ઊંચો પ્રકાર અથવા કસુરી અથવા ચંપા મેથી પંજાબમાં ‘ચારા’ માટે વાવવામાં આવે છે. કસુરી મેથીના નવા પ્રકારો ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બજારમાં મૂકવામાં આવ્યા છે.

મેથી

તે સુવાસિત, એકવર્ષાયુ, 30 સેમી.થી 60 સેમી. ઊંચો છોડ છે. તેનાં પર્ણો પક્ષવત્ (pinnate), ત્રિપર્ણી (trifoliate) સંયુકત હોય છે. પર્ણિકા 2.0થી 2.5 સેમી. લાંબી, અધોમુખ ભાલાકાર લંબચોરસ (oblong) અને આછી દંતુરીવત્ (obscurely dentate) હોય છે. પુષ્પો કક્ષીય એક અથવા બે અને સફેદ અથવા પીળાશપડતા સફેદ રંગનાં હોય છે. ફળ શિંબ (legume) પ્રકારનું અને 3 સેમી.થી 15 સેમી. લાંબું હોય છે અને 10થી 20 બીજ ધરાવે છે. બીજ લીલાશપડતાં બદામી, 2.5થી 5.0 મિમી. લાંબાં અને 2.0થી 3.5 મિમી. પહોળાં હોય છે. લંબચોરસ બીજમાં એક ખૂણેથી પસાર થતી ઊંડી ખાંચ બીજને અંકુશ જેવો દેખાવ આપે છે.

ભારતમાં તે ઠંડી ઋતુનો (રવી) પાક ગણાય છે. પંજાબમાં ભૂમિસંરક્ષણ પાક (cover-crop) તરીકે તથા ઉત્તર પ્રદેશમાં મકાઈ અને કપાસ સાથે અને બિહારમાં શેરડી સાથે આવર્તન-પાક (rotation-crop) તરીકે ઉગાડવામાં આવે છે. આસામ, કાશ્મીર, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં વિવિધ હેતુઓસર વાવવામાં આવે છે. ગુજરાતમાં પંચમહાલ, રાજકોટ, ખેડા, જૂનાગઢ અને મહેસાણા જિલ્લામાં બહોળા પ્રમાણમાં તેનું વાવેતર થાય છે.

તેની વાવણી સામાન્ય રીતે સપ્ટેમ્બરના બીજા પખવાડિયાથી માર્ચના પ્રથમ પખવાડિયા સુધી કરવામાં આવે છે; જ્યારે ડાંગ, આહવા અને વલસાડ જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં એપ્રિલ સુધીમાં વાવણી કરવામાં આવે છે. તે અત્યંત નીચા તાપમાન અને હિમ સાથે પૂરતા પ્રમાણમાં સહિષ્ણુતા દાખવતી વનસ્પતિ છે. સિંચાઈ હેઠળ શાકભાજી તરીકે આખું વર્ષ તેને વાવી શકાય છે. મધ્યમસરના કે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં અને બધા પ્રકારની જમીનમાં તે થાય છે; છતાં ગોરાડુ (loamy) અને માટીવાળી ગોરાડુ (clayey loam) જમીન તેને સૌથી વધુ અનુકૂળ છે. કાળી કપાસ-ભૂમિ(black cotton soil)માં પણ તેનો ઉગાવો સંતોષજનક હોય છે.

સારી અને ઝડપી વૃદ્ધિ અને સારા ઉત્પાદન માટે જમીનને 4થી 5 વાર ખેડવામાં આવે છે. તે પૈકી એક ખેડ જમીનને ઉપરતળે કરવા માટે થાય એ જરૂરી છે. સિંચાઈના આધારે 3 મી.થી 5મી. લાંબી અને 1.25 મી.થી 1.75 મી. પહોળી ક્યારીઓ બનાવવામાં આવે છે.

ખેડ પહેલાં સારું કોહવાટ પામેલું છાણિયું ખાતર 360 ક્વિ. પ્રતિહેક્ટર આપવામાં આવે છે. જો બીજનું ઉત્પાદન લેવાનું હોય તો 2.5 ક્વિ. અસ્થિચૂર્ણ (bone meal) અથવા 2.0 ક્વિ. સુપરફૉસ્ફેટનું ખાતર ખેડ પહેલાં આપવામાં આવે છે. મેથીની વાવણી માટે 25 કિગ્રા./હેક્ટર બીજની જરૂર પડે છે; જ્યારે કસુરી મેથી માટે 20 કિગ્રા./હેક્ટર બીજ જરૂરી છે. મેથીનાં પર્ણોનું શાકભાજી માટે ઉત્પાદન લેવાનું હોય તો પાકને દર અઠવાડિયે પિયત આપવામાં આવે છે. ગરમીના દિવસોમાં ટૂંકા ગાળે પિયતની જરૂરિયાત રહે છે; જેથી પર્ણોની કૂણપ જળવાઈ રહે અને વધારે ઉત્પાદન મળે.

મેથી દેશી (સુગંધરહિત) જાત તેમજ ‘લામ સિલેક્શન’, ‘પુસા અરણી બંચિંગ’ અને ‘કસુરી સિલેક્શન’ જેવી સુગંધિત જાતો વાવવામાં આવે છે. મેથીની વાવણી પૂંખીને કરવામાં આવે છે; તેમ છતાં 20 સેમી.થી 25 સેમી.ના અંતરે હરોળમાં પણ વાવણી કરવામાં આવે છે, જેથી આંતરખેડ (રાંપડી) જેવાં ખેતી-કાર્યો સરળતાથી થઈ શકે.

મેથીને કેટલીક ફૂગ દ્વારા રોગો લાગુ પડે છે. Cercospora traversiana Sacc. દ્વારા પાનનાં ટપકાંનો રોગ ઉત્પન્ન થાય છે. આ ટપકાં બદામી રંગનાં, ઉપવલયી (elliptic) કે ગોળ હોય છે. જો ટપકાં ગોળ હોય તો મધ્યમાં ઘેરી જેતૂન(olive)ની વૃદ્ધિ થાય છે. Peronospora trigonellae Gaum.થી તળછારો (downy mildew) થાય છે. પર્ણોની નીચેની સપાટીએ ભૂખરા-સફેદ ચૂર્ણિલ (powdery) ધાબાં ઉત્પન્ન થાય છે અને તેને અનુરૂપ (corresponding) ઉપરની સપાટી પીળા રંગની કે ઉતકક્ષયી (necrotic) બને છે. Erysiphe polygoni DC. Oidium Spp. અને Oidiopsis taurica (Lev.) Salmon દ્વારા ભૂકી છારો (powdery mildew) અને Uromyces anthyllidis (Grev.) Schroet. દ્વારા ગેરુ(rust)નો રોગ લાગુ પડે છે. ગેરુના રોગમાં પર્ણની બંને સપાટીએ અને પર્ણદંડ ઉપર નાની, ગોળ અથવા લંબચોરસ ઘેરી બદામી પિટિકાઓ (pustules) ઉત્પન્ન થાય છે, અતિશય વરસાદથી બીજાંકુરોનું આર્દ્ર પતન (damping off) થાય છે. રોગ-અવરોધક (disease-resistant) જાતોનું વાવેતર, બોર્ડો-મિશ્રણનો છંટકાવ અને પાક-આવર્તન (crop rotation) તેના કેટલાક ઉપચારો છે.

સુકારો અથવા મૂળનો સુકારો : આ રોગ ફ્યુઝેરિયમ પ્રજાતિની ફૂગથી થાય છે. જે ખેતરમાં દર વર્ષે કઠોળનો પાક લેવામાં આવતો હોય તે ખેતરમાં આ રોગનું પ્રમાણ દર વર્ષે વધે છે. ઉત્તર ગુજરાતની ગોરાડુ જમીન કરતાં દક્ષિણ ગુજરાતની કાળી જમીનવાળા ભરૂચ અને વડોદરા જિલ્લામાં આ રોગ વ્યાપક પ્રમાણમાં નુકસાન કરે છે.

રોગની શરૂઆત થતાં પાકમાં છૂટાછવાયા છોડ કરમાવા લાગે છે અને ધીરે ધીરે આ રોગમાં પાણીની અછતનાં લક્ષણો જોવા મળે છે. તેનાં પાન પીળાં પડી સુકાઈ જાય છે; પરંતુ તેઓ લાંબા સમય સુધી ખરતાં નથી. સમય જતાં આખો છોડ સુકાઈ જાય છે. આ રોગ ખેતરમાં કૂંડાળાઆકારે આગળ વધે છે.

આ રોગની શરૂઆતમાં છોડના મુખ્ય મૂળ અને જમીન નજીકના થડના ભાગ ઉપર કાળાં લાંબાં ધાબાં જોવા મળે છે. આવાં મૂળ તેમના ઉપરની છાલ ઉખાડીને જોતાં કાળાં પડી ગયેલાં દેખાય છે; તદુપરાંત તેનાં તંતુમૂળ પણ સડી ગયેલાં હોય છે. આ ફૂગ મૂળ મારફતે છોડના વાહીપુલોમાં પ્રવેશ કરી વૃદ્ધિ પામે છે. રોગિષ્ઠ છોડના થડને ચીરીને તેનું નિરીક્ષણ કરવાથી તેની અન્નવાહિની અને જલવાહિનીઓ કાળી પડી ગયેલી જોવા મળે છે. પરિણામે છોડમાં થતું ખોરાક અને પાણીનું વહન અટકે છે અને ખોરાક અને પાણીની અછતને લીધે છોડ મૂરઝાઈને સુકાવા માંડે છે. છોડ ઉપર ફૂલો બેસવાની અવસ્થામાં આ રોગ વધુ તીવ્ર બને છે.

આ રોગના નિયંત્રણ માટે રોગપ્રતિકારક જાતોની વાવણી કરવામાં આવે છે, અથવા તો બીજને ફૂગનાશકનો પટ આપી પછી તેની વાવણી કરવામાં આવે છે. વળી એક જ ખેતરમાં મેથી કે કઠોળ જેવા પાકો વરસો સુધી લેવાને બદલે તેમાં ધાન્ય પાકો વાવવામાં આવે છે.

થડનો કોહવારો : જે ખેતરની જમીનની નિતારશક્તિ ઓછી હોય અથવા પાણી ભરાઈ રહેતું હોય ત્યાં જમીનજન્ય ફૂગ ખાસ જોવા મળે છે. જમીનની સપાટીએથી આ ફૂગ થડમાં પ્રવેશ કરે છે અને તેના પર આછા ભૂખરા કે કાળા રંગનાં ધાબાં પેદા કરે છે. વળી જમીનની નજીકના થડની છાલ ઉપર ક્યારેક સફેદ ફૂગના તાંતણા જોવા મળે છે. આથી જમીનમાં આવેલ થડની છાલ કોહવાઈ જાય છે અને તેને સહેલાઈથી થડ ઉપરથી ઉખાડી શકાય છે. વળી જમીનની અંદરનાં મૂળોની છાલ પણ કાળી પડી કોહવાઈ જાય છે. તેને લીધે પણ છોડ સહેલાઈથી ઉપાડી શકાય છે. રોગની શરૂઆત થતાં છોડનાં પાન પીળાં પડી ખરી પડે છે. છોડ થડ પાસેથી વળીને ઢળી પડે છે અને સુકાઈને મૃત્યુ પામે છે.

આ રોગમાં જમીનજન્ય ફૂગ કારણભૂત હોવાથી ફૂગનાશકનો ઉપયોગ કરી તેને કાબૂમાં લેવો મુશ્કેલ છે. આમ છતાં ખેતીમાં પાકની ફેરબદલ કરવાથી આ રોગને અંકુશમાં લાવી શકાય છે.

ઇતરડી (Tetranychus cucurbitae Rahman & Sapra) એક ગંભીર જીવાત છે અને તેના આક્રમણથી પર્ણો લીલો રંગ ગુમાવી સુકાઈ જાય છે અને ખરી પડે છે. મોલો (Aphis craccivora Koch. અને Myzux persicae sulzar) પણ મેથીના પાકને નુકસાન પહોંચાડે છે.

મેથીની ભાજીનું ઉત્પાદન 8,000 કિગ્રા.થી 10,000 કિગ્રા. પ્રતિહેક્ટરે મળે છે અને બીજનો સરેરાશ ઉતારો 600 કિગ્રા.થી 800 કિગ્રા. પ્રતિ-હેક્ટર મળે છે. મેથીનો શાકભાજી તરીકે ઉપયોગ કરવાનો હોય ત્યારે તેની લણણી ખૂબ જ અગત્યની પ્રક્રિયા ગણાય છે. મેથીનો પ્રથમ ઉતારો વાવણી પછી 30 દિવસે કરવામાં આવે છે અને પરિપક્વ પર્ણવાળા છોડ જમીનથી 2.0 સેમી. જેટલી ઊંચાઈએથી ચૂંટવામાં આવે છે. પ્રથમ વીણી પછી બીજી વીણી 10થી 12 દિવસ પછી મળે છે. આ રીતે પૂર્ણ પાક અવસ્થા સુધી મેથીનાં પર્ણો ઉતારવામાં આવે છે.

બીજના ઉત્પાદન માટે છોડ પરથી પર્ણોની વીણી કરવામાં આવતી નથી અથવા કસુરી મેથીમાં બે વાર વીણી કે દેશી મેથીમાં ત્રણ વાર વીણી કર્યા પછી તેના ઉપર બીજનું ઉત્પાદન થવા દેવામાં આવે છે. જોકે માત્ર બીજોત્પાદન માટે ઉગાડવામાં આવેલો પાક ઘણો વધારે ઉતારો આપે છે. સંદૂષણ (contamination) અટકાવવા રાન મેથી (Melilotus alba) અને મૈના (Medicago hispida) જેવાં અપતૃણોનો નાશ જરૂરી છે. પુષ્પનિર્માણ પછી 30થી 35 દિવસ પછી બીજની લણણી કરી શકાય છે. દેશી મેથી આશરે 155 દિવસ અને કસુરી મેથી પાકવા માટે 165 દિવસ લે છે. લણણી વખતે આખો છોડ ખેંચી લઈ સૂર્યના તડકામાં સૂકવવામાં આવે છે અને લાકડી વડે ખળામાં તેનાં ફળોને ઝૂડવામાં આવે છે; જેથી બીજ સહેલાઈથી છૂટાં પડે છે.

લીલાં પર્ણોના ખાદ્ય દ્રવ્યનું મૂલ્ય આ પ્રમાણે છે : પાણી 86.1 %; પ્રોટીન 4.4 %; લિપિડ 0.9 %; રેસો 1.1 %; કાર્બોદિતો 6.0 % અને ભસ્મ 1.5 %; કૅલ્શિયમ 395 મિગ્રા.; મૅગ્નેશિયમ 67.0 મિગ્રા.; ફૉસ્ફરસ 51.0 મિગ્રા.; સોડિયમ 76.1 મિગ્રા.; પોટૅશિયમ 31.0 મિગ્રા.; તાંબું 0.26 મિગ્રા.; સલ્ફર 167.0 મિગ્રા. અને ક્લૉરાઇડ 165 મિગ્રા./100 ગ્રા.; પ્રજીવકોમાં કૅરોટિન (પ્રજીવક ‘એ’ તરીકે) 2,340 માઇક્રોગ્રામ; થાયેમિન 0.04 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.31 મિગ્રા.; નિકોટિનિક ઍસિડ 0.80 મિગ્રા. અને પ્રજીવક ‘સી’ (એસ્કૉર્બિક ઍસિડ) 52 મિગ્રા./100 ગ્રા. તે અત્યંત અલ્પ પ્રમાણમાં પ્રજીવક ‘કે’ ધરાવે છે.

પર્ણોમાં β-ઍમિનો બ્યૂટિરિક ઍસિડમાં રહેલા ઍમિનો જૂથનું પાયરુવેટમાં સ્થાનાંતર કરતો ટ્રાન્સએમાઇનેઝ નામનો ઉત્સેચક હોય છે; જેથી ઍલેનિન નામનો ઍમિનોઍસિડ બને છે. તે ગ્લૂટામેટ-પાઇરૂવેટ ટ્રાન્સએમાઇનેઝ પણ ધરાવે છે. પર્ણોમાં પ્રોટીનનું પ્રમાણ વધતે-ઓછે અંશે દાળ સાથે તુલના કરી શકાય તેટલું હોય છે. પર્ણોમાં લાયસિન, હિસ્ટીડિન, આર્જિનિન, થ્રિયોનિન, વેલાઇન, ટ્રિપ્ટોફેન, ફીનિલ ઍલેનિન, આઇસોલ્યુસિન, લ્યુસિન, સિસ્ટાઇન અને ટાયરૉસિન નામના ઍમીનોઍસિડો મુક્ત સ્વરૂપે મળી આવે છે.

પર્ણોમાં ડાયોસ્જેનિન, ટિગોજેનિન અને ગીટોજેનિન નામનાં સેપોનિન ઉત્પન્ન થાય છે. તે પૈકી ડાયોસ્જેનિન મુખ્ય સેપોનિન છે.

બીજમાં પાણી 13.7 % અશુદ્ધ પ્રોટીન 26.2 %, લિપિડ 5.8 %, રેસો 7.2 %, અન્ય કાર્બોદિતો 44.1 % અને ભસ્મ 3.0 %; કૅલ્શિયમ 160.0 મિગ્રા., ફૉસ્ફરસ 370 મિગ્રા. (ફાઇટિન P. 151 મિગ્રા.), લોહ 14.1 મિગ્રા. [આયનકારી (ionizable Fe 1.5 મિગ્રા.)], સોડિયમ 19 મિગ્રા. અને પોટૅશિયમ 530 મિગ્રા./100 ગ્રા. હોય છે. બીજ કૅરોટિન (પ્રજીવક ‘એ’ તરીકે) 96 માઇક્રોગ્રામ, થાયેમિન 0.34 મિગ્રા. રાઇબોફ્લેવિન 0.29 મિગ્રા. અને નિકોટિનિક ઍસિડ 1.1 મિગ્રા./100 ગ્રા. જેવાં પ્રજીવકો અને ફૉલિક ઍસિડ ધરાવે છે. અંકુરિત બીજમાં પાઇરિડૉક્સિન, સાયનોકોબાલેમિન, કૅલ્શિયમ પેંટોથિનેટ, બાયૉટિન અને પ્રજીવક ‘સી’ હોય છે. અંકુરિત બીજમાં α–ગૅલેક્ટોસાઇડેઝ નામનો ઉત્સેચક હોય છે. કાચાં બીજમાં સુક્રોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ માયોઇનોસિટોલ, ગૅલેક્ટિનોલ અને સ્ટેચિયોઝ હોય છે. ગ્લેક્ટોઝ અને રેફિનોઝ અલ્પ પ્રમાણમાં હોય છે. પરિપક્વતા વધતાં બીજમાં સ્ટેચિયોઝનું પ્રમાણ વધે છે. અને ગ્લુક્ટોઝ, સુક્રોઝ અને ગૅલેક્ટિનૉલનું પ્રમાણ ઘટે છે. બીજમાં રહેલા મુક્ત ઍમીનોઍસિડોમાં ઍસ્પાર્ટિક ઍસિડ, સેરિન, ગ્લુટામિક ઍસિડ, થ્રિયોનિન, એલેનિન, β-ઍલેનિન, γ-એમીનો બ્યૂટિરિક ઍસિડ અને હિસ્ટીડિનનો સમાવેશ થાય છે અંકુરિત બીજના નિષ્કર્ષમાં મીથાયનીન હોય છે. બીજમાં બદામી રંગનું અને તીવ્ર વાસવાળું બાષ્પશીલ તેલ 0.02 %થી પણ ઓછું હોય છે.

બીજમાં ચાર ફ્લેવોનૉઇડ ઘટકો (2 ગ્લાયકોસાઇડ અને 2 એગ્લાયકોન) અને બે સ્ટેરૉઇડીય સેપોનિન હોય છે. સેપોનિનના જલાપઘટન(hydrolysis)થી ડાયોસ્જેનિન અને અને ગિટોજેનિન નામના બે સ્ટેરૉઇડીય સેપોજેનિન ઉત્પન્ન થાય છે. ટિગોજેનિન નામનો સેપોજેનિન અત્યંત અલ્પ પ્રમાણમાં હોય  છે. ટ્રાયગોનેલિન (C7H7O2N) નામનું આલ્કેલૉઇડ 0.38 % જેટલું હોય છે. આ આલ્કેલૉઇડ દ્વારા કોઈ સ્પષ્ટ દેહધાર્મિક પ્રતિક્રિયા થતી નથી. બીજમાં કોલાઇન હોય છે.

લીલાં અને સૂકાં પર્ણો શાકભાજી તેમજ પશુઓના ખોરાક તરીકે ઉપયોગી છે. બીજ મસાલા તરીકે અને ખોરાકને સુગંધિત બનાવવા માટે વપરાય છે. તે તીવ્ર સુવાસ અને અરુચિકર કડવો સ્વાદ ધરાવે છે. આફ્રિકાના ઘણા ભાગોમાં શેકેલાં બીજ કૉફીની અવેજીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઇજિપ્તના કેટલાક ભાગોમાં બ્રેડની બનાવટમાં મકાઈના લોટમાં તે ઉમેરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ફોતરા વિનાના અડદની અવેજીમાં ઢોંસાનું ખીરું બનાવવામાં મેથી વપરાય છે. ચોખા કે અડદ ધરાવતા ખોરાકમાં 10 % જેટલો કાચાં કે અંકુરિત મેથીનાં બીજનો સંપૂરક આહાર (supplemental food) તરીકે ઉપયોગ કરતાં તેના જૈવિક મૂલ્ય(biological value)માં વધારો થાય છે. છોડ કીટ-પ્રતિકર્ષી (insect-repellant) ગુણધર્મો ધરાવે છે. પંજાબમાં ખેડૂતો અનાજની જાળવણી કરવા અનાજ સાથે મેથીના સૂકા છોડ ભેળવે છે. અમેરિકામાં ચટણીની બનાવટમાં અને વિવિધ મસાલેદાર વાનગીઓ બનાવવામાં તે વપરાય છે. નકલી મેપલ સિરપના સુગંધિત સંઘટક (ingredient) તરીકે મેથીનો નિષ્કર્ષ ઉપયોગી છે. ઉત્તર આફ્રિકા અને કેટલાક ભૂમધ્ય સમુદ્રીય દેશોમાં તેનું ચારા માટે વાવેતર થાય છે. ભૂમિના નવીકરણ (renovation) માટે લીલા ખાતરના પાક તરીકે અમેરિકાના કેટલાક ભાગોમાં અને ઉઝબેકિસ્તાનમાં તે ઉગાડવામાં આવે છે.

બીજ સુગંધીદાર, વાતહર (carminative), શક્તિવર્ધક અને સ્તન્યવર્ધક (galactogogue) હોય છે. તે બાહ્ય રીતે ગૂમડાં (boils), વિદ્રધિ (abscesses) અને ચાંદાં માટેની પોટીસમાં અને આંતરિક રીતે પાચનમાર્ગના દાહમાં પ્રશામક તરીકે વપરાય છે. પશુ-ઔષધોની બનાવટમાં પણ તે ઉપયોગી છે. બીજનો જલીય નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus નામના બૅક્ટેરિયા માટે પ્રતિજૈવિક (antibiotic) પ્રક્રિયા દર્શાવે છે.

મેથીના બીજમાં રહેલું ડાયોસ્જેનિન સ્ટેરૉઇડીય જાતીય અંત:સ્રાવોનો અગત્યનો ઘટક છે. તેનો ગર્ભનિરોધક દવા તરીકે ઉપયોગ થાય છે.

આયુર્વેદ અનુસાર મેથીની ભાજી રુચિકર, પથ્યકારક અને શરીરને હિતાવહ છે. તે તીખી, ઉષ્ણ પિટીવર્ધક, દીપન, લઘુ, વાતનાશક, કડવી, રુક્ષ, મલાવષ્ટંભક, હૃદ્ય અને બલકર છે અને જ્વર, અરુચિ, ઊલટી, ઉધરસ, વાતરક્ત, વાયુ કફ, અર્શ, કૃમિ અને ક્ષયનો નાશ કરે છે. તેનો ઉપયોગ વાયુથી હાથેપગે કળતર થાય તે ઉપર, આમ (મરડા) ઉપર, બહુમૂત્ર ઉપર, રક્તાતિસાર ઉપર, પ્રસૂતાને દૂધ આવવા માટે અને તાપથી લૂ લાગે તે ઉપર કરવામાં આવે છે.

બીજનું શ્લેષ્મ કાગળ-ઉદ્યોગમાં છિદ્રપૂરક દ્રવ્ય (sizing material) તરીકે ઉપયોગી છે. શુષ્ક શ્લેષ્મ ફૂલવાનો ગુણધર્મ ધરાવે છે અને ઔષધની બનાવટમાં સહઔષધ (adjuvant) તરીકે વપરાય છે.

મેથીની ભારતમાં થતી અન્ય જાતિઓમાં T. corniculata Linn. (કસુરી મેથી, કસ્તૂરી મેથી, મારવાડી મેથી, ચંપા મેથી), T. gracilis Benth. T. incisa Benth. (હિં. ચૈનહારી), T. occulta Delile., T. polycerata Linn.(સૈજી, ચીની)નો સમાવેશ થાય છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશભાઈ યશરાજભાઈ પટેલ

ભાલચન્દ્ર હાથી

બળદેવભાઈ પટેલ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ