મૅન્લી, માઇકલ (નૉર્મન)

February, 2002

મૅન્લી, માઇકલ (નૉર્મન) (જ. 10 ડિસેમ્બર 1924, જમૈકા; અ. 6 માર્ચ 1997, કિંગસ્ટન, જમૈકા) : જમૈકાના રાજકારણી તથા 1972થી 1980 તથા 1989થી 1992ના ગાળા દરમિયાન જમૈકાના વડાપ્રધાન. તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ખાતે અભ્યાસ કર્યો અને તે પછી થોડો વખત પત્રકાર તરીકે કામ કર્યું. તે પછી તેઓ જમૈકા પાછા આવ્યા અને 1950ના દાયકામાં નૅશનલ વર્કર્સ યુનિયનના નેતા બન્યા. 1962થી 1967 દરમિયાન તેઓ સેનેટના સભ્યપદે રહ્યા અને તે પછી હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝમાં ચૂંટાયા  અને 1969માં પીપલ્સ નૅશનલ પાર્ટીના નેતા બન્યા.

વડાપ્રધાન તરીકે તેમણે ઉદ્દામવાદી સમાજવાદી કાર્યક્રમ અમલમાં મૂક્યો અને અમેરિકા સાથેના સંબંધોમાં તંગદિલી હળવી કરી. બેરોજગારી વધતી જતી હોવા છતાં 1976માં તેઓ ફરીથી ચૂંટાયા હતા. પછી 1980 અને 1983માં તેમની હાર થઈ હતી અને વળી 1989માં તેઓ ફરીથી સત્તા પર આવ્યા હતા. એ પછી 1992માં તેમના સ્થાને પર્સિવલ પૅટર્સન આવ્યા હતા.

મહેશ ચોકસી