મૅફી, ફ્રાન્સેસ્કો સ્કિપિયૉન (જ. 1 જૂન 1675, વેરૉના, વેનિસ પ્રજાસત્તાક; અ. 11 ફેબ્રુઆરી 1755, વેરૉના) : ઇટાલીના નાટ્યકાર, પુરાતત્વવિજ્ઞાની અને વિદ્વાન. તેમણે પદ્ય-બંધમાં રચેલી ટ્રૅજેડી ‘મૅરોવ’માં ગ્રીક તથા ફ્રેંચ પ્રશિષ્ટ કૃતિઓની સરળતા–સાદગી પ્રયોજવાનો નવતર પ્રયાસ કર્યો. તેના પરિણામે વિત્તોરિયો ઍલફેરીની નાટ્યાત્મક ટ્રૅજેડી જેવી કૃતિઓ તેમજ પીત્રો મૅતેસ્તૅસિયોની સંગીતનાટિકાઓની રચનાઓનો માર્ગ મોકળો થયો.
તેમણે પ્રાગ તથા રોમ ખાતે અભ્યાસ કર્યો; પછી સ્પૅનિશ વારસદાર માટેના યુદ્ધમાં ભાગ લીધો. 1710માં તેમણે અન્ય મિત્રોના સહયોગથી એક પ્રભાવક સાહિત્યિક સામયિકનો પ્રારંભ કરી ઇટાલિયન નાટકની સુધારણા માટેના જોશીલા વિચારો રજૂ કર્યા. તેમના પોતાના જ પછીથી શરૂ કરાયેલા સામયિકે આ ઝુંબેશ સાતત્યપૂર્વક ચાલુ રાખી.
તેમણે રચેલી કાવ્યમય ટ્રૅજેડી ‘મૅરોવ’ 1713માં પ્રગટ થઈ અને ભજવાઈ (અંગ્રેજી આવૃત્તિ, 1740) અને તેને અસાધારણ સફળતા મળી. ગ્રીક પુરાણકથા તથા યૂરિપિડીઝના નાટક તેમજ ફ્રેંચ પ્રશિષ્ટ સાહિત્ય પર આધારિત હોવાથી, ઇટાલિયન ટ્રૅજેડીમાં પછીથી થયેલી સુધારણામાં આ રચનાએ નિર્ણાયક ફાળો આપ્યો.
મૅફીએ અનેક વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો, સંગીત-નાટ્ય રચનાઓ, પ્રાસંગિક કાવ્યો લખ્યાં તેમજ ‘ઇલિયડ’ ‘ઈનિડ’ તથા અનેક નાટકોનું ભાષાંતર કર્યું; પણ પદ્ય-ટ્રૅજેડી ઉપરાંત તેમની બીજી મહત્વની રચના તે તેમના વતન વેરૉનાના ઇતિહાસના મૂલ્યવાન દસ્તાવેજ સમું પુસ્તક ‘એ કમ્પ્લીટ હિસ્ટરી ઑવ્ ધી એન્શન્ટ ઍમ્ફિથિયેટર, ઍન્ડ ઇન પર્ટિક્યુલર ધૅટ ઑવ્ વેરૉના’ (1730).
મહેશ ચોકસી