મેઘનાદ-વધ (1861) : બંગાળી કવિ માઇકલ મધુસૂદન દત્ત (1824–1873) દ્વારા 9 સર્ગોમાં રચાયેલું મહાકાવ્ય. આ મહાકાવ્યમાં રામાયણના લંકાકાંડની એક મહત્વની ઘટના કેન્દ્રમાં છે – રાવણના પુત્ર મેઘનાદનો લક્ષ્મણને હાથે વધ. સ્વાભાવિક રીતે જ તેની પૃષ્ઠ-ભૂમિ સુવર્ણલંકા છે, પરંતુ કવિએ એમાં સુવર્ણલંકાના ઉત્થાનની નહિ પણ પતનની કથા અત્યંત ઓજસ્વી શૈલીમાં આલેખી છે. આ મહાકાવ્યના નાયકપદે નથી રામ કે નથી લક્ષ્મણ. રાવણ આ મહાકાવ્યનો નાયક છે અને કરુણગર્ભિત વીર આ કાવ્યનો મુખ્ય રસ છે.
માઇકલ મધુસૂદન દત્તે યુરોપીય સાહિત્યનું જેમ ગહન અધ્યયન કર્યું હતું, તેમ સંસ્કૃતનું પણ. ‘મેઘનાદ વધ’ની રચનારીતિ પર હોમર, વર્જિલ, દાન્તે અને મિલ્ટન વગેરે યુરોપીય મહાકવિઓના પ્રભાવ છતાં, તેમાં ભારતીય કાવ્યશાસ્ત્રની પ્રણાલીઓનું પણ અનુસરણ છે. 14 અક્ષરનો બંગાળીમાં અત્યંત પ્રચલિત પયાર છંદ આ મહાકાવ્યમાં પ્રયોજાયો છે, પણ તે છંદને મિલ્ટનના બ્લૅન્ક વર્સના આદર્શ પ્રમાણે યતિના નિયમ તોડી પ્રાસરહિત અને પ્રવાહી બનાવ્યો છે. એ છંદ ‘અમિત્રાક્ષર’ (પ્રાસરહિત) તરીકે ઓળખાયો છે. તે મહાકાવ્યોચિત માધ્યમ બન્યાની પ્રતીતિ અહીં થાય છે. એ રીતે ‘મેઘનાદ-વધ’માં, તારાપદ મુખોપાધ્યાય કહે છે તેમ, મહાકાવ્યનો ઉદાત્તગંભીર સૂર ધ્વનિત થયો છે, જે મેઘની ગર્જના જેવો છે, સમુદ્રના કલ્લોલ જેવો છે, પ્રલયકાળની આંધી જેવો છે. રામ-રાવણના યુદ્ધમાં લંકાપક્ષે સેનાપતિપદે રહેલા રાવણપુત્ર વીરબાહુના વધ સાથે મહાકાવ્યનો આરંભ થાય છે અને નવમા સર્ગને અંતે મેઘનાદની અંત્યેષ્ટિ ક્રિયા સાથે તેની સમાપ્તિ થાય છે. માઇકલ દત્તના આ મહાકાવ્યની અન્ય રામાયણી કાવ્યોથી વિભિન્નતા એ છે કે અહીં રાવણ, મેઘનાદ, મંદોદરી, પ્રમીલા (મેઘનાદની પત્ની) વગેરે પાત્રો અત્યંત ઉજ્જ્વળ રીતે નિરૂપાયાં છે; જ્યારે રામ-લક્ષ્મણ લગભગ શ્રીહીન અને મ્લાન લાગે છે. કાવ્યનાયક રાવણ એક બાજુએ લંકાધિપતિ છે, લંકાવાસીઓનો ત્રાતા છે; બીજી બાજુએ તે એક પિતા છે, મંદોદરીનો પતિ અને પ્રમીલાનો શ્વશુર છે. એનું સમ્રાટરૂપ વીરરસનો ઉદ્રેક કરે છે, તો પિતારૂપ કરુણનો. રાવણ જેમ એના રાષ્ટ્રની નિયતિ (destiny) છે, તેમ એના પરિવારની પણ. લક્ષ્મણને હાથે મેઘનાદ ભલે હણાતો હોય પણ તે લક્ષ્મણની સરખામણીમાં વધારે તેજસ્વી લાગે છે; જાણે બીજો અભિમન્યુ ન હોય ! તેનો વધ ભાવકના મનમાં કરુણા જન્માવે છે. માઇકલની સીતા કરતાં પ્રમીલા વધુ ઉજ્જ્વળ છે.
માઇકલ દત્તને ઓગણીસમી સદીના ભારતીય પુનરુત્થાન-કાળ(રેનેસાં)માં રૂઢિજર્જર દેશ સામે જે વિદ્રોહનો સૂર પ્રગટ કરવો છે, તે મર્યાદાપુરુષોત્તમ રામ દ્વારા પ્રગટ ન થઈ શક્યો હોત. માઇકલનો રાવણ વિદ્રોહી છે, ભલે સ્વભાવે દાનવીર હોય. આ કાવ્યમાં રાવણ પાપનું પ્રતીક નથી જ. મિલ્ટનના ‘પૅરેડાઇઝ લૉસ્ટ’માં આરંભમાં સેતાન જે ઓજસ્વી છાપ મૂકી જાય છે, તેવી છાપ રાવણની ઊભરે છે. એ રીતે આ કાવ્યમાં સમકાલીન યુગબોધનું યોગ્ય પ્રતિબિંબ ઝિલાયું છે, એમ પ્રતીત થાય છે. રવીન્દ્રનાથ કહે છે તેમ, આ કાવ્યમાં એક વિદ્રોહ છે, કવિ પયાર છંદની બેડી તોડી નાખે છે અને રામરાવણના સંબંધમાં અનેક દિવસોથી ભાવકના મનમાં જે બાંધેલા ભાવો છે, તેનું હિંમતથી ખંડન કરે છે.
ભોળાભાઈ પટેલ