મેટરલિંક, મૉરિસ (જ. 29 ઑગસ્ટ 1862, ઘેંટ, બેલ્જિયમ; અ. 6 મે 1949, નાઇસ, ફ્રાન્સ) : બેલ્જિયન કવિ અને નાટ્યકાર. પૂરું નામ મેટરલિંક કાઉન્ટ મૉરિસ (મૂરિસ) પૉલિડૉર મેરી બર્નાર્ડ.

ઘેંટ યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ. લયબદ્ધ ગદ્યમાં લખાયેલાં એમનાં નાટકો દેશવિદેશની રંગભૂમિ પર સફળ રીતે ભજવાયાં છે. પ્રતીકવાદી સાહિત્યસર્જનમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે. એમણે બહુધા ફ્રેન્ચ ભાષામાં લખ્યું છે; જોકે એમની કૃતિઓનાં ભાષાંતર અંગ્રેજી અને બીજી અનેક ભાષાઓમાં થયાં છે. ફ્રાન્સનાં સાહિત્યિક આંદોલનો અને પ્રવાહોથી સુપેરે પરિચિત એવા આ સર્જકના નામની પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંના સમયમાં, ભારે બોલબાલા હતી. પરિણામે 1911નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર એમને એનાયત થયો હતો. એમની પ્રતિભાનો મોટો પ્રભાવ નાટ્યક્ષેત્રે રહ્યો. એમના ‘યેલએ એત મેલિસાંદ’ (1892) પદ્યાત્મક ગદ્યનાટક પરથી દબુસીએ સંગીતરૂપક રચ્યું હતું. પ્રતીકવાદી નાટકના શિરમોર જેવી આ કૃતિની પશ્ચાદભૂમિકાનું સંગીત અત્યંત સંવેદનશીલ છે. પ્રેક્ષકગણ આજે પણ આ ઑપેરાને મન ભરીને માણે છે. આ પરીકથાની પાર્શ્વભૂમિકાની આસપાસનું વાતાવરણ ધૂંધળું (nebulous) છે. અહીં નિયતિનિર્મિત સર્વનાશને જોઈ રહેતાં મનની સ્થિતિ અને તેમાં પ્રગટ થતો ઘેરો વિષાદ વિશિષ્ટ ગદ્યશૈલીમાં પ્રગટ્યાં છે. ‘લા પ્રિન્સેસ માલેન’ (1889); ‘‘લ’ એંગ્યુસ’’ (ધી ઇન્ટ્રુડર), ‘લે આવેન્ગ્લે’ (ધ બ્લાઇન્ડ, 1894); ‘આઝલાવેન સેલીસેત’ (1896); ‘મોના વાના’ (1902); ‘લવાઝો બ્લે’ (ધ બ્લૂ બર્ડ, 1909) અને ‘લે બુરોમેસ્ત્રે દ સ્તીલમોદ’ (ધ બર્ગોમાસ્ટર ઑવ્ સ્ટિલમોંડ, 1918) નોંધપાત્ર નાટકો છે. દુનિયામાં સુખની શોધ માટે નીકળેલાં બાળકોનું આ નાટક ‘ધ બ્લૂ બર્ડ’ મૉસ્કો આર્ટ થિયેટરમાં સૌપ્રથમ ભજવાયું હતું. ડૉ. ભારતી સારાભાઈએ આ નાટકનું ‘નીલ પંખી’ નામે રૂપાંતર કરાવી રંગભૂમિ પર બાળકો દ્વારા રજૂ કરેલું. ‘ધ બર્ગોમાસ્ટર’ દેશાભિમાનનું નાટક છે, આમાં એક ભેજાગેપ નાઝી જર્મન અફસરની સત્તા નીચે કચડાતા લોકોના પ્રશ્નો છે.

મૉરિસ મેટરલિંક

એમનાં નાટકોમાં ફિલસૂફીભર્યો નિરાશાવાદ અને પ્રકૃતિજગત પરત્વે કૂણી લાગણી એકીસાથે દેખાય છે. શ્રદ્ધા હચમચી જાય ત્યારે પણ એમની વિચારધારા કોઈ પણ પ્રશ્નનો ઉકેલ લાવવા મથતી રહે છે. આત્માનું અમરત્વ, માણસ માણસ વચ્ચે અળગાપણાની ભાવના નેસ્તનાબૂદ કરવાની મથામણ અને જીવનમાં ઘટતી દુ:ખદ પરિસ્થિતિ માટે વ્યક્તિની પોતાની જવાબદારી વગેરે એમના ચિંતનના વિષયો છે. આવા પ્રશ્નોની રજૂઆત એમણે ‘લે ત્રેઝોર દે એંબ્લ’ (ધ ટ્રૅઝર ઑવ્ ધી અંબલ, 1897), ‘લા સાઝેસ એત લા દેસ્તીની’ (વિઝ્ડમ ઍન્ડ ડૅસ્ટિની, 1901) અને ‘‘લ’ એંતેલીઝાંસ દે ફ્લેર’’ (ધી ઇન્ટેલિજન્સ ઑવ્ ફ્લાવર્સ, 1907) જેવા નિબંધગ્રંથોમાં કરી છે. વળી ‘લા વિએ દે આબેઇ’ (‘ધ લાઇફ ઑવ્ ધ બી’, 1901); ‘લે વિએ દ ફુર્મી’ (‘ધ લાઇફ ઑવ્ ધી ઍન્ટ’, 1930); ‘લે વિએ દે તેર્મીતે’ (ધ લાઇફ ઑવ્ ટર્માઇટ્સ, 1927); ‘લા વિએ દ પેઝ’ (લાઇફ ઇન સ્પેસ, 1934 – આ પુસ્તકની પ્રેરણા એમને આઇન્સ્ટાઇન પાસેથી મળી હતી) એમના ખૂબ વંચાતા ફિલસૂફીના ગ્રંથો છે. ચુસ્ત રીતે આ વિજ્ઞાન કે પ્રાકૃતિક ઇતિહાસના ગ્રંથો નથી; પરંતુ એ માત્ર નીતિકથા કે પ્રાણીકથાઓ છે એમ પણ નહિ કહી શકાય. આ બધા માનવીય અભિગમ ધરાવતા વૈજ્ઞાનિક નિબંધો છે. તેમાં માનવજાત પોતાની માનવીય પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે છે તે બતાવવાનો લેખકનો હેતુ છે.

વિ. પ્ર. ત્રિવેદી