મેઘના (નદી) : બાંગલાદેશમાં આવેલો ગંગા-બ્રહ્મપુત્ર નદીઓથી રચાતા ત્રિકોણપ્રદેશનો જળપ્રવાહ. આ નામ સુરમા (બરાક) નદીનાં જળ તેમાં ભળ્યાં પછીના બ્રહ્મપુત્ર નદીના હેઠવાસ(ભૈરવ બજાર પછીના હેઠવાસ)ના પ્રવાહ માટે યોગ્ય રીતે અપાયેલું છે. પદ્મા (ગંગા) અને જુમના(બ્રહ્મપુત્ર)નાં જળ ચાંદપુર પાસે જ્યાં ભેગાં થાય છે, ત્યાંથી તે દક્ષિણ તરફ વહે છે અને ઢાકા તથા ચિતાગોંગ વિભાગો વચ્ચેની સરહદ રચે છે. આશરે 264 કિમી.નો તેનો પ્રવાહપથ પૂરો થયા પછી જ્યાં તે બંગાળના ઉપસાગરમાં ઠલવાય છે ત્યાં તેતુલિયા, શાહબાઝપુર, હાતિયા અને બામની નામના તેના ચાર મુખ્ય મુખભાગ રચાય છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં ઢાલેશ્વરી, ગુમટી અને ફેનીનો સમાવેશ થાય છે. ઘણી ઊંડી અને વેગવાળી આ મેઘના નદી અહીં ઘણીબધી ખાડીઓમાં તથા રેત-આડશોમાં ફેરવાઈ જાય છે. તે બારેય મહિના માટે નૌકા-અવરજવર માટે અનુકૂળ હોવા સાથે જોખમી પણ છે. આ નદીમાં ઊંચી ભરતી વખતે દરિયામાંથી 6 મીટર ઊંચાં મોજાં પ્રવેશીને તેના ઉપરવાસ તરફ લાંબા અંતર સુધી પહોંચે છે.

ગિરીશભાઈ પંડ્યા