મેઝિની, જૉસેફ (જ. 22 જૂન 1805, જિનીવા, ઇટાલી; અ. 10 માર્ચ 1872, પીસા) : ઇટાલીનો મહાન ક્રાંતિકારી, દેશભક્ત અને આદર્શવાદી નેતા. ઇટાલીની એકતા સિદ્ધ કરવામાં એનો મહત્વનો ફાળો હતો. એનો જન્મ તબીબ-પરિવારમાં થયો હતો. એ અસાધારણ બુદ્ધિપ્રતિભા ધરાવતો હતો. સાહિત્યમાં રસ હોવાથી 15 વર્ષની વયમાં એણે યુરોપના મોટા સાહિત્યકારોની કૃતિઓ વાંચી લીધી હતી. નાની વયથી એ રાષ્ટ્રપ્રેમી હતો. ઇટાલી ઑસ્ટ્રિયાનું ગુલામ હતું. આ પરદેશી શાસન સામે વિરોધ દર્શાવવા એ કાળાં કપડાં પહેરતો હતો. જિનીવાની વિદ્યાપીઠમાં અભ્યાસ કરીને એણે કાયદાની ડિગ્રી મેળવી હતી. વિદ્યાર્થી-અવસ્થાથી જ એ માનતો હતો કે ઇટાલીએ વિકાસ સાધવો હોય તો પ્રથમ એણે ગુલામીમાંથી મુક્ત થવું જોઈએ.
મેઝિનીએ 1830માં કાર્બોનરી પક્ષના સભ્ય બનીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. એ પક્ષનો ઉદ્દેશ ઇટાલીની રાજકીય એકતા સિદ્ધ કરવાનો હતો. એ પછી 1832માં એણે ‘તરુણ ઇટાલી’ (Young Italy) નામના પક્ષની સ્થાપના કરી. એ રાજાશાહીનો વિરોધી હતો. એનું ધ્યેય ઇટાલીને સ્વતંત્ર બનાવી ત્યાં પ્રજાસત્તાક રાજ્ય સ્થાપવાનું હતું. એક રાજકીય નેતા અને ક્રાંતિકારી હોવા છતાં તેને ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા હતી. તેનું મુખ્ય સૂત્ર હતું ‘પ્રજા એ પરમેશ્વર’. એ કહેતો કે ‘પ્રજા એ પરમેશ્વરની પૃથ્વી પરની જીવંત પ્રતિમા છે અને વિશ્વનું જીવંતપણું એ પરમેશ્વરનું ર્દશ્ય સ્વરૂપ છે. ઈશ્વરનું અસ્તિત્વ છે, કારણ કે આપણું અસ્તિત્વ છે.’ એ જીવનમાં ધર્મ, નીતિ, સત્ય વગેરે સદગુણોનો આગ્રહી હતો.
એની ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કારણે ઇટાલીમાંથી તેને ઘણી વાર હદપાર કરવામાં આવતો ત્યારે તે ફ્રાન્સ, સ્વિટ્ઝર્લૅન્ડ કે ઇંગ્લૅન્ડમાં રહીને રાજકીય પ્રવૃત્તિઓ કરતો હતો. સાહિત્યને લગતા લેખો કે અવલોકનો પણ તે લખતો હતો. તેણે રોમમાં પ્રજાસત્તાકની સ્થાપનામાં મદદ કરી તથા એનો પ્રથમ પ્રમુખ બન્યો હતો. 1849માં ફ્રાન્સના સૈન્યે રોમ કબજે કરતાં ત્યાંથી છટકીને તે સ્વિટ્ઝર્લૅન્ડ અને પછી લંડન ગયો હતો. અંતે, સાર્ડિનિયાના રાજા વિક્ટર ઇમેન્યુઅલ બીજાની આગેવાની હેઠળ 1861માં ઇટાલીની આંશિક એકતા સિદ્ધ થઈ. ઇટાલીની એકતા માટે મહત્વની કામગીરી કરનાર લશ્કરી નેતા જૉસેફ ગૅરિબાલ્ડી મેઝિનીનો અનુયાયી હતો. મેઝિનીએ ઇટાલીની પ્રજામાં કરાવેલા કેટલાક બળવાઓ નિષ્ફળ જવા છતાં એણે પ્રજામાં જાગૃતિ અને જુસ્સો વધારવાનું કામ કર્યું હતું. તેનું અવસાન થયું એ પૂર્વે ઇટાલીની સંપૂર્ણ એકતા સિદ્ધ થઈ હતી.
મુગટલાલ પોપટલાલ બાવીસી