મૅથિયસ, બૉબ (જ. 17 નવેમ્બર 1930, ટુલૅર, કૅલિફૉર્નિયા, અમેરિકા; અ. 2 સપ્ટેમ્બર 2006, Fresno, કૅલિફૉર્નિયા, અમેરિકા) : દોડપથ અને રમતમેદાનના અદભુત અમેરિકી ખેલાડી. માત્ર 17 વર્ષની વયે જ તેઓ ઑલિમ્પિક રમતોત્સવમાં ડિકૅથલૉન નામની 10 રમતોમાં વિજેતા બન્યા. હાઈસ્કૂલના સિનિયર વિદ્યાર્થી તરીકે તેઓ આ 10 રમતોની સ્પર્ધા પ્રથમ વાર શીખ્યા હતા અને તેમાં કોશિશ કરી જોવા તેમને સમજાવવા પડ્યા હતા. 1948ની ઑલિમ્પિક ડિકૅથલૉન રમતોની સ્પર્ધામાં વિજેતા બનીને વિશ્વસમસ્તને તેમણે આશ્ચર્યચકિત કરી મૂક્યું. સૌથી નાની વયે સુવર્ણચંદ્રક જીતનાર રમતવીર તરીકે આધુનિક ઑલિમ્પિક ઇતિહાસમાં તેમનું સ્થાન અનન્ય છે. આ સિદ્ધિ બદલ, વર્ષના અસામાન્ય ઍમેટર રમતવીર તરીકે તેમને તે વર્ષનો સલિવન ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

4 વર્ષ પછી તેઓ ફરીથી આ વિરલ ઑલિમ્પિક સુવર્ણચન્દ્રકના વિજેતા બન્યા; આ રમતમાં બે વાર વિજેતા બનનાર તેઓ એકમાત્ર ખેલાડી બની રહ્યા છે. 1952ની તેમની જીતમાં તેમણે ડિકૅથલૉનની રમત-સ્પર્ધામાં કુલ પૉઇન્ટનો વિશ્વવિક્રમ સ્થાપ્યો. 21 વર્ષની વયે તેઓ નિવૃત્ત થયા ત્યારે ડિકૅથલૉનની 10 સ્પર્ધાઓમાં તેઓ અજેય રહ્યા હતા.

તેમણે રિપબ્લિકન પક્ષ તરફથી અમેરિકાની સેનેટમાં સભ્ય તરીકે ઘણાં વર્ષો સેવા આપી તેમજ આંતરરાષ્ટ્રીય રમત-સ્પર્ધાઓમાં પ્રમુખના પ્રતિનિધિ તરીકે તેઓ હાજરી આપતા રહ્યા.

મહેશ ચોકસી