મેકનામેરા, ફ્રૅન્ક (જ. 1917; અ. 1957) : અમેરિકાના વેપારી અને નવવિચારના પ્રણેતા. અમેરિકામાં 1920ના દશકાથી ગ્રાહકોને વ્યક્તિગત વેપારીઓ તરફથી ક્રેડિટ કાર્ડ આપવાની પ્રથા હતી. એક વખત એવું બન્યું કે એક રેસ્ટોરાંમાં તેઓ ગયા ત્યારે તેમની પાસે બિલ ચૂકવવાનાં નાણાં ન હતાં. ત્યારે તેમને આવાં નાનાં નાનાં વેપાર-મથકોમાં ક્રેડિટ કાર્ડની પ્રથા શરૂ કરવાનો વિચાર સ્ફુર્યો.
તે મૅનહટનની 27 જેટલી રેસ્ટોરાંને પોતાની યોજનામાં જોડાવા સમજાવી શક્યા અને 1950માં, અત્યારે ખૂબ જાણીતી બનેલી ‘ડાઇનર્સ ક્લબ કાર્ડ’ પ્રથાનો પ્રારંભ થયો અને પ્રથમ વર્ષે જ તેના 42,000 સભ્યો બન્યા. આ રીતે ક્રેડિટ કાર્ડના વિશ્વપ્રચલિત વ્યવસાયનો સૌપ્રથમ આરંભ કરવામાં તેઓ નિમિત્ત થયા હતા.
મહેશ ચોકસી