મૅનરિઝમ (Mannerism) : સ્થાપત્ય, આધુનિક સ્થાપત્યમાં પ્રયોજાતો આ શબ્દનો પ્રયોગ સ્થાપત્યમાં સૌપ્રથમ 1920માં થયો હતો. સ્થાપત્યક્ષેત્રે પ્રવર્તેલી ‘હાઇ રેનેસાં’ તથા ‘બરૉક’ શૈલી વચ્ચેના સમય(એટલે કે આશરે 1530થી આશરે 1590)ગાળાના રેનેસાં દરમિયાન પ્રવર્તેલ ઇટાલીના સ્થાપત્યની ઓળખ માટે તે વપરાય છે. આ ગાળા દરમિયાન પ્રશિષ્ટ ડિઝાઇનના સિદ્ધાંતોમાં ઘણી છૂટછાટ લેવાઈ અને ક્યાંક તેમને સાવ ઉલટાવી નાખવામાં પણ આવ્યા હતા. આ રીતિવાદી સ્થાપત્યના પુરસ્કર્તાઓમાં ઍલસી, માઇકલૅન્જેલો, ટિબાલ્ડી તથા વિગ્નોલા મુખ્ય હતા.

આ રીતિવાદી તબક્કાની સ્થાપત્યશૈલીમાં ઘટકોના ઉપયોગ પરત્વે તેમનાં મૂળ મહત્વ કે સંદર્ભનો ઇરાદાપૂર્વક કે પ્રયત્નપૂર્વક વિરોધાભાસ પ્રયોજવામાં આવતો હતો. જોકે આ શૈલીએ પ્રયત્નપૂર્વક પોતાની વિશેષતાઓ જાળવવા કોશિશ કરી. પરંતુ તે સરવાળે તો નિસ્તેજ અને નિયમચુસ્ત ‘ક્લાસિસિઝમ’માં વ્યક્ત કરવામાં જ સરી પડી.

મૅનરિઝમ શબ્દપ્રયોગ સોળમી સદીના ફ્રેન્ચ તેમજ સ્પૅનિશ સ્થાપત્યને પણ લાગુ પડે છે. (સ્પેનનું એસ્કૉરિયલ કૉમ્પ્લેક્સ તેનું ઉદાહરણ છે.) પરંતુ ઉત્તરના દેશોને એ કેટલે અંશે લાગુ પડે છે એ વિવાદાસ્પદ છે. ઇટાલીમાં આ શૈલીનાં પ્રમુખ ઉદાહરણોમાં માઇકલૅન્જેલોનું મેડિચી ચૅપલ તથા લૉરેન ઇયાન ગ્રંથાલય, માન્ટુઆ ખાતેના જુલિયા રોમાનોનાં સર્જનો, ફ્લૉરેન્સ ખાતે વાસ્તરીરચિત યુફિઝી તેમજ આ સ્થપતિઓનાં અન્ય નિર્માણો અને લિગૉરિયા, ઍમેન્તી, બૉન્તેલેન્તી વગેરેનાં નિર્માણો ગણાવી શકાય. પૅલેડિયો જેવા જાણીતા રેનેસાં સ્થપતિ પણ રીતિવાદી શૈલીને અનુસરતા હોવાનું જણાયું છે, જોકે તેમનાં નિર્માણોનાં કેટલાંક મર્યાદિત પાસાં જ આ વર્ગીકરણમાં આવે છે.

સ્નેહલ શાહ

અનુ. મહેશ ચોકસી