મેઢ, સુકુમાર શ્યામલાલ (જ. 2 ઑક્ટોબર 1928, વારાણસી) : ગુજરાતના ખ્યાતનામ ભૂસ્તરવિદ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રણેતા. જન્મ ગુજરાતી નાગર કુટુંબમાં. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં 1948માં એમ.એસસી.ની પદવી મેળવી. 1951માં મ. સ. યુનિવર્સિટી, વડોદરા ખાતે સિવિલ ઇજનેરીમાં ઇજનેરી ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં અધ્યાપક તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1953માં તેમનાં લગ્ન જાણીતાં નૃત્યાંગના અંજલિ મેઢ સાથે થયેલાં. 1957ના ઑક્ટોબરમાં વડોદરા યુનિવર્સિટી તરફથી તેમને ડૉક્ટરેટના અભ્યાસ માટે ઇમ્પીરિયલ કૉલેજ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજી, લંડન ખાતે મોકલવામાં આવ્યા. સ્કૉટલૅન્ડના પ્રીકૅમ્બ્રિયન (મોઇનિયન) કાળના ખડકો પર સંશોધન કરી માત્ર અઢી વર્ષના ટૂંકા ગાળામાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. જૂન, 1960માં ભારત પાછા ફર્યા બાદ તરત જ તેમને વડોદરા યુનિવર્સિટીની વિજ્ઞાન વિદ્યાશાખામાં પૂર્ણ કક્ષાનો ભૂસ્તરવિજ્ઞાન વિભાગ શરૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી. 1963ના જૂનથી તેમને ભૂસ્તરશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે બઢતી મળી. 1972ના જૂનમાં માત્ર 44 વર્ષની વયે તેમને તે જ વિષયના વરિષ્ઠ પ્રાધ્યાપક બનાવવામાં આવ્યા. તેમના સૂઝભર્યા સક્ષમ માર્ગદર્શન હેઠળ આ વિભાગે શૈક્ષણિક અને સંશોધનક્ષેત્રે ભારતભરમાં વિશિષ્ટ પ્રતિષ્ઠા મેળવી છે. સ્નાતક અને અનુસ્નાતક શિક્ષણકાર્ય ઉપરાંત કુમાઉં અને નેપાળને આવરી લેતા હિમાલયના ભૂસ્તરીય સંશોધનક્ષેત્રે તેમણે લાંબા ગાળાનું આયોજન કરેલું.

પ્રાધ્યાપક મેઢનાં પ્રતિભાશાળી વ્યક્તિત્વ, નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ વિભાગે અનુસ્નાતક અધ્યાપન, સંશોધન તેમજ વ્યાવહારિક ભૂસ્તરશાસ્ત્રક્ષેત્રે ઝડપી વિકાસ સાધી, માત્ર પ્રતિષ્ઠિત શૈક્ષણિક મથક તરીકે જ નહિ, પરંતુ સમગ્ર ભારતમાં ભૂસ્તરીય ચતુર્થજીવયુગ અંગેના રાષ્ટ્રીય સંશોધનકેન્દ્ર તરીકે પોતાની વિશિષ્ટ ઓળખ પણ ઊભી કરી છે. આ બાબતનો બધો જ યશ તેમની દીર્ઘર્દષ્ટિ અને વિષય પ્રત્યેની સમર્પણભાવનાને ફાળે જાય છે.

સુકુમાર શ્યામલાલ મેઢ

ભૂસ્તરશાસ્ત્ર વિષયમાં અધ્યાપન અને સંશોધનક્ષેત્રે તેમણે આપેલા  ફાળાની કદર રૂપે ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી, ન્યૂ દિલ્હી; ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, બૅંગ્લોર (બૅંગાલુરુ) તથા નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ ઑવ્ ઇન્ડિયા, અલ્લાહાબાદ – એ ત્રણેય અકાદમીઓએ તેમને ફેલો બનાવીને અગ્રણી ભૂસ્તરશાસ્ત્રી તરીકેનું તેમનું ઉચિત સન્માન કર્યું છે. તેમની દોરવણી હેઠળ 46 વિદ્યાર્થીઓએ Ph.D.ની પદવી મેળવી છે; એટલું જ નહિ, પરંતુ તેમણે પોતે અસંખ્ય સંશોધનપત્રો પણ બહાર પાડ્યાં છે. નિવૃત્તિ બાદ પણ, છેલ્લાં દસ વર્ષ (1992–2001) દરમિયાન તેમનાં 25 જેટલાં સંશોધનપત્રો પ્રકાશિત થયાં છે. જિયૉલૉજિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા, બૅંગ્લોર તરફથી તેમનું ‘જિયૉલૉજી ઑવ્ ગુજરાત’ પુસ્તક 1995માં બહાર પડ્યું છે.

પ્રા. મેઢ દેશની ઘણી શૈક્ષણિક અને વ્યાવસાયિક સંસ્થાઓ સાથે પણ વિવિધ રીતે સંકળાયેલા રહ્યા છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિમાલયન જિયૉલૉજીના સંચાલક મંડળના અધ્યક્ષ, 1980માં કૉલકાતા ખાતે ભરાયેલી 67મી ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના ભૂસ્તર-ભૂગોળ વિભાગના પ્રમુખ, 1982માં વારાણસી ખાતે ભરાયેલી ચોથી ઇન્ડિયન જિયૉલૉજિકલ કૉંગ્રેસના પ્રમુખ તથા 1986માં સૂરત ખાતે ભરાયેલી 3જી ગુજરાત સાયન્સ કૉંગ્રેસના પ્રમુખ તરીકે તેઓ વરાયેલા હતા. 1987–1989ના સમયગાળા માટે તેઓ ‘ઇન્સા’ એટલે કે ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના સભ્યપદે વરાયેલા હતા. ઇન્સાએ દેશમાં ભૂવૈજ્ઞાનિક સંશોધનમાં જીવનભર આપેલા તેમના ફાળા માટે તેમને 2001નો ‘ડી. એન. વાડિયા ચંદ્રક’ એનાયત કર્યો છે.

1988માં નિવૃત્ત થયા બાદ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીએ તેઓ બીજાં ત્રણ વર્ષ માટે વડોદરા ખાતે રહીને સંશોધનપ્રવૃત્તિ કરી શકે તે ખાતર તેમને વરિષ્ઠ વૈજ્ઞાનિકનું સ્થાન બક્ષ્યું. આજે 86 વર્ષની વયે પણ તેઓ પ્રવૃત્ત છે. પશ્ચિમ ભારતનાં શુષ્ક અને અર્ધશુષ્ક ચતુર્થ જીવયુગનાં થાળાં પર ડિપાર્ટમેન્ટ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી-પ્રોત્સાહિત સંશોધનકાર્યક્રમનું તેમણે નેતૃત્વ કર્યું છે. ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી દ્વારા તેનાં પરિણામો મૉનોગ્રાફ રૂપે પ્રકાશિત કરવામાં આવેલાં. 1996થી 2000નાં પાંચ વર્ષ માટે ડિપાર્ટમેન્ટ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી દ્વારા મ. સ. યુનિવર્સિટીને સોંપાયેલા પ્રોજેક્ટ હેઠળ કચ્છ વિસ્તારની ભૂકંપીય પરિસ્થિતિ માટેની સંશોધક ટુકડીના સલાહકાર તરીકે તથા 1996–1999ના ગાળા માટે વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિમાલયન જિયૉલૉજીની સંશોધન સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. હાલ તેઓ ગુજરાતમાં સરસ્વતી નદીની સ્થળ-તપાસ સાથે સંકળાયેલા છે.

ગિરીશભાઈ પંડ્યા