મૅકનામેરા, રૉબર્ટ સ્ટ્રેન્જ

February, 2002

મૅકનામેરા, રૉબર્ટ સ્ટ્રેન્જ (જ. 7 જૂન, 1916, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 6 જુલાઈ 2007 વૉશિંગ્ટન ડી.સી. યુ.એસ.) : ડેમૉક્રૅટિક પક્ષના રાજકારણી. 1943–46 દરમિયાન હવાઈ દળમાં સેવા બજાવી. પછી તેઓ ફૉર્ડ મૉટર કંપનીમાં જોડાયા અને ઉત્તરોત્તર પ્રગતિ સાધી. 1960માં તે કંપનીના પ્રમુખ બન્યા. 1961માં કેનેડીના વહીવટી તંત્રમાં સંરક્ષણમંત્રી (ડિફેન્સ-સેક્રેટરી) તરીકે જોડાયા અને વિશેષ તો વિયેટનામના યુદ્ધ સાથે તેઓ સંકળાયેલા રહ્યા.

1968માં વિશ્વ બૅંકના પ્રમુખ તરીકે જોડાવા માટે તેમણે વહીવટી તંત્રમાંથી રાજીનામું આપ્યું; 1981 સુધી તે પદનો તેમણે કાર્યભાર સંભાળ્યો. 1980ના દસકામાં તેઓ અણુશસ્ત્રોની સ્પર્ધાના પ્રખર ટીકાકાર તરીકે અગ્રેસર બની રહ્યા. તેમનાં પુસ્તકોમાં ‘બ્લન્ડરિંગ ઇનટુ ડિઝાસ્ટર’ (1987) તથા ‘ઇન રિટ્રોસ્પેક્ટ : ધ ટ્રૅજેડી ઍન્ડ લેસન્સ ઑવ્ વિયેટનામ’ (1951) મુખ્ય છે.

મહેશ ચોકસી