મેકણદાદા (જ. આશરે 1664, ખોંભડી, તા. નખત્રાણા; અ. 10 ઑક્ટોબર, 1729, ધ્રંગ, તા. ભુજ) : કચ્છમાં નાથયોગીઓની પરંપરાના કાપડી પંથના માનવતાવાદી સંત. મૂળ નામ મોકાજી. પિતા હરધોળજી ખોઁભડીના ભાટી રાજપૂત. નાનપણથી વૈરાગ્યવૃત્તિના મોકાજીને સંસાર પ્રત્યે વિતૃષ્ણા જાગતાં સત્યશોધન માટે ઘર છોડ્યું. ગાંગોજી નામે કાપડી સંત પાસે દીક્ષા લેતાં ‘મેકરણ’ નામ પામ્યા. હિંગળાજ માતાની યાત્રા નિમિત્તે ભ્રમણ કરતાં જીવન અને જગતને સૂક્ષ્મપણે જોયાં, સમજ્યાં અને આર્ત માનવોના સેવક બનવા નિર્ધાર કર્યો. કચ્છના રણની કાંધ પર ધ્રંગમાં તેમણે ડેરો નાખ્યો. તેમની પાસે આવતા લોકોમાં ભૂખ્યાને રોટી, તરસ્યાને પાણી અને દુ:ખીઓને આશ્રય તથા દિલાસો મળતાં, કચ્છમાં તેમની સેવાપરાયણતા અને જ્ઞાનનો ડંકો વાગવા લાગ્યો. તત્કાલીન કચ્છનરેશ દેશળજી પહેલાએ તેમને પોતાના ગુરુ ગણ્યા હતા. કહેવાય છે કે મેકણદાદાએ મોતિયો નામે કૂતરો અને લાલિયો નામે ગધેડાને પાળીને તેમને માનવસેવાના ઉમદા કાર્યમાં પ્રયોજ્યા હતા. દરરોજ સવારે ગધેડાના છાલકામાં પાણીનાં માટલાં ગોઠવી દેવામાં આવતાં. ત્યારપછી લાલિયો અને મોતિયો બંનેને કચ્છના રણપ્રદેશમાં મોકલવામાં આવતા. મોતિયો રણમાં ભૂલા પડેલા અને ભટકી પડેલા લોકોને, તરસથી વ્યાકુળ બનેલા લોકોને શોધી કાઢી તેમને પાણી સુલભ કરી આપતો. આવા લોકો લાલિયાની પીઠ પર મૂકેલ પાણી પીને સુખેથી ધ્રંગ પહોંચી જતા. આવા સેવાપરાયણ સંતે વિ. સં. 1786ના આસો વદ 14(10 ઑક્ટોબર, 1730 ને  શુક્રવાર)ના રોજ ધ્રંગમાં સમાધિ લીધી, જેનાં દર્શન આજે પણ તેમની જગ્યામાં થાય છે.

કચ્છની સંતપરંપરાના રત્ન સમાન મેકણદાદા આર્ત માનવોના સેવક હોવા ઉપરાંત બાહ્યાડંબરો અને કર્મકાંડના વિરોધી હતા. સમાજમાં વ્યાપેલ દંભ અને ઊંચનીચના ભેદભાવની તેઓ ભર્ત્સના કરતા, અંધવિશ્વાસો અને ધર્માંધતાની નિંદા કરતા, હંમેશાં સાત્ત્વિક જીવન જીવવાની હિમાયત કરતા અને આચારમાં શુચિતા તેમજ વિચારમાં વિવેકના મહત્વ પર ભાર મૂકતા. સંતપરંપરાની આ બધી  વિશેષતાઓ તેમનામાં મૂર્તિમંત થઈ હતી. ધાર્મિક ભેદભાવોની વ્યર્થતા, માનવજીવનમાં સેવાવ્રતની આવશ્યકતા, યોગસાધના, રહસ્યવાદ જેવા વિષયોનું નિરૂપણ તેમની વાણીમાં મળે છે.

મેકણ કબીરની જેમ નિર્ગુણમાર્ગી સંત હતા. તેઓ કહેતા કે જો જીવનની અસારતા અને મૃત્યુની અનિવાર્યતા સમજી લેવાય તો જગતની અધિકાંશ ખેંચતાણ ઓછી થઈ જાય. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સાકરની જેમ મધુર બનીને જીવીએ. કોઈના પ્રત્યે ભેદભાવ ન રાખવો અને સેવાપરાયણ જીવન જીવવું, રામનામનું સતત સ્મરણ કરવું, જગતથી પલાયન કરીને નહિ, પણ જગતમાં રહીને જનસેવાની સાથે સાથે પ્રભુ પ્રાપ્ત કરી શકાય છે. આ બાબતનું તેમણે પોતાના જીવન દ્વારા ર્દષ્ટાંત પૂરું પાડ્યું.

દાદા મેકણે પોતાને મછંદરનાથના પુત્ર કહ્યા છે (મેકા બેટા મછંદરકા), તે પરથી તેઓ નાથપરંપરામાં હોવાનું પ્રતીત થાય છે. કચ્છના ધીણોધરના ડુંગર પર ધોરમનાથ(ગોરખનાથ)ની ધૂણી છે અને પરંપરા મુજબ કાનફટ્ટા યોગીઓના સંપ્રદાયનો પ્રારંભ અહીંથી થયો હતો. દાદા મેકણ આ સુદીર્ઘ પરંપરાના અનુયાયી હતા. જોકે મેકણદાદા પ્રત્યેની ભક્તિ અને અવતારવાદમાં આસ્થાને લઈને ભાવિક લોકોએ આ નિર્ગુણવાદી સંતને લક્ષ્મણના અવતાર માની લીધા છે.

પ્રવીણચંદ્ર પરીખ