મૅક્કિનૉન, રૉડરિક (MacKinnon, Roderick) (જ. 19 ફેબ્રુઆરી 1956, બર્લિંગ્ટન, યુ.એસ.) : અમેરિકન જૈવભૌતિકવિદ (biophysicist) અને 2003ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. મૅક્કિનૉને 1978માં બ્રાન્ડીસ (Brandeis) યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી અને 1982માં બૉસ્ટનની ટફ્ટ્સ (Tufts) યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ મેડિસીનમાંથી એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1986માં તેમણે બ્રાન્ડીસ યુનિવર્સિટી(વોલ્થેમ, મૅસે.)માં આયનવાહિકાઓ (ion channels) ઉપર પોસ્ટડૉક્ટરલ સંશોધનની શરૂઆત કરી. 1989માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. 1996માં તેઓ ન્યૂયૉર્ક સિટીની રૉકફેલર યુનિવર્સિટીમાં આણ્વીય ચેતાજીવવિજ્ઞાન (molecular neurobiology) તથા ભૌતિક-જીવવિજ્ઞાનના પ્રાધ્યાપક તથા પ્રયોગશાળાના અધ્યક્ષ બન્યા. એક વર્ષ બાદ તેઓ રૉકફેલર યુનિવર્સિટીની હાર્વર્ડ હ્યુજીસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અન્વેષક (investigator) તરીકે જોડાયા.

રોડરિક મૅક્કિનૉન

કારકિર્દીની શરૂઆતમાં તેઓએ પોતાનો ઘણોખરો સમય દર્દીઓની સારવાર પાછળ પસાર કરેલો; પણ આયનવાહિકાઓ પર થઈ રહેલા સંશોધનથી આકર્ષાઈને 30 વર્ષની વયે તેઓ મૂળભૂત (basic) સંશોધન તરફ વળ્યા. આ વાહિકાઓ પણ પ્રોટીન હોવાનું પુરવાર થયું હતું. તે કોષમાંનાં દ્રવ્યો(cell contents)ને બહાર જવા દીધા વિના આયનોને અંદર દાખલ થવા દે છે એટલું જ નહિ પણ તેમની કામગીરી વરણાત્મક (selective) હોય છે. આમ તે એક ગળણી(filter)ની જેમ વર્તે છે અને એક પ્રકારના (દા. ત., પોટૅશિયમ, K+) આયનને પસાર થવા દે છે; જ્યારે અન્યને અવરોધે છે. આ ગળણી કેવી રીતે કાર્ય કરે છે તે કોઈને ખબર ન હતી.

મૅક્કિનૉનને આ જટિલ પ્રશ્નનો ઉકેલ ક્ષ-કિરણ વિવર્તન (X-ray diffraction) પ્રવિધિ વડે વાહિકાઓનાં બારીક (sharp) પ્રતિબિંબો (images) મેળવીને લાવી શકાય તેમ લાગ્યું. તેઓ ઝડપથી ક્ષ-કિરણ વિવર્તન ટૅક્નૉલૉજીના નિષ્ણાત બની ગયા અને થોડાં વર્ષોમાં જ આયનવાહિકાઓની ત્રિપરિમાણી આણ્વિક સંરચના રજૂ કરીને આ અંગે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોને અચંબામાં મૂકી દીધા. 1998માં તેમણે મેળવેલાં પરિણામો દ્વારા મૅક્કિનૉને આયન-ગળણી (મોટાં) પોટૅશિયમ આયનોને કેવી રીતે પસાર થવા દે છે અને (નાનાં) સોડિયમ આયનોને અવરોધે છે તેની સમજૂતી આપી. તેમણે જોયું કે આ વાહિકાઓ એવા આમાપ(size)ની સ્થાપત્યરચના ધરાવે છે કે જે K+ આયનોને તેમની સાથે સંલગ્ન પાણીના અણુઓથી અલગ પાડી દે છે અને તેમને સરકી જવા દે છે; જ્યારે સોડિયમ આયનો માટે તેમ વર્તતી નથી.

મૅક્કિનૉને કોષના આંતરિક ભાગની નજીકમાં નજીક આવેલ વાહિકાઓના છેડા પર એક આણ્વીય સંવેદક (molecular sensor) પણ શોધી કાઢ્યો. તેમના સંશોધન દ્વારા વૈજ્ઞાનિકોને રોગો માટેનાં ઔષધો વિકસાવવાનું સરળ બન્યું છે. દા. ત., હૃદય અને ચેતાતંત્ર કે જેમાં આયનવાહિકાઓ ભાગ ભજવે છે. 2003ના વર્ષ માટેનું નોબેલ પારિતોષિક મૅક્કિનૉન (આયનવાહિકાઓને લગતા સંશોધન બદલ) તથા પીટર આગ્રે(જલવાહિકાઓ અંગેના સંશોધન માટે)ને સંયુક્તપણે એનાયત કરવામાં આવેલું.

નૉબેલ પુરસ્કાર ઉપરાંત મેક્કિનૉનને પ્રાપ્ત થયેલા માન-અકરામોનાં નીતેનાંનો સમાવેશ થાય છે :

ન્યૂકોમ્બ કલીવલેન્ડ ઇનામ (1997); ડબલ્યુ આલ્ડેન સ્પેન્સર (Alden Spencer) ઍવૉર્ડ (1998); આલ્બર્ટ લાસ્કર (Albert Lasker) ઍવૉર્ડ (1999); રોઝેન્સ્ટિયલ (Resentiel) ઍવૉર્ડ (2000); ગાયર્ડનર (Gairdner) ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ ઍવૉર્ડ (2001); લૂઈસા ગ્રોસ હોર્વિટ્ઝ (Louisa Gross Horuitz) ઇનામ (કોલંબિયા યુનિવર્સિટી 2003)

2000ના વર્ષમાં તેઓ યુ.એસ. નેશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝમાં ચૂંટાઈ આવ્યાં હતા.

પ્રહલાદ બે. પટેલ