મૅરિયેટ, ઑગસ્ટ (જ. 11 ફેબ્રુઆરી 1821; અ. 19 જાન્યુઆરી 1881) : ઇજિપ્તવિદ્યાના ફ્રેન્ચ નિષ્ણાત. કૅરો ખાતેના નૅશનલ મ્યુઝિયમની સ્થાપના(1859)ના આદ્ય પ્રણેતા. 1840ના દાયકા દરમિયાન તેમણે વૉલૉવ કૉલેજ ખાતે શિક્ષણ મેળવ્યું અને ત્યાં જ અધ્યાપન કર્યું; એ કામગીરી દરમિયાન જ તેમને ઇજિપ્તવિદ્યામાં ઊંડો રસ જાગ્યો. તેમણે જાતે જ ચિત્રલિપિ (hieroglyph) શીખી લીધી અને કૉપ્ટિક ભાષાનો અભ્યાસ પણ કર્યો. 1850માં તેમને પ્રાચીન હસ્તપ્રતો એકત્રિત કરવાની સરકારી કામગીરી માટે મોકલવામાં આવ્યા. સ્કારા ખાતેના ઉત્ખનન દરમિયાન તેમણે સ્ફિંક્સનો લાંબો માર્ગ શોધી કાઢ્યો. 1854થી 1858 દરમિયાન તેમણે લૂવ્ર મ્યુઝિયમના ઇજિપ્શિયન વિભાગના ક્યુરેટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ત્યારબાદ તેમણે ઇજિપ્ત ખાતે પુરાતત્વવિષયક કામગીરી શરૂ કરી. વર્દીની ‘ઐડા’ નામની જાણીતી ઑપેરા જેના આધારે રચાયેલી તે કથાના સર્જક તરીકેનું બહુમાન પણ તેઓ પામ્યા હતા.
મહેશ ચોકસી