મૅનશિયસ (ઈ. સ. પૂ. આશરે 371થી 289 આશરે) : ચીનના મહાન તત્વજ્ઞાની અને સંત. તેઓ ચીનના શાંતુગ પ્રાંતમાં જન્મેલા. તેમનું લૅટિન નામ હતું મૅગ ત્ઝુ એટલે કે ‘માસ્ટર મૅંગ’. તેમણે કન્ફ્યૂશિયસના નમૂનાના આધારે એક શાળા સ્થાપી હતી અને 20 વર્ષ સુધી ચીનમાં પ્રવાસ કરતા રહ્યા. તે કન્ફ્યૂશિયસના નૈતિક અને રાજકીય આદર્શોને અમલમાં મૂકે એવા કોઈ રાજવીની શોધમાં હતા. તેમની આ ખોજ તો અધૂરી રહી; પણ રાજકર્તાઓ, અનુયાયીઓ તથા અન્ય નાગરિકો સાથે તેમને જે વિચારવિમર્શ થયો તે ‘બુક ઑવ્ મૅંગ-ત્ઝુ’માં સંગૃહીત થયો છે. વિચારકણિકાઓના ભંડાર જેવું આ પુસ્તક તેમના અવસાન પછી સંકલિત-સંપાદિત થયું હતું.
તેમની એવી ર્દઢ માન્યતા હતી કે માનવમાત્રનાં સ્વભાવ અને પ્રાથમિક વૃત્તિ સરસ જ હોય છે, પરંતુ નૈતિક વિકાસ માટે દરેક માનવીને યોગ્ય વાતાવરણ, સાનુકૂળતા તથા પ્રોત્સાહનની જરૂર રહેતી હોય છે. આ માન્યતાના આધારે જ તેમનું નીતિશાસ્ત્ર રચાયેલું છે. તેમણે કરવેરા, રસ્તાની નિભાવ-વ્યવસ્થા તથા ગરીબો માટે કાનૂની જોગવાઈ જેવા વિષયો માટે પણ ખૂબ ઉપયોગી અને વ્યવહારુ સૂચનો કર્યાં છે.
મહેશ ચોકસી