મૅરિનર (અંતરીક્ષયાન શ્રેણી) : શુક્ર, મંગળ અને બુધ ગ્રહોનું નજીકથી અન્વેષણ કરવા તથા આંતરગ્રહીય અંતરીક્ષના અભ્યાસ માટે અમેરિકન અંતરીક્ષયાનોની શ્રેણીનું કોઈ પણ યાન.
સારણી
અંતરીક્ષયાન | પ્રક્ષેપન-તારીખ | મુખ્ય ઉદ્દેશ/નોંધ |
મૅરિનર – 1 | જુલાઈ 22, 1962 | શુક્રનું અન્વેષણ પ્રક્ષેપણ નિષ્ફળ |
મૅરિનર – 2 | ઑગસ્ટ 26, 1962 | શુક્રનું અન્વેષણ |
મૅરિનર – 3 | નવેમ્બર 5, 1964 | મંગળનું અન્વેષણ, રેડિયો સંપર્ક કપાઈ જવાથી નિષ્ફળ |
મૅરિનર – 4 | નવેમ્બર 28, 1964 | મંગળનું અન્વેષણ |
મૅરિનર – 5 | જૂન 14, 1967 | શુક્રનું અન્વેષણ |
મૅરિનર – 6 | ફેબ્રુઆરી 25, 1969 | મંગળનું અન્વેષણ |
મૅરિનર – 7 | માર્ચ 27, 1969 | મંગળનું અન્વેષણ |
મૅરિનર – 8 | મે 8, 1971 | પ્રક્ષેપણ નિષ્ફળ |
મૅરિનર – 9 | મે 30, 1971 | મંગળની કક્ષામાં મૂકવામાં આવ્યું |
મૅરિનર – 10 | નવેમ્બર 3, 1973 | શુક્ર અને બુધ ગ્રહોનું અન્વેષણ |
મૅરિનર–2 (1962) શુક્રથી 13,700 કિમી. દૂરથી પસાર થયું હતું અને તેના દ્વારા શુક્રના વાતાવરણનાં ઘનતા અને તાપમાન માપવામાં આવ્યાં હતાં. વળી તેના દ્વારા જ આંતરગ્રહીય અંતરીક્ષમાં સૌપ્રથમ સૌર-પવન(solar wind)નાં અવલોકનો મળ્યાં હતાં. મૅરિનર–4 (1965) મંગળ ગ્રહનાં વાતાવરણનાં તાપમાન અને ઘનતાનાં અવલોકનો મોકલનારું પ્રથમ અંતરીક્ષયાન હતું. તેના ટેલિવિઝન કૅમેરા દ્વારા મળેલાં ચિત્રોમાં મંગળની સપાટી પરના ગર્ત જોવા મળ્યા હતા. મૅરિનર–5 (1967) દ્વારા શુક્રનાં વધારે અવલોકનો મળ્યાં હતાં. મૅરિનર–6 અને 7 (1969) તથા મૅરિનર–9 (1971–1972)ની મદદથી મંગળની સપાટીની ઘણી તસવીરો મળી હતી તથા તેના વાતાવરણનાં અવલોકનો લેવામાં આવ્યાં હતાં. મૅરિનર–9 પ્રથમ અંતરીક્ષયાન હતું, જેને અન્ય ગ્રહ–મંગળ–ની પ્રદક્ષિણા માટેની કક્ષામાં મૂકવામાં આવ્યું હોય. તેના દ્વારા એક વર્ષ સુધી મંગળની સપાટીની ઘણી તસવીરો મળી હતી. અંતરીક્ષ-અન્વેષણના ઇતિહાસમાં મૅરિનર–10 (1973–1975) પ્રથમ યાન હતું, જેની મદદથી બે ગ્રહો – શુક્ર અને બુધ – વિશે માહિતી મળી હતી. તેને સૂર્યની પ્રદક્ષિણા માટેની કક્ષામાં મૂકવામાં આવ્યું હતું, જેમાં તે પ્રથમ શુક્રની નજીકથી પસાર થયું હતું અને ત્યારબાદ તે ત્રણ વખત બુધ ગ્રહની નજીકથી પસાર થયું હતું. ત્રીજી વખત તે બુધથી ફક્ત 320 કિમી. જેટલા ઓછા અંતરેથી પસાર થયું હતું અને અત્યંત નજીકથી બુધની સપાટીની તસવીરો મેળવી આપી હતી. એ સાથે તેના વાતાવરણ અને ચુંબકીય ક્ષેત્ર વિશેની ઘણી માહિતી પણ તેણે પૂરી પાડી હતી.
પરંતપ પાઠક