મેજુ (જ. અને અ. સત્તરમી સદીમાં, માણકોટ, હિમાચલ પ્રદેશ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. મેજુને માણકોટના રાજા ટિક્કા વિજય ઇન્દ્રસિંઘ તથા તેમના અવસાન પછી રાજા મહીપતદેવનો રાજ્યાશ્રય મળ્યો હતો.

ભાગવત પુરાણનાં ર્દશ્યોનાં; રાજા મહીપતદેવ તથા તેમના દરબારીઓ, યોદ્ધાઓ અને રાજગુરુઓનાં; સાધુઓ, યોગીઓ તથા ઋષિઓનાં તેમજ લગ્નોત્સુક વરરાજાનાં વ્યક્તિચિત્રો અને રાગમાળાનાં ચિત્રો મેજુએ સર્જ્યાં છે.

મેજુનાં વ્યક્તિચિત્રોમાં સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને વાસ્તવવાદી અભિગમ જોવા મળે છે. આજુબાજુ સપાટ રંગ પૂરીને મેજુ દર્શકની ર્દષ્ટિને માત્ર ચહેરા પર કેન્દ્રિત કરે છે. ચહેરામાંની તાકી રહેલી વિશાળ આંખોના ચિત્રણમાં મેજુની વિશિષ્ટતા છે. ભાગવત પુરાણનાં ર્દશ્યોમાં હૃષ્ટપુષ્ટ માનવશરીર, પટ્ટાદાર ઝભ્ભા, અને સપાટ (flat) રંગો જોવા મળે છે. વળી એમાં મોટેભાગે નિસર્ગના અણસાર વિનાની પશ્ચાદભૂ હોય છે.

મેજુનાં ચિત્રો હાલમાં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ, ચંડીગઢના ગવર્નમેન્ટ મ્યુઝિયમ, સ્વિટ્ઝર્લૅન્ડના મ્યુઝિયમ રીટબર્ગ (ઝ્યૂરિક), લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, અમદાવાદના એન. સી. મહેતા સંગ્રહ તથા લંડનના બૅરન ઍન્ડ બૅરનેટ જૉન બેખોફેન ફૉન એખ્ટ કલેક્શનમાં સંગ્રહાયેલાં છે.

અમિતાભ મડિયા