મેક્યુલોઝ-સંરચના : વિકૃત ખડકોમાં જોવા મળતી ડાઘ, ટપકાં કે ગાંઠનાં લક્ષણો દર્શાવતી સંરચના. ખાસ કરીને સંસર્ગ-વિકૃતિજન્ય ખડકસમૂહોમાં જોવા મળતી આ પ્રકારની સંરચના માટે આ શબ્દ ઉપયોગમાં લેવાય છે; દા.ત., ટપકાંવાળો સ્લેટ ખડક.

મૅક્યુલોઝ સંરચના : ખડક : ચાયસ્ટોલાઇટ સ્લેટ. સૂક્ષ્મ દાણાદાર પરિવેષ્ટિત
દ્રવ્યમાં વિકૃતિસંભેદ તથા ચાયસ્ટોલાઇટના મહાસ્ફટિકો વિકસેલા દેખાય છે.

વિકૃત ખડકોમાં જ્યારે ઍન્ડેલ્યુસાઇટ, કૉર્ડિરાઇટ, ક્લોરીટૉઇડ, ઑટ્રેલાઇટ, બાયૉટાઇટ જેવાં ર્દઢ ખનિજોના મહાસ્ફટિકો (porphyroblasts) સુવિકસિત જોવા મળે અથવા તો પ્રારંભિક સ્ફટિકીકરણને પરિણામે આવાં ખનિજોનાં ટપકાં જોવા મળે તેમજ ખડકમાં કાર્બનયુક્ત દ્રવ્યનું એકત્રીકરણ થયેલું હોય ત્યારે ખડકમાં જોવા મળતી સંરચનાને મેક્યુલોઝ-સંરચના કહે છે. મૃણ્મય ખડકો જ્યારે સંસર્ગ કે ઉષ્ણતા-વિકૃતિની અસર હેઠળ આવે છે ત્યારે આ પ્રકારની લાક્ષણિક સંરચના તૈયાર થાય છે. વિકૃતિ દરમિયાન મૂળ ખડકમાંની વિઘટન પામેલી પેદાશો અને બારીક ખડકચૂર્ણના મિશ્રણમાંથી નવી ખનિજ-પુનર્ગોઠવણી થતાં, પરિવેષ્ટિત દ્રવ્ય બને છે અને તેમાં મહાસ્ફટિકો સામેલ થઈને સ્થાન પામે છે. આવી સંરચનાવાળા જુદા જુદા ખડકો માટે જર્મન નામ અપાયેલાં છે : ખડકમાં સૂક્ષ્મ ટપકાં કે પતરીઓ મળે તો – ફ્લેક્શીફર (flechchiefer), ઘઉંના દાણા જેવાં ખનિજો હોય તો–ફ્રુશ્તશીફર (fruchtschiefer), ગાજરના બીજના આડછેદ જેવાં ખનિજો હોય તો – ગાર્બેનશીફર (garbenschiefer) અને અલગ તરી આવતા પ્રત્યેક ખનિજથી મોટી ગાંઠો બનેલી મળે તો નૉટનશીફર (knotenschiefer) શબ્દો વપરાય છે.

આવાં ટપકાં કે ગાંઠોવાળા ખડકો ઉપર વિકૃતિ થતાં સ્ફટિકીકરણ ચાલુ રહે તો ઉગ્ર વિકૃતિની અસર હેઠળ સૂક્ષ્મદાણાદાર ગ્રૅનોબ્લાસ્ટિક ખડક-પ્રકારો(હૉર્નફેલ્સ)માં તે ફેરવાતા જાય છે. તેમાં પ્રારંભિક પટ્ટીદાર રચના કે પત્રબંધી દેખાતી હોય છે. આ કક્ષામાંથી ગ્રૅન્યુલોઝ, શિસ્ટૉઝ તથા નાઇસૉઝ સંરચનાઓ બદલાતી જતી ક્રમિક કક્ષાઓ થઈ શકે છે.

ગિરીશભાઈ પંડ્યા