મેઘરજ : ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસા વિભાગનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 30´ ઉ. અ. અને 73° 30´ પૂ. રે.ની આજુબાજુનો 545.3 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામાં મેઘરજ નગર અને 127 જેટલાં ગામડાં આવેલાં છે. તેની ઉત્તરે રાજસ્થાનની સરહદ, પૂર્વમાં પંચમહાલ જિલ્લો, દક્ષિણ તરફ માલપુર તાલુકો, પશ્ચિમે મોડાસા તાલુકો તથા વાયવ્યમાં ભિલોડા તાલુકો આવેલા છે. રાજસ્થાનની સરહદે આવેલો ઉત્તર અને પૂર્વ તરફનો ભાગ ડુંગરાળ અને જંગલોવાળો છે. અરવલ્લી પર્વતમાળાના નૈર્ઋત્ય છેડાના આ ડુંગરો છે. લગભગ સમગ્ર તાલુકામાં વિશેષ કરીને ઈશાન ભાગમાં ડુંગરોની હારમાળા અને ઊંડી ખીણો આવેલી છે. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી નીકળતી વાત્રક નદી આ તાલુકામાંથી પસાર થાય છે. તે મેઘરજ તાલુકાના મોયડી ગામ નજીક પ્રવેશે છે, નૈર્ઋત્ય તરફ વહે છે અને મેઘરજ તાલુકાના મધ્યભાગમાં થઈને માલપુર તાલુકામાં પ્રવેશે છે. તેના કાંઠે મોટી મોરી, જીતપુર, રેલયો, મેઘરજ, બાંઠીવાડા, સિસોદરા અને વિશલ ગામો આવેલાં છે.  ઉનાળા અને શિયાળાનાં તેનાં ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 41°થી 44° સે. અને 8°થી 10° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 800 મિમી. જેટલો પડે છે.

મેઘરજ તાલુકાની 54,496 હેક્ટર જમીન પૈકી 10,001 હેક્ટર જમીનમાં જંગલો અને 2,912 હેક્ટર જમીનમાં ગૌચર આવેલાં છે. વાવેતર માટેનો કુલ વિસ્તાર 37,471 હોવા છતાં વર્ષમાં એકથી વધુ વાર વાવેતર હેઠળ લેવાતો વિસ્તાર તો માત્ર 4,300 હેક્ટર જ છે; બાકીની જમીન ઉજ્જડ, પડતર રહે છે તેમજ તે પૈકીની કેટલીક જમીન અન્ય ઉપયોગમાં લેવાય છે. વાવેતરયોગ્ય 78 % જમીનમાં સિંચાઈ કૂવાઓ મારફતે થાય છે. અહીં લેવાતા મુખ્ય ખાદ્ય કૃષિપાકો ઘઉં, જુવાર, બાજરી અને મકાઈ છે. વરસાદના પ્રમાણ મુજબ તેમાં વધઘટ થાય છે. આ ઉપરાંત તુવેર, મગ અને અડદનું વાવેતર પણ કરવામાં આવે છે. 22 % જમીનમાં અખાદ્ય પાકોનું તેમજ ફળ, ફૂલ, શાકભાજીનું વાવેતર થાય છે. મુખ્ય પશુધનમાં ગાય, ભેંસ, બળદ અને બકરાંનો તથા અન્ય પશુઓમાં થોડા પ્રમાણમાં ઘેટાં, ઊંટ, ઘોડા અને ગધેડાંનો સમાવેશ થાય છે. આદિવાસીઓ અને મુસલમાનો મરઘાંઉછેર કરે છે.

મેઘરજ જંગલવાળો વિસ્તાર હોઈ અહીં લાકડાની લાટીઓ, તેને વહેરવાના બેન્શૉ તથા લાકડાં આધારિત ઉદ્યોગો છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આ તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તકના 295 કિમી.ના પાકા અને કાચા રસ્તાઓ છે. નજીકમાં નજીકનું રેલમથક તલોદ મેઘરજથી 72 કિમી. દૂર છે. અહીં શાળા વિનાનું એક પણ ગામ નથી. મેઘરજમાં તાર-ટપાલની અને અન્ય ગામોમાં ટપાલ-કચેરીની સગવડ છે. તાલુકામાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. આ ઉપરાંત બાલવાડીઓ તથા વરથલી અને ઈસરી ખાતે છાત્રાલય સહિતની આશ્રમશાળાઓ આવેલી છે. સાક્ષરી વિષયો સાથે ખેતીનો વિષય પણ શીખવાય છે.

નગર : મેઘરજ વાત્રક નદીને કાંઠે 23° 30´ ઉ. અ. અને 73° 31´ પૂ. રે. પર વસેલું છે. તે મોડાસાથી 24 કિમી. અને રેલમથક–વેપારીમથક તલોદથી પૂર્વ તરફ 72 કિમી. દૂર આવેલું છે. સ્ત્રીપુરુષોનું પ્રમાણ લગભગ સરખું છે. દર હજાર પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ 932 જેટલું છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 70 % જેટલું છે. અહીંના આદિવાસીઓ ભીલી બોલી બોલે છે.

મેઘરજ તાલુકામથક હોવાથી આજુબાજુનાં ગામોનું વેપારી મથક પણ છે. અહીં ઘઉં, મગફળી, રૂ, ડાંગર, બાજરી, મકાઈ, કઠોળનો જથ્થાબંધ વેપાર ચાલે છે. તાલુકામાં આવેલી ત્રણ વાણિજ્ય અને ચાર સહકારી બૅંકો પૈકી ચાર જેટલી બૅંકો મેઘરજમાં આવેલી છે. ખરીદ-વેચાણ સંઘ મારફતે ખેડૂતોને ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ પૂરી પડાય છે. ખેતી સહકારી મંડળીઓ પણ છે. વળી માર્કેટયાર્ડનાં ગોદામો પણ છે. એક બીજફાર્મ છે, તે શુદ્ધ બિયારણનું વેચાણ કરે છે. મેઘરજ તાલુકામથક હોઈ વિવિધ સરકારી કચેરીઓ, પોસ્ટ-ટેલિગ્રાફ-ઑફિસ અને આરોગ્ય-કેન્દ્રની સુવિધા છે. મેઘરજ ખાતે પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલ, બાલમંદિર, પ્રૌઢશિક્ષણનાં કેન્દ્રો અને પુસ્તકાલયની સગવડ પણ છે. નજીકનાં કસાણા ગામમાં સર્વોદય કાર્યકર શ્રી વલ્લભદાસ દોશી ત્રણેક દાયકાથી આદિવાસી વિસ્તારમાં સમાજસેવા અને શિક્ષણની પ્રવૃત્તિ ચલાવે છે.

શિવપ્રસાદ રાજગોર