મેથડ ઍક્ટિંગ : જે પાત્ર ભજવવાનું હોય તેનાં આંતરિક વિચારો, લાગણીઓ તથા ભાવનાઓ વગેરેને આત્મસાત્ કરીને અભિનય કરવાની શૈલી. અભિનયની યાંત્રિક કે બહિર્મુખી પદ્ધતિ કરતાં આ તદ્દન ઊલટી શૈલી છે; યંત્રવત્ પદ્ધતિમાં ટૅકનિક પરનું પ્રભુત્વ સર્વોપરી મનાય છે.
વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં રશિયાના સ્તાનિસ્લૉવસ્કીએ ‘મેથડ ઍક્ટિંગ’નો પ્રારંભ તથા તેનો પુરસ્કાર કર્યો હતો; તેથી તેમના નામ પરથી આ શૈલી ‘સ્તાનિસ્લૉવસ્કી પદ્ધતિ’ તરીકે પણ ઓળખાય છે. 1930ના દાયકામાં ખાસ કરીને ‘અમેરિકન ગ્રૂપ થિયેટર’ના પ્રયાસોને કારણે અમેરિકામાં આ પદ્ધતિ ખૂબ લોકપ્રિય બની. આ થિયેટરના અગ્રણી સભ્યોમાં લી સ્ટ્રેસબર્ગ, જૉન ગાર્ફીલ્ડ, હૅરલ્ડ કલર્મૅન, લીજે, કૉબ, ઇલિયા કઝાન તથા સૅનફર્ડ મિસનર હતા. આ પદ્ધતિની તાલીમ પામેલા મહત્વના સમકાલીન અદાકારોમાં માલૉર્ન બ્રાન્ડો, મૉરીન સ્ટૅપલટન તથા ઇલી વાલેચ મુખ્ય છે.
મહેશ ચોકસી