મૅન્લી, નૉર્મન વૉશિંગ્ટન

February, 2002

મૅન્લી, નૉર્મન વૉશિંગ્ટન (જ. 4 જુલાઈ 1893, જમૈકા; અ. 2 સપ્ટેમ્બર 1969, જમૈકા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ધારાશાસ્ત્રી. જમૈકાના આઝાદીના ઘડવૈયા અને ત્યાંના વડાપ્રધાન. આ મૅન્લી-પરિવાર બે પેઢીથી જમૈકાને રાજકીય નેતૃત્વ પૂરું પાડે છે. જીવનનાં પ્રારંભિક વર્ષોમાં તેમણે નિર્ધનતાને કારણે લાકડાની લાટીમાં કામ કર્યું. આ દરમિયાન દેશના જનસાધારણને સમજવાની તક લીધી. તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીને કારણે શરૂઆતમાં તેમણે જમૈકા કૉલેજમાં અભ્યાસ કર્યો. 1914માં તેમને રહોડ્ઝ શિષ્યવૃત્તિ મળતાં ઑક્સફર્ડ જઈ કાયદાની વિદ્યાશાખાનો અભ્યાસ કર્યો. આ દરમિયાન જાતિભેદના કડવા અનુભવોએ તેમના જાતિભેદ-વિરોધી વિચારોને સમર્થન પૂરું પાડ્યું. 1915માં તેઓ રૉયલ ફીલ્ડ આર્ટિલરીમાં જોડાયા અને 1919માં ઑક્સફર્ડ પાછા ફર્યા. 1921માં ત્યાંના વકીલમંડળમાં જોડાયા; પરંતુ 1922માં તેઓ જમૈકા પાછા ફર્યા. અહીં ધારાશાસ્ત્રી તરીકે કારકિર્દી આરંભી અને ટૂંકા ગાળામાં વિખ્યાત બન્યા. 1920 અને ’30માં દેશની આર્થિક બેહાલી નજરોનજર નિહાળી, જે તેમને જાહેર સેવાના ક્ષેત્રમાં ખેંચી લાવી. દેશની પ્રથમ અને વિસ્તૃત સહકારી મંડળીની રચનામાં તેમણે ભારે રસ લીધો અને જમૈકામાં નમૂનેદાર બનાના ગ્રોઅર્સ ઍસોસિયેશનની રચના કરી. આ સંગઠને અમેરિકાની અને બ્રિટનની માલિકીનાં ફળ-સંગઠનો માટે ભારે પડકાર સર્જ્યો. પરિણામે, જમૈકાના સહકારી સંગઠનને લાભદાયી નીવડે તેવો ફળ-પેદાશો અંગેનો કરાર અમેરિકા અને બ્રિટન સાથે થયો. આ સંગઠનના સમાજ-કલ્યાણ ફંડનો વહીવટ તેમણે સર્જેલી સંસ્થા – જમૈકા વેલફેર–ને સોંપવામાં આવ્યો. આ કાર્યના અનુસંધાન રૂપે તેમણે જમૈકાના સામાજિક વિકાસ માટેનાં પાયાનાં કાર્યો હાથ ધર્યાં. આ કાર્યો દ્વારા તેમને પ્રતીતિ થઈ કે મૂળભૂત સામાજિક પરિવર્તન માટે રાજકીય નિશ્ચયાત્મકતા આવશ્યક છે, જેનું પરિણામ હતું પીપલ્સ નૅશનલ પાર્ટીની રચના. 1938માં સ્થપાયેલા આ પક્ષે સ્વશાસન અને મતાધિકાર માટે સંપત્તિનો માપદંડ દૂર કરવા ભારે સંઘર્ષ કર્યો. આ પ્રવૃત્તિને અને તે સાથે મૅન્લીને જનસાધારણનાં વ્યાપક આવકાર અને સમર્થન સાંપડ્યાં. આથી તેમનો રાજકીય પક્ષ મજબૂત બન્યો. તે સાથે જમૈકામાં સુસંગઠિત રાજકારણનો પાયો નંખાયો. ક્રમશ: તેમણે સ્વાતંત્ર્ય માટે આવશ્યક એવી વહીવટી અને નાણાકીય સંસ્થાઓની રચના કરી. જમૈકાના રાજકારણમાં દસકાઓ સુધી તેમનું પ્રભુત્વ રહ્યું.

નૉર્મન વૉશિંગ્ટન મૅન્લી

જમૈકા બ્રિટિશ સંસ્થાન હતું અને તેને આઝાદ કરવાની વાટાઘાટો ચાલતી હતી ત્યારે 1955થી 1959નાં વર્ષોમાં તેઓ જમૈકાના મુખ્ય પ્રધાન બન્યા. 1963માં જમૈકા સ્વતંત્ર દેશ બન્યો ત્યારે તેઓ વિરોધપક્ષના નેતા હતા અને પછીથી વડાપ્રધાન ચૂંટાયા હતા. તેમના શાસનકાળ દરમિયાન જમૈકામાં જમીનસુધારા દાખલ થયા, આર્થિક વિકાસને પ્રોત્સાહન મળ્યું અને બૉક્સાઇટ તથા પ્રવાસન-ઉદ્યોગને સવિશેષ વિકસાવવામાં આવ્યા. આમ તેમણે મધ્યમમાર્ગી સમાજવાદનો સ્વીકાર કરી જમૈકાના આર્થિક વિકાસને વેગીલો બનાવ્યો. તેઓ અલ્પજીવી વેસ્ટ-ઇન્ડિઝ ફેડરેશન(1958–62)ના ઘડવૈયા હતા. જમૈકા અને ફેડરેશનનાં હિતો સંઘર્ષમાં આવ્યાં ત્યારે ફેડરેશનમાંથી જમૈકાનું સભ્યપદ તેમણે સંકેલી લીધું. ફેબ્રુઆરી 1969માં તેમણે રાજકીય નિવૃત્તિ લીધી.

તેમના નિધન બાદ 1972માં તેમણે સ્થાપેલો પીપલ્સ નૅશનલ પક્ષ સત્તા પર આવ્યો ત્યારે તેમના પુત્ર મૅન્લી માઇકલ નૉર્મને પિતાએ પસંદ કરેલી આર્થિક-રાજકીય નીતિઓને આગળ ધપાવી સાતત્ય પૂરું પાડ્યું.

રક્ષા મ. વ્યાસ