મેટરનિક ક્લેમેન્સ (જ. 15 મે 1773, કૉબ્લેન્ઝ, જર્મની; અ. 11 જૂન 1859, વિયેના, ઑસ્ટ્રિયા) : ઓગણીસમી સદીના યુરોપનો મહાન મુત્સદ્દી અને વિચક્ષણ રાજપુરુષ. ઈ. સ. 1809થી 1848 સુધી એણે ઑસ્ટ્રિયાના વિદેશ પ્રધાન તરીકે કામ કર્યું હતું. ઑસ્ટ્રિયાના રાજાએ એને 1813માં ‘પ્રિન્સ’નો ઇલકાબ અને 1821માં ‘ચાન્સેલર’- (વડાપ્રધાન)નો હોદ્દો આપ્યો હતો. 1815થી 1848 સુધીના યુરોપના રાજકારણ ઉપર એણે પ્રગાઢ અસર કરી; તેથી એ સમયગાળાને યુરોપના ઇતિહાસમાં ‘મેટરનિક યુગ’ તરીકે ઓળખવામાં આવે છે.

મેટરનિક

એનું આખું નામ ક્લેમેન્સ વેન્ઝેલ નેપોમુક વૉન મેટરનિક હતું. એનો જન્મ એક ઉમરાવ કુટુંબમાં થયો હતો. અત્યારે એ ગામ જર્મનીમાં આવેલું છે. એ દેખાવમાં સુંદર અને આકર્ષક હતો. તેનું વ્યક્તિત્વ અને રીતભાત મોહક હતાં. તે વિદ્વાન, લેખક અને સારો વક્તા હતો. કેટલીક વાર મોટા રાજકીય નેતાઓ સાથે ભોજનના ટેબલ પર વાત કરી એ મહત્વના નિર્ણયો લેતો હતો.

15 વર્ષની વયે સ્ટ્રેસબર્ગ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો ત્યારથી તે ટોળાંઓનાં હિંસક વર્તનને ધિક્કારતો હતો. 1795માં તેણે ઑસ્ટ્રિયાના ચાન્સેલર પ્રિન્સ કોનિટ્ઝની પૌત્રી ઇલિયાનૉર સાથે લગ્ન કર્યાં. એ પછી તે ઝડપથી આગળ વધ્યો. સેક્સની, પ્રશિયા, રશિયા અને ફ્રાન્સમાં એણે ઑસ્ટ્રિયાના એલચી તરીકે કામગીરી બજાવી. નેપોલિયન સાથેના સંબંધો સુધારવા 1810માં એણે ઑસ્ટ્રિયાની રાજકુંવરી સાથે એનાં લગ્ન કરાવ્યાં હતાં.

મેટરનિક લોકશાહીનો વિરોધી તથા આપખુદ અને સંપૂર્ણ સત્તાવાળી રાજાશાહીનો ટેકેદાર હતો. વિયેના સંમેલનમાં એણે ક્રાંતિકારી વિચારસરણીને કચડી નાખી હતી. ફ્રાન્સ જેવી પ્રજાકીય ક્રાંતિ યુરોપના કોઈ પણ દેશમાં ન થાય અને થાય તો તેને તુરત જ દબાવી શકાય એ માટે એણે ઑસ્ટ્રિયા, પ્રશિયા, રશિયા, ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સના રાજાઓનો યુરોપીય સંઘ બનાવ્યો હતો; છતાં એ ક્રાંતિકારી પરિબળોને રોકી શક્યો નહિ. 1830માં યુરોપના કેટલાક દેશોમાં થયેલા પ્રજાકીય બળવાઓ નિષ્ફળ ગયા; પરંતુ 1848માં એ જ દેશોમાં સફળ લોકક્રાંતિઓ થઈ. ઑસ્ટ્રિયામાં ક્રાંતિ ન થાય એ માટે ત્યાંની પ્રજા પર તેણે ઘણા અંકુશો અને પ્રતિબંધો મૂક્યા હતા. બૌદ્ધિકોને ક્રાંતિકારી સાહિત્ય વાંચવાની પણ તેણે મનાઈ કરી હતી, આમ છતાં 1848માં ઑસ્ટ્રિયાની પ્રજાએ પણ સફળ ક્રાંતિ કરી મેટરનિકના રાજીનામાની માગણી કરી. તેથી મેટરનિક પોતાનો હોદ્દો છોડી દઈ ઇંગ્લૅન્ડ ગયો.

અનેક પ્રયત્નો કરવા છતાં એ ઑસ્ટ્રિયાની ક્રાંતિને રોકી શક્યો નહિ. એ માટે એ કહેતો હતો કે ‘‘આ દુનિયામાં કાં તો હું બહુ વહેલો આવ્યો છું અથવા બહુ મોડો આવ્યો છું. જો હું વહેલો જન્મ્યો હોત તો સમય સાથે રહીને સુખી થાત અને મોડો જન્મ્યો હોત તો પુનર્રચનાના કામમાં મદદરૂપ થાત.’’ 1851માં એ ઇંગ્લૅન્ડથી વિયેના પરત ગયો અને બાકીનું જીવન એણે નિવૃત્તિમાં વિતાવ્યું.

મુગટલાલ પોપટલાલ બાવીસી