મૅધરિયાગ, સૅલ્વડૉર (જ. 23 જુલાઈ 1886, લા કૉરુના, સ્પેન; અ. 14 ડિસેમ્બર 1978, લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્પેનના લેખક, રાજકારણી અને ઇતિહાસકાર. લીગ ઑવ્ નૅશન્સ ખાતેની તેમની સેવા બદલ તેમજ અંગ્રેજી, જર્મન અને ફ્રેન્ચ તેમજ સ્પૅનિશમાં થોકબંધ લખાણ માટે તેઓ વિશેષ જાણીતા છે.
સૈનિક પિતાના આગ્રહને કારણે તેમણે પૅરિસમાં ઇજનેરીનો અભ્યાસ કર્યો, પરંતુ પત્રકાર થવા માટે એ કારકિર્દી છોડી દીધી. 1921માં તે જિનીવા ખાતેના લીગ ઑવ્ નૅશન્સના સચિવાલયમાં પ્રેસ-મેમ્બર તરીકે જોડાયા; પછીના વર્ષે તે તેના નિ:શસ્ત્રીકરણ વિભાગના વડા નિમાયા. 1923થી ’31 દરમિયાન તે ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે સ્પૅનિશ ભાષા-સાહિત્યના અભ્યાસના અધ્યાપક રહ્યા. 1931માં સ્પૅનિશ રાજાશાહીનું પતન થતાં, સ્પૅનિશ પ્રજાસત્તાકે અમેરિકા ખાતે તેમની એલચી તરીકે નિમણૂક કરી (1931). પછી (1932–34) ફ્રાન્સ ખાતે નિમણૂક કરી. 1931થી ’36 સુધી તે લીગ ઑવ્ નૅશન્સ ખાતે સ્પેનના કાયમી પ્રતિનિધિ રહ્યા. જુલાઈ 1936માં સ્પેનમાં આંતરવિગ્રહ ફાટી નીકળતાં, તે રાજીનામું આપી ઇંગ્લૅન્ડ ગયા. ફ્રાન્કો શાસનના તે જોરદાર ટીકાકાર રહ્યા અને ફ્રાન્કોનું અવસાન થતાં, એપ્રિલ 1976માં તે સ્પેન પાછા આવ્યા.
તેમની સંખ્યાબંધ કૃતિઓમાં ‘ઇંગ્લિશમૅન, ફ્રેન્ચમૅન, સ્પૅનિયાર્ડ્ઝ’ (1928), ‘ઍનાર્કી ઑર હાઇરાર્કી’ (1937), ‘ક્રિસ્ટૉફર કોલંબસ’ (1939), ‘સ્પેન’ (1942) તથા ‘ધ રાઇઝ ઑવ્ ધ સ્પૅનિશ-અમેરિકન એમ્પાયર’ તથા ‘ધ ફૉલ ઑવ્ ધ સ્પૅનિશ-અમેરિકન એમ્પાયર’ (બંને – 1947) ઉલ્લેખનીય છે. તેમનાં સંસ્મરણો ‘મૉર્નિંગ વિધાઉટ નૂન’ 1973માં પ્રગટ થયાં. ‘ઇન્ટરનેશનલ લિબરલ યુનિયન’ તથા ‘કૉંગ્રેસ ફૉર ફ્રીડમ ઑવ્ કલ્ચર’ના તે માનાર્હ પ્રમુખ હતા. ‘કૉલેજ ઑવ્ યુરોપ’ના સ્થાપક-પ્રમુખ તથા નૈતિક અને રાજકારણી વિષયોની વિદ્યાશાખાની સ્પૅનિશ તથા ફ્રેન્ચ એકૅડેમીના સભ્ય તરીકે પણ તેમણે સેવા આપી છે.
મહેશ ચોકસી